રણજી ટ્રોફી એટલે ભારતીય ડોમેસ્ટિક ટીમનો વર્લ્ડ કપ, દર વર્ષે રમાતી રણજી ટ્રોફી ભારતીય ક્રિકેટમાં એક આગવું સ્થાન ધરાવે છે. છેલ્લા કેટલાક સમયમાં રણજી ટ્રોફીએ કાઉન્ટી ક્રિકેટ જેટલી લોકપ્રિયતા પ્રાપ્ત કરી છે. રાષ્ટ્રીય ટીમમાં પ્રવેશવા માટે એક મજબૂત પાયો ગણાતી રણજી ટ્રોફીએ ભારતીય ક્રિકેટ ટીમને સચિન તેંડુલકર, સુનીલ ગાવસ્કર, કપિલ દેવ, રવિ શાસ્ત્રી, સંદીપ પાટીલ, સૌરવ ગાંગુલી, અનિલ કુંબલે, વીવીએસ લક્ષ્મણ, રાહુલ દ્રવિડ, મહેન્દ્રસિંહ ધોની, વિરાટ કોહલી જેવા ઘણા ઉમદા ક્રિકેટર્સ આપ્યા છે. મોટાભાગના ક્રિકેટર્સની નેશનલ ટીમમાં એન્ટ્રી રણજી ટ્રોફીમાં તેમણે કરેલા પ્રદર્નના આધાર પર જ થઇ છે. 2017-18ની રણજી સિઝનનો છઠ્ઠી ઓક્ટોબરથી પ્રારંભ થયો. આવો જાણીએ રણજી ટ્રોફીનો ઇતિહાસ, સૌથી સફળ ટીમ, 2017-18ની સિઝનનું ફોર્મેટ, ગ્રૂપ્સ, કોન્સેપ્ટ અને વર્તમાન ચેમ્પિયન ગુજરાતની ટીમની તૈયારીઓ...
રણજી ટ્રોફીનો ઇતિહાસ
રણજી ટ્રોફીનું નામ ભારતના સૌપ્રથમ ટેસ્ટ ક્રિકેટર રણજીતસિંહજીના નામ પરથી રાખવામાં આવ્યું છે. તેઓ ઇંગ્લેન્ડ અને સસેક્સ તરફથી ક્રિકેટ રમ્યા હતા. 1934ની સાલમાં ટૂર્નામેન્ટની જાહેરાત કરવામાં આવી હતી પરંતુ પ્રથમ ટૂર્નામેન્ટ 1934-35માં યોજાઇ હતી. જેમાં પટિયાલાના મહારાજા ભુપિન્દર સિંહએ ટ્રોફીનું દાન કર્યું હતું. ભારતમાં ક્રિકેટનું સંચાલન કરતી સંસ્થા બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા (બીસીસીઆઇ)એ તેના ફોર્મેટમાં સમયાંતરે ઘણા ફેરફાર કર્યા અને ટૂર્નામેન્ટને રાષ્ટ્રીય ટીમમાં પ્રવેશવા માટેનું એક પ્રવેશદ્વાર બનાવ્યું.
2017-18ની સિઝનમાં 28 ટીમો
બીસીસીઆઇએ રણજી ટ્રોફી ટૂર્નામેન્ટના ફોર્મેટમાં સમયાંતરે ફેરફાર કર્યા છે. અમુક વર્ષો પહેલા આ ટૂર્નામેન્ટ ટુ-ટીયર ફોર્મેટમાં રમાતી હતી, જેમાં એલિટ અને પ્લેટ ગ્રૂપમાં ટીમોને વહેચવામાં આવતી હતી. 2016-17ની સિઝનમાં 28 ટીમો ત્રણ ગ્રૂપ્સમાં વહેંચાઇ હતી જ્યારે બીસીસીઆઇએ 2017-18માં રણજી ટ્રોફીની 84મી સિઝનમાં ફેરફાર કરીને ટીમોને એ,બી,સી,ડી - ચાર ગ્રૂપ્સમાં વહેંચી છે. અગાઉની સિઝનમાં દરેક ટીમ આઠ - આઠ મેચ રમતી હતી પરંતુ 2017-18ની સિઝનમાં દરેક ટીમને છ-છ મેચ રમવા મળશે. દરેક ગ્રૂપની ટોચની બે ટીમો ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન મેળવશે.
