NDIS (રાષ્ટ્રીય વિકલાંગ વીમા યોજના) એ ઓસ્ટ્રેલિયાના વિકલાંગ લોકોને આપવામાં આવતી મદદ વધુ અસરકારક બને તેવા ઉદેશ સાથે ઓસ્ટ્રેલિયન સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલ યોજના છે.
NDIS, એન્ગેજમેન્ટ અને ઈન્ક્લુઝન બ્રાન્ચ મેનેજર મેટ રાઈટ જણાવે છે કે, "આ યોજનાનો ઉદેશ વિકલાંગ લોકોને ઓસ્ટ્રેલિયાના સામાન્ય નાગરિક માફક જીવનશૈલી પ્રદાન કરવાનો છે, એવી જીવનશૈલી જ્યાં તેઓ તેમના સમુદાય સાથે હળીમળી શકે. "
NDIS (રાષ્ટ્રીય વિકલાંગ વીમા યોજના) વિષે
NDIS (રાષ્ટ્રીય વિકલાંગ વીમા યોજના)નો લાભ લેવા માટે, વ્યક્તિ ઓસ્ટ્રેલિયન નાગરિક અથવા કાયમી નિવાસી હોવી જોઈએ. તેમની ઉંમર 65 વર્ષથી ઓછી હોવી જોઈએ અને તેમને કાયમી અથવા સિગ્નિફિકન્ટ વિકલાંગતા હોવી જોઈએ.
જો કોઈ વ્યક્તિને લાગે કે તે આ યોજનાનો લાભ લેવા માટે પાત્રતા ધરાવે છે તો સૌ પ્રથમ તેણે વેબસાઈટ અથવા ફોનના માધ્યમથી NDIS (રાષ્ટ્રીય વિકલાંગ વીમા યોજના)નો સમ્પર્ક કરવો. આ માટે ફોન નંબર છે- 1800800110. જો આપ અંગ્રેજી સિવાયની ભાષામાં વાત કરવા ઇચ્છતા હોવ તો નિઃશુલ્ક દુભાષિયા સેવા ઉપલબ્ધ છે. દુભાષિયા સેવાનો લાભ લેવા વ્યક્તિએ પહેલા 13 14 50 પર ટ્રાન્સલેટિંગ એન્ડ ઇન્ટરપ્રિટિંગ સેવાને ફોન કરવો.
NDIS (રાષ્ટ્રીય વિકલાંગ વીમા યોજના)નો લાભ લેવા ઇચ્છતી વ્યક્તિની પહેલા આકારણી કરવામાં આવશે, જો વ્યક્તિ પાત્ર ઠરે, તો તેઓ માટે વ્યક્તિગત પ્લાન અને ફન્ડ સપોર્ટ અંગે ચર્ચા કરવામાં આવશે. વ્યક્તિ પોતાની જરૂરતને આ સમયે રજુ કરી શકે - જેમકે તેમને ક્યા પ્રકારની સેવા કે સાધનની જરૂર છે.
CALD સમુદાય અને રાષ્ટ્રીય વિકલાંગ વીમા યોજના
કાઉન્સિલ ઓફ ઓસ્ટ્રેલિયન ગવર્નમેન્ટના આંકડા પ્રમાણે NDIS (રાષ્ટ્રીય વિકલાંગ વીમા યોજના) માટે સાંસ્કૃતિક અને ભાષાકીય વિવિધતા ધરાવતા સમૂહના 20% જેટલા લોકો પાત્રતા ધરાવે છે, પણ ફક્ત 7.2% જેટલા લોકો જ સહભાગી થયા છે.
સાંસ્કૃતિક અને ભાષાકીય વિવિધતા ધરાવતા સમૂહના વિકલાંગ લોકોના અધિકારો માટે કાર્યરત સંસ્થા નેશનલ એથનિક ડિસેબિલિટી અલાયન્સ (NEDA) ના મુખ્ય કાર્યકારી અધ્યક્ષ દ્વાયન કાર્નફિલ્ડ મુજબ, " આ યોજનાનો લાભ લેવા આખા જૂથના લોકો પાત્રતા ધરાવતા હોય તેવી સંભાવના છે, પણ તેઓ આ લાભ મેળવતા નથી કારણકે તેઓને આ યોજના વિષે જાણકારી નથી અથવાતો તેઓ આ અંગે મૂંઝવણ ધરાવે છે અથવાતો આ યોજનાનો લાભ લેવા જરૂરી મદદ - માહિતી જોઈએ તેનો અભાવ છે. "
તેઓ ઉમેરે છે કે, " જો અંગ્રેજી ભાષાનો અભાવ હોય અથવા તેમની મૂળ ભાષા ન હોય, સાથે જો હિમાયતી લોકોનો સહકાર ન હોય તો આ યોજનાનો લાભ લેવા માટેની પ્રક્રિયા મુશ્કેલ બની શકે છે. "
NDIS સાથે કાર્યરત બહુસાંસ્કૃતિક સંસ્થા અને સામુદાયિક જૂથોને મદદ કરતી સંસ્થા FutureAbility ના પ્રોગ્રામ મેનેજર જોર્જિયા ઝોંગલીસ જણાવે છે કે, ઘણા વિકલાંગતા પેંશન મેળવતા લોકો એવું વિચારે છે કે જો તેઓ NDIS માં જોડાશે તો તેઓને પેંશન મળતું બંધ થઇ જશે, જે વાત ખોટી છે. વિકલાંગતા ધરાવતી CALD સમુદાયની વ્યક્તિએ એ જાણવું જરૂરી છે કે તેઓ માટે મંજુર થયેલ પેકેજ શું છે, આ પેકેજમાં કરેલ નાણાંકીય જોગવાઈ એ પેંશન ઉપરાંત આપવામાં આવતી મદદ છે.

(Getty Images/GCShutter) Source: Getty Images/GCShutter
NDIS (રાષ્ટ્રીય વિકલાંગ વીમા યોજના) સમજવા માટે જરૂરી મદદ
આગાઉ જણાવ્યું તેમ અંગ્રેજી ભાષાનું સીમિત જ્ઞાન ધરાવનાર માટે NDIS વિષે જાણવું - સમજવું મુશ્કેલ હોઈ શકે છે, આથી આ યોજના અંગેની માહિતી વિવિધ ભાષાઓમાં ઉપલબ્ધ છે.
કેથી પોતાની 20 વર્ષીય દીકરી લૌરાના કેરર તરીકે સેવા આપે છે. લૌરાને એક જેનેટિક ડિસઓર્ડર છે - Prader-Will Syndrome. લૌરા માટે આ યોજના હેઠળ તૈયાર કરવામાં આવેલ પ્લાનથી કેથી ખુશ છે. તેઓ જણાવે છે કે શરૂઆતમાં તેઓને અંગ્રેજી બરાબર ન સમજાતું આથી તકલીફ પડતી, પણ તેઓ ઉમેરે છે કે વ્યક્તિએ જ્યાં સુધી વાત બરાબર ન સમજાય ત્યાં સુધી પ્રશ્નો પૂછવા જોઈએ.
NDIS ના મેટ રાઈટ જણાવે છે કે આ યોજના શરુ થઇ ત્યારથી અત્યારસુધીમાં CALD સમુદાયના વધુમાં વધુ લોકો સુધી પહોંચવા જરૂરી બદલાવ કરવામાં આવ્યા છે.

(Getty Images/Maskot) Source: Getty Images/Maskot
NDIS (રાષ્ટ્રીય વિકલાંગ વીમા યોજના) વિષે વધુ માહિતી મેળવવા - www.ndis.gov.au