વિક્ટોરીયામાં સતત 9મી દિવસે કોરોનાવાઇરસનો એક પણ કેસ નહીં નોંધાતા મેલ્બર્ન સહિત સમગ્ર વિક્ટોરીયામાં એક સરખા નિયંત્રણો લાગૂ થશે.
રાજ્યના પ્રીમિયર ડેનિયલ એન્ડ્રયુસે રવિવારે આ અંગે જાહેરાત કરતા જણાવ્યું હતું કે મેલ્બર્નમાં ઘરથી 25 કિલોમીટરના વિસ્તારમાં મુસાફરી કરવાનો નિયમ પણ મધ્યરાત્રીથી હટાવી લેવામાં આવશે અને, વિક્ટોરીયા ફરીથી એક રાજ્ય તરીકે ભેગું થશે.
હાલમાં રીજનલ વિક્ટોરીયામાં જે નિયંત્રણો લાગૂ કરાયા છે તે સમગ્ર રાજ્યમાં લાગૂ થશે.
- સોમવારથી રેસ્ટોરન્ટ્સ, પબ ઇન્ડોરમાં 40 અને આઉટડોરમાં 70 ગ્રાહકોને સમાવી શકશે.
- જીમ અને ઇન્ડોર સ્પોર્ટ્સ સેન્ટર 20 લોકોની મર્યાદા સાથે કાર્યરત રહી શકે છે.
- આઉટડોર સ્થળે ધાર્મિક પ્રવૃત્તિઓ 50 લોકો સાથે યોજી શકાશે. જોકે, લગ્નો માટે આ નિયમ લાગૂ પડશે નહીં.
- થિયેટર અને સિનેમા ફરીથી ખુલશે, દરેક સ્થળે 20 લોકોની મર્યાદા લાગૂ થશે.
- હોસ્પિટલ, કેર સુવિધામાં મુલાકાત માટે પણ નિયમ હળવા કરાયા છે. હવે એક પરિવાર દિવસમાં બે કલાક સુધી દર્દીની મુલાકાત લઇ શકશે.
- પ્રવાસન સ્થળો પર બુકિંગ સાથે રહેવાની સુવિધા ફરીથી શરૂ થઇ શકશે.
- બે વયસ્ક, બે બાળકો દિવસમાં એક વખત અન્ય ઘરની મુલાકાત લઇ શકશે.
- આઉટડોર સ્થળે લોકોના ભેગા થવાનો નિયમ અગાઉની જેમ જ યથાવત રાખવામાં આવ્યો છે. જેમાં 10 લોકો જાહેર સ્થળે ભેગા થઇ શકે છે.
- જાહેર સ્થળે માસ્ક પહેરવું ફરજિયાત રહેશે.
22મી નવેમ્બરે વધુ નિયંત્રણો હળવા થાય તેવી શક્યતા
જો વિક્ટોરીયામાં કોરોનાવાઇરસના કેસની સંખ્યા ઓછી રહે તો 22મી નવેમ્બરે વધુ નિયંત્રણો હળવા કરવામાં આવે તેવી શક્યતા છે.
જેમાં એક જ ઘરમાં 10 લોકોના ભેગા થવા તથા ખાનગી મેળાવડામાં 50 લોકોના ભેગા થવા જેવી બાબતોમાં છૂટછાટ મળી શકે છે.
સ્ટેટ ઓફ ઇમરજન્સી યથાવત્ રહેશે
વિક્ટોરીયા રાજ્ય છેલ્લા કેટલાક મહિનાઓથી સ્ટેટ ઓફ ડિઝાસ્ટર અને સ્ટેટ ઓફ ઇમરજન્સી હેઠળ હતું.
રાજ્યના પ્રીમિયર ડેનિયલ એન્ડ્ર્યુસે જણાવ્યું હતું કે, રાજ્યમાં હવે સ્ટેટ ઓફ ડિઝાસ્ટરની પરિસ્થિતી હટાવી લેવામાં આવશે પરંતુ, હજી પણ વાઇરસ હોવાથી સ્ટેટ ઓફ ઇમરજન્સી યથાવત્ રહેશે.
Share

