માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરના બાળપણના કોચ તથા દ્રોણાચાર્ય એવોર્ડનું સન્માન મેળવનારા રમાકાંત આચરેકરનું બુધવારે સાંજે નિધન થયું હતું.
તેઓ 87 વર્ષના હતા. તેમના પરિવારના એક સભ્યએ પીટીઆઇને જણાવ્યું હતું કે, આચરેકરનું મૃત્યુ તેમની મોટી ઉંમરના કારણે થયું છે.
રશ્મિ દલવીએ જણાવ્યું હતું કે, "આચરેકર હવે આપણી વચ્ચે રહ્યાં નથી. તેમનું બુધવારે સાંજે નિધન થયું હતું."
મહાન ખેલાડી સચિન તેંડુલકરે હંમેશાં પોતાની સફળતાનો શ્રેય કોચ રમાકાંત આચરેકરને આપ્યો છે. સચિન ઉપરાંત, આચરેકરે અન્ય જાણીતા ખેલાડીઓ જેમ કે વિનોદ કાંબલી, પ્રવીણ આમરે, સમીર દીઘે તથા બલવિન્દર સિંઘ સન્ધુને કોચિંગ આપ્યું હતું.
સચિન, બીસીસીઆઇની આચરેકરને શ્રદ્ધાંજલિ
સચિને પોતાના બાળપણના કોચ આચરેકરને શ્રદ્ધાંજલિ આપતા ટ્વિટર પર લખ્યું હતું કે, "ઘણા વિદ્યાર્થીઓની જેમ મેં પણ ક્રિકેટનો કક્કો સરના માર્ગદર્શન હેઠળ શીખ્યો હતો. મારા જીવનમાં તેમનો ફાળો શબ્દમાં વર્ણવી શકાય તેમ નથી. તેમણે મારા વર્તમાન જીવનનો પાયો નાખ્યો હતો."
"ગયા મહિને જ હું તેમને અને તેમના કેટલાક વિદ્યાર્થીઓને મળ્યો હતો, અમે ઘણો સમય પસાર કર્યો હતો. અમે જૂના દિવસો યાદ કર્યા હતા. આચરેકર સરે અમને સીધા બેટ વડે રમતા અને શ્રેષ્ઠ જીવન જીવતા શીખવ્યું હતું. અમારા જીવનનો ભાગ બનવા તથા ક્રિકેટ શીખવવા બદલ તમારો આભાર,"
"ખૂબ જ સરસ રમ્યા સર, મને આશા છે કે તમે જ્યાં પણ હશો ત્યાં ક્રિકેટ શીખવશો," તેમ સચિને ટ્વિટ કરી હતી.
ક્રિકેટર તરીકેની કારકિર્દીમાં રમાકાંત આચરેકર માત્ર એક જ ફર્સ્ટ ક્લાસ મેચ રમ્યા હતા. પરંતુ તેઓ ક્રિકેટ કોચિંગમાં ઘણા સફળ રહ્યા હતા અને સચિન જેવા મહાન ક્રિકેટરની તેમણે દેશને ભેટ આપી હતી.

