વિક્ટોરીયન સરકાર દ્વારા રાજ્યના રહેવાસીઓ પ્રવાસન સ્થળોની મુલાકાત તે માટે મફત ટ્રાવેલ વાઉચરની યોજના ફરીથી અમલમાં મૂકવામાં આવી છે.
વિવિધ માધ્યમોના જણાવ્યા પ્રમાણે, શુક્રવારે સવારે જ્યારે વાઉચર ઉપલબ્ધ કરાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી તેની માત્ર 4 મિનિટમાં જ રાજ્યના લોકોએ તમામ વાઉચર ઝડપી લીધા છે.
ઉલ્લેખનીય છે કે સરકારે રાજ્યના રહેવાસીઓ મેટ્રોપોલિટન મેલ્બર્નની મુલાકાત લે તે માટે 200 ડોલરની વાઉચર યોજના અમલમાં મૂકી છે.
શુક્રવારે સવારે 10 વાગ્યે સર્વિસ વિક્ટોરીયા વેબસાઇટ પરથી મેલ્બર્ન ટ્રાવેલ વાઉચર સ્કીમ અંતર્ગત 40,000 વાઉચર ઉપલબ્ધ કરાવવામાં આવ્યા હતા.

Bourke Street in Melbourne. Source: AAP
પરંતુ, માત્ર 4 મિનિટ બાદ એટલે કે 10.04 am વાગ્યે વાઉચર સમાપ્ત થઇ ગયા હતા.
સર્વિસ વિક્ટોરીયાની વેબસાઇટ પર મૂકવામાં આવેલા સંદેશ પ્રમાણે, "મેલ્બર્ન ટ્રાવેલ વાઉચર સ્કીમ અંતર્ગત મૂકવામાં આવેલા 40,000 વાઉચર સમાપ્ત થઇ ગયા છે. વિક્ટોરીયના પ્રવાસન ઉદ્યોગને તમારો સહયોગ આપવા બદલ આભાર."
રાજ્યના એક્ટીંગ પ્રીમિયર જેમ્સ મેર્લિનોએ જણાવ્યું હતું કે, રીજનલ વિસ્તારોમાં ટ્રાવેલ વાઉચર યોજનાને સકારાત્મક પ્રતિસાદ મળ્યો હોવાથી વાઉચર યોજના ગ્રેટર મેલ્બર્ન સુધી લંબાવવામાં આવી છે.

Melbourne travel voucher scheme. Source: Service Victoria
રીજનલ ટ્રાવેલ વાઉચર યોજના
રીજનલ ટ્રાવેલ વાઉચર યોજનાનો ત્રીજો તબક્કો માર્ચ 30થી શરૂ થવા જઇ રહ્યો છે. આ તબક્કામાં વાઉચરની સંખ્યા 50,000 કરવામાં આવી છે.
લાયકાત
- આ યોજનાનો લાભ લેવા માટે વિક્ટોરીયાના રહેવાસી તથા ઉંમર 18 વર્ષ કે તેથી વધુ હોય તે જરૂરી છે.
- બે દિવસના રોકાણ દરમિયાન રહેવાસ, આકર્ષણના સ્થળો અને ટુરમાં ઓછામાં ઓછા 400 ડોલર ખર્ચ કરવા જરૂરી છે.
- ઘર દીઠ એક વાઉચર ઉપલબ્ધ કરાવવામાં આવશે.