67 વર્ષીય લોવરેન્સ ગોર્ડન SBS Lifeને જણાવે છે કે બે વર્ષ પહેલા તેઓ સેવાનિવૃત્ત થયા ત્યારબાદ પ્રવૃત્ત રહેવા ઇચ્છતા હતા. તેમના કોઈ સંબંધીએ તેમને ઉબર ડ્રાઈવર બનવાનું સૂચન કર્યું. તેમના માટે આ સૂચન દિલચસ્પ હતું કેમકે તેઓને પ્રવૃત્તિ પણ મળી શકે તેમ હતી અને સાથે પૈસા પણ.
પણ ગોર્ડન એક જ કાનથી સાંભળી શકે છે અને આ તેમના માટે ઉબર ડ્રાઈવર બનવા માટે વિઘ્ન હતું. ઓસ્ટ્રેલિયામાં દર છ માંથી એક વ્યક્તિ અમુક હદ સુધી સાંભળવામાં તકલીફ અનુભવે છે, અને 60 વર્ષથી ઉપરની દર બે માંથી એક વ્યક્તિ બહેરાશનો ઓછા - વધુ અંશે ભોગ બને છે.
આ બાબતને ધ્યાનમાં રાખીને ઉબરની એપ માં સુધારો કર્યો છે. ઉબરના ઓપરેશન્સના જનરલ મેનેજર માઈક એબટનું કહેવું છે કે," અમે નવી ઉપડૅટ એપમાં દાખલ કરી છે જે ખાસ બહેરાશ ધરાવનાર અને મુસાફરોને આસાનીથી ન સાંભળી શકનાર ડ્રાઈવર માટે છે." આ સુધારા મુજબ જયારે કોઈ ગ્રાહક ડ્રાઇવરની સેવા બુક કરે ત્યારે તેમને જણાવવામાં આવે છે કે ડ્રાઈવરને બહેરાશ છે અથવા સાંભળવામાં તકલીફ છે. ગ્રાહકને વિનંતી કરવામાં આવેછે કે તેઓ ડ્રાઇવરનો સમ્પર્ક ટેક્સ્ટ મેસેજ વડે કરે.
ગોર્ડન આ રીતે નવી શરૂઆત કરવા તૈયાર છે. તેઓ રોડ્સ અને મરીન સેવા તરફથી પરવાનગીની રાહ જોઈ રહ્યા છે. તેમને આશા છે કે આવનાર સપ્તાહમાં તેઓને આ પરવાનગી મળી જશે.
વર્ષ 2008ના વિક્ટોરિયન બહેરાશ શિક્ષા અહેવાલ મુજબ 35 ટકા બહેરાશ અનુભવતા લોકો, 10 ટકા સામાન્ય લોકોની સરખામણીએ ગરીબી રેખાની નીચે જીવે છે. શ્રી એબટનું કહેવું છે કે ઉબર વડે શરુ કરાયેલ આ નવી પહેલથી બહેરાશ અનુભવતા લોકો કે સાંભળવામાં તકલીફ અનુભવતા લોકોને તેમની અનુકૂળતા મુજબ કામ કરવાનું વિકલ્પ ઉપલબ્ધ છે.
અત્યારસુધી બહેરાશ કે સાંભળવામાં તકલીફ ધરાવનાર ઘણા ઓસ્ટ્રેલિયાનોએ ઉબરનો સંપર્ક સાધ્યો છે, અને આ કમ્પની વડે પણ બહેરાશ ધરાવતા, યોગ્ય લાઇસન્સ ધરાવતા અને ડ્રાઇવિંગ સ્કિલ ધરાવતા લોકોને તક આપવાની શરૂઆત કરવામાં આવી છે.
ધ ડેફ સોસાયટીના સી ઈ ઓ લિયોની જેક્સન ઉબરના બહેરા લોકોને મદદ કરવાના પ્રયાસથી ખુબ પ્રભાવિત થયા છે. તેઓનું કહેવું છે કે ઉબર વડે ઔંસલાન ભાષાના માહિતી સત્રોનું આયોજન પણ કરવામાં આવે છે, આ સાથે બહેરાશ ધરાવતા લોકોને લાયસન્સ અંગે પડતી તકલીફો દૂર કરવા માટે પણ તેઓ સરકાર સાથે કામ કરી રહ્યા છે. બહેરાશ ધરાવતા લોકોને સામાન્ય સમાજનો ભાગ બનાવવાનો પ્રયાસ સરાહનીય છે.
બહેરાશ ધરાવતા અને ઉબર ડ્રાઈવર બનવા ઇચ્છતા લોકોએ ઓનલાઇન સાઈન અપ કરવાનું છે અને ત્યાર બાદ જીપી પાસે સાંભળવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરાવીને ઓડિયોલોજી રિપોર્ટ મેળવવાનો હોય છે. આ બધી પ્રક્રિયા મફતમાં કનેક્ટ હીયરીંગ દ્વારા કરવામાં આવે છે.
Share