ગ્રૂપ - એ: આસામ, દિલ્હી, હૈદરાબાદ, કર્ણાટક, મહારાષ્ટ્ર, રેલ્વેઝ, ઉત્તર પ્રદેશ.
ગ્રૂપ - બી: ગુજરાત, હરિયાણા, સૌરાષ્ટ્ર, જમ્મુ અને કાશ્મીર, ઝારખંડ, કેરળ, રાજસ્થાન
ગ્રૂપ - સી: આધ્રં પ્રદેશ, બરોડા, મધ્ય પ્રદેશ, મુંબઇ, ઓરિસ્સા, તમિલનાડુ, ત્રિપુરા
ગ્રૂપ - ડી: બંગાળ, છત્તીસગઢ, ગોવા, હિમાચલ પ્રદેશ, પંજાબ, સર્વિસીસ, વિદર્ભ
તટસ્થ સ્થળનો કોન્સેપ્ટ પડતો મૂકાયો
બીસીસીઆઇએ કોઇ પણ ટીમને ઘરઆંગણાની પરિસ્થિતીનો લાભ ન મળે અને બંને ટીમો વચ્ચે રોમાંચક મુકાબલો થાય તેને ધ્યાનમાં રાખીને 2016-17ની સિઝનમાં લીગ મેચો તટસ્થ સ્થળે રમાડવાનો નિર્ણય લીધો હતો પરંતુ પ્રેક્ષકોની પાંખી હાજરી અને અન્ય નિષ્ફળતાના કારણોસર બીસીસીઆઇની ટેક્નિકલ સમિતિએ 2017-18ની સિઝન માટે તટસ્થ સ્થળનો વિકલ્પ પડતો મૂકવાનો નિર્ણય લીધો છે.
મુંબઇ સૌથી સફળ ટીમ
રણજી ટ્રોફીના ઇતિહાસમાં મુંબઇની ટીમ સૌથી સફળ રહી છે. તેણે આ પ્રતિષ્ઠિત ટૂર્નામેન્ટ સૌથી વધુ 41 વખત જીતી છે. ગુજરાતે 2016-17ની સિઝનમાં ફાઇનલમાં મુંબઇને હરાવીને 83 વર્ષની ઇતિહાસમાં સૌપ્રથમ વખત ચેમ્પિયન બનવાની સિદ્ધિ મેળવી હતી. બીજા નંબરે કર્ણાટકે 8 વખત ચેમ્પિયનશિપ જીતી છે.
ગુજરાત પર ચેમ્પિયનશિપ જાળવવાનું પ્રેશર નહીં : ચીફ કોચ
ગુજરાતની રણજી ટ્રોફી ટીમના ચીફ કોચ વિજય પટેલે એસબીએસ ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું હતું કે ગુજરાતની ટીમ છેલ્લી સિઝનમાં ચેમ્પિયન બની હતી તેથી આ વર્ષે ગુજરાત પર તમામની નજર રહેલી છે પરંતુ ટીમ કોઇ વધારાનું પ્રેશર રહેશે નહીં. ગુજરાત મેચ દર મેચ પોતાનો લક્ષ્યાંક નક્કી કરતું રહેશે. હાલમાં ટીમ કોઇ પણ વિરોધીને હળવાશથી લેવા અંગે વિચારી રહી નથી. ગુજરાત પોતાની પ્રથમ મેચ નડીયાદમાં કેરલની સામે રમશે. ગુજરાત માટે સૌથી રાહતની બાબત એ છે કે ટીમમાં કોઇ ઇન્જરી નથી પરંતુ સ્ટાર ખેલાડી અક્ષર પટેલ અને જસપ્રીત બુમરાહ ભારતીય ટીમ માટે રમતા હોવાના કારણે તેઓ ગુજરાત માટે ઉપલબ્ધ રહી શકશે નહીં. જોકે ઓપનર પ્રિયાંક પંચાલ અને સમિત ગોહેલે 2016-17ની સિઝનમાં શાનદાર પ્રદર્શન કર્યું હોવાથી આ સિઝનમાં પણ તેની પાસેથી એ પ્રકારના જ પ્રદર્શનની આશા રાખવામાં આવી રહી છે.
Share

