બ્રિટન જાન્યુઆરી મહિનામાં યુરોપીયન યુનિયનમાંથી બહાર થયું અને હાલમાં તે પોતાની ઇમિગ્રેશન પદ્ધતિમાં ફેરફાર કરવા જઇ રહ્યું છે.
બ્રિટનના યુરોપીયન યુનિયનમાંથી બહાર થયા અગાઉ ગ્રૂપના તમામ 27 દેશોના લોકો યુનાઇટેડ કિંગડમમાં રહી તથા નોકરી કરી શકતા હતા.
જોકે, પોઇન્ટ્સ આધારિત ઇમિગ્રેશન પદ્ધતિ લાગૂ થયા બાદ તે શક્ય બનશે નહીં.
બ્રિટનના હોમ સેક્રેટરી પ્રીતિ પટેલે જણાવ્યું હતું કે યુનાઇટેડ કિંગડમને પોતાની બોર્ડરની સુરક્ષા કરવાનો અધિકાર છે.
તેમણે જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક દશકો બાદ બ્રિટન પોતાની ઇમિગ્રેશન પદ્ધતિ દાખલ કરવા જઇ રહ્યું છે. જેના દ્વારા ઓછી સ્કીલ ધરાવતા લોકો બ્રિટનમાં આવી શકશે નહીં.
નવી પદ્ધતિમાં માઇગ્રેટ થવા ઇચ્છતા લોકોની સ્કીલ, અભ્યાસ, આવક અથવા તેમનો વ્યવસાય જેવી બાબતો તપાસવામાં આવશે.
જે લોકો બ્રિટનમાં કામ કરવા માંગતા હશે તેમની પાસે નોકરી તથા 50 હજાર ઓસ્ટ્રેલિયન ડોલર જેટલી આવકનો પ્રસ્તાવ ફરજિયાત રહેશે.
આ ઉપરાંત, જે ઇચ્છુક માઇગ્રન્ટ્સ પાસે ઓછી કમાણીનો પ્રસ્તાવ હશે તો તેમણે અન્ય કોઇ સ્કીલ દર્શાવવી પડશે.
સ્કીલ્ડ માઇગ્રન્ટ્સને હાલમાં યુનિવર્સિટી ડીગ્રીની જ જરૂરિયાત છે પરંતુ ભવિષ્યમાં તેમણે બ્રિટનની લાયકાત પ્રમાણેની ‘લેવલ A’ ની ડીગ્રી દર્શાવવી પડશે.
હાલમાં યુરોપીયન યુનિયન હેઠળ આવતા હજારો નાગરિકો પાસે ખેતી, આરોગ્ય અને રેસ્ટોરન્ટ્સ જેવા ઉદ્યોગોમાં ઓછો પગાર ધરાવતી નોકરીઓ છે.
વિરોધપક્ષ તરફથી ઇમિગ્રેશન પ્રવક્તા બેલ રીબેરીયો-એડીના જણાવ્યા પ્રમાણે નવી ઇમિગ્રેશન પદ્ધતિના કારણે યુરોપિયન યુનિયનના નાગરિકો પર આધારિત ક્ષેત્રો જેમ કે ખેતી, આરોગ્ય ક્ષેત્રોમાં કુશળ કારીગરોની અછત વર્તાશે.
પ્રીતિ પટેલના જણાવ્યા પ્રમાણે, 8 મિલિયનની વસ્તીમાંથી 20 ટકા લોકો 16થી 64 વર્ષની ઉંમર ધરાવે છે અને તેઓ હાલમાં નિષ્ક્રીય છે.
જોકે, બ્રિટનમાં હાલમાં રોજગારીનો દર ઉંચો છે. આઠ મિલિયનની વસ્તીમાંથી મોટાભાગના લોક વિદ્યાર્થીઓ તથા નિવૃત્ત લોકો છે.
બીજી તરફ, વિદેશી કારીગરોને નોકરી આપતી સંસ્થાઓના જણાવ્યા પ્રમાણે, આગામી સમયમાં બ્રિટનના નાગરિકો દ્વારા નોકરીઓમાં જગ્યા ભરવી થોડી મુશ્કેલ બની જશે.
પ્રિતી પટેલે ઉમેર્યું હતું કે પોઇન્ટ્સ આધારિત સિસ્ટમનો ઉદ્દેશ્ય માઇગ્રેશનની સંખ્યા ઓછી કરવાનો છે. જોકે, બ્રિટને ઇમિગ્રેશનની કેટલી સંખ્યા રાખવી તે લક્ષ્યાંક હજી નક્કી કર્યા નથી.