વિક્ટોરીયામાં છેલ્લા એક અઠવાડિયામાં કોરોનાવાઇરસના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. તેથી જ, રાજ્યના પ્રીમિયર ડેનિયલ એન્ડ્ર્યુસે આગામી 10 દિવસમાં મેલ્બર્નના 10 વિસ્તારોમાં કુલ 1 લાખ જેટલા ટેસ્ટ કરવાની જાહેરાત કરી છે.
બુધવારથી આરોગ્ય અધિકારીઓએ કોરોનાવાઇરસથી સૌથી વધુ પ્રભાવિત થયેલા રાજ્યના છ વિસ્તારોમાં જઇને ત્યાં વસતા પરિવારોને કોરોનાવાઇરસનો ટેસ્ટ કરાવવા અને જો તાવ આવતો હોય તો ઘરે જ આરામ કરવાની સલાહ આપવાની પ્રક્રિયા હાથ ધરી છે.
વિક્ટોરીયામાં છેલ્લા 24 કલાકમાં કોરોનાવાઇરસના નવા 33 કેસ નોંધાયા છે. જેમાંથી 7 કેસ હોટેલ ક્વોરન્ટાઇન તથા 9 કેસ અન્ય વ્યક્તિ દ્વારા ચેપ લાગવાના કારણે નોંધાયા છે.

Around 1,000 Australian Defence Force personnel will be deployed to Victoria to assist with efforts against the coronavirus. Source: AAP
આ વિસ્તારોમાં ટેસ્ટ કરાશે
વિક્ટોરીયાના પ્રીમિયર ડેનિયલ એન્ડ્ર્યુસે ગુરુવારે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે રાજ્યના કેઇલોર ડાઉન્સલ, બ્રોડમિડોસ, મેઇડસ્ટન, એલ્બનવેલ, સનશાઇન વેસ્ટ, હેલમ, બ્રુન્સવિક વેસ્ટ, ફૌકનર, રેસરવાયર અને પેકેનહામ વિસ્તારમાં કોરોનાવાઇરસના ટેસ્ટની પ્રક્રિયા કરાશે.
પ્રથમ તબક્કામાં મેલ્બર્નની પશ્ચિમે આવેલા કેઇલોર ડાઉન્સ અને ઉત્તરે આવેલા બ્રોડમિડોસમાં જઇને આરોગ્ય અધિકારીઓ કોરોનાવાઇરસનો ટેસ્ટ કરશે અને ત્યાર બાદ આગામી 10 દિવસમાં અન્ય વિસ્તારોમાં ટેસ્ટની પ્રક્રિયા હાથ ધરાશે.
પ્રીમિયરે ઉમેર્યું હતું કે, 800 જેટલા અધિકારીઓ 10 વિસ્તારોમાં ફરીને દરરોજ 10,000 જેટલા ટેસ્ટ કરશે.
10 દિવસમાં કુલ 100,000 લોકોના ટેસ્ટ કરવામાં આવશે.
કોરોનાવાઇરસ સામે ઝઝૂમી રહેલા વિક્ટોરીયા રાજ્યએ અન્ય રાજ્યોની મદદ તથા મિલિટ્રીનો સહયોગ માંગ્યો છે.

The persistent rise of COVID-19 cases in Victoria means people must once again cancel social plans and struggling businesses must wait. Source: AAP
સૈનિકો કેવા પ્રકારની મદદ કરશે
વિક્ટોરીયાએ કેન્દ્રીય સરકાર પાસે ઓસ્ટ્રેલિયન ડિફેન્સ ફોર્સ, ન્યૂ સાઉથ વેલ્સ, સાઉથ ઓસ્ટ્રેલિયા, તાસ્માનિયા અને ક્વિન્સલેન્ડની મદદની માંગ કરી છે.
રક્ષા મંત્રી લીન્ડા રેયનોલ્ડ્સે જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક મહિનાઓથી રાજ્યો અને ટેરીટરીની સરકારોને મદદ પૂરી પાડવામાં આવી રહી છે. અને તેના જ ભાગરૂપે 1000 જેટલા ઓસ્ટ્રેલિયન ડિફેન્સ ફોર્મના સૈનિકોને વિક્ટોરીયા મોકલવામાં આવશે.
જેમાંથી 850 જેટલા સૈનિકો હોટલ ક્વોરન્ટાઇનના આયોજન અને તેના અમલ માટે મદદ કરશે જ્યારે અન્ય સૈનિકો માલ સામાન અને કોરોનાવાઇરસના ટેસ્ટની પ્રક્રિયામાં સેવા આપશે.
ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધીમાં વિદેશથી આવનારા 17,000 મુસાફરોએ વિક્ટોરીયામાં 14 દિવસનો ક્વોરન્ટાઇન સમય પસાર કર્યો છે.
એક જ દિવસમાં 21,000 ટેસ્ટ
વિક્ટોરીયામાં કોરોનાવાઇરસના વધતા જતા કેસને ધ્યાનમાં રાખીને મંગળવારે એક જ દિવસમાં 21,000 ટેસ્ટ કરવામાં આવ્યા હતા.
મુખ્ય આરોગ્ય અધિકારી બ્રેન શટને જણાવ્યું હતું કે, લોકોએ એક જ સમયગાળા દરમિયાન જાહેર સ્થળોની મુલાકાત લેવાથી બચવું જોઇએ, અને માસ્કનો ઉપયોગ કરવો જોઇએ.
આગામી સમયમાં શાળામાં આવનારા વેકેશનમાં મેલ્બર્નની બહાર જવા અંગે તેમણે પરિવારોને યોગ્ય સમજદારીથી નિર્ણય લેવા અંગે જણાવ્યું હતું.