માર્ગ સુરક્ષાને વધુ અસરકારક કરવાના ઉદેશ થી વિક્ટોરિયામાં આજથી ડ્રાયવિંગ અંગેના નવા નિયમો લાગુ પડશે.
આ સુધારા અનુસાર જો ગાડી ચાલક પ્રથમ વખત 0.05 થી 0.69 માત્રામાં આલ્કોહોલ પીધેલ પકડાશે તો તેનું લાયસન્સ ત્રણ મહિના સુધી રદ્દ કરવામાં આવશે, 0.5 કે તેથી વધુ આલ્કોહોલની માત્રા સાથે પકડાયેલ ચાલકને વાહનમાં ફરજીયાત 6 મહિના સુધી આલ્કોહોલ ઇન્ટરલોક લગાડવાનું રહેશે. જો આલ્કોહોલ પીને વાહન ચલાવવાના ગુના હેઠળ વ્યક્તિ વારંવાર પકડાશે તો તેમનું લાયસન્સ રદ થવાની અવધિ 12 મહિના સુધી વધી શકે છે.
વિક્ટોરિયા રાજ્યમાં રજીસ્ટર થયેલ વાહન ચાલક જો અન્ય રાજ્યમાં પણ આલ્કોહોલના સેવન સાથે પકડાશે તો પણ તેને વિક્ટોરિયા રાજ્યની ડ્રિન્ક - ડ્રાયવિંગ નિયમો હેઠળ સજા થશે. ડ્રિન્ક - ડ્રાયવિંગના ગુના હેઠળ પકડાયેલ વ્યક્તિએ લાયસન્સ પરત લેવા નવો વ્યવહાર પરિવર્તન કાર્યક્રમ પૂરો કરવાનો રહેશે.
વિક્ટોરિયાની રાજ્ય સરકારના જણાવ્યા અનુસાર દર વર્ષે 3000 જેટલા પૂર્ણ લાયસન્સ ધરાવતા વાહન ચાલકો 0.05 થી 0.69 ની માત્રામાં આલ્કોહોલ પીને વાહન ચલાવતા પકડાય છે.
બદલાવના મુખ્ય મુદ્દા:
- 0.05 ની માત્રા કે તેથી વધુ માત્રામાં આલ્કોહોલ પીને વાહન ચલાવનાર વ્યક્તિનું લાયસન્સ ઓછામાં ઓછું 3 મહિના સુધી રદ્દ કરવામાં આવશે
- આલ્કોહોલ પીને વાહન ચલાવવાના ગુના હેઠળ પકડાયેલ ચાલકને વાહનમાં ફરજીયાત ઓછામાં ઓછું 6 મહિના સુધી આલ્કોહોલ ઇન્ટરલોક લગાડવાનું રહેશે.
- ડ્રિન્ક - ડ્રાયવિંગના ગુના હેઠળ પકડાયેલ વ્યક્તિએ લાયસન્સ પરત લેવા વ્યવહાર પરિવર્તન કાર્યક્રમ પૂરો કરવાનો રહેશે..
આ બદલાવ TAC અને VicRoads દ્વારા $1.1 બિલિયનના ખર્ચે સંયુક્ત રીતે શરૂ કરાયેલ અભિયાન "ટુ વર્ડ્સ ઝીરો" અભિયાનનો ભાગ છે. આ પગલાંથી વર્ષ 2020 સુધી માર્ગ અકસ્માતોમાં મૃત્યુ દર 200 સુધી ઘટાડી શકાશે અને અકસ્માતોમાં થતી ગંભીર ઈજાઓ માં પણ 15 ટકા જેટલી કમી આવશે.
માર્ગ સુરક્ષા અધિનિયમ હેઠળ વિક્ટોરિયા પોલીસને પણ નવા ઉપકરણોના માધ્યમથી ડ્રિન્ક - ડ્રાયવિંગના ગુનેગારો વિરિદ્ધ કાર્યવાહી કરવામાં સરળતા રહેશે.
જારી કરવામાં આવેલ એક મીડિયા નિવેદનમાં માર્ગ અને માર્ગ સુરક્ષા મંત્રી લુક ડૉનનેલ જણાવે છે કે, ડ્રગ અને આલ્કોહોલ સાથે ખતરનાક રીતે વાહન ચલાવનાર વ્યક્તિઓને વાહન ચલાવવા દેવાથી આ પગલું દૂર રાખશે.
આ નવા કાયદાથી એક મજબૂત સંદેશ સમુદાયમાં જશે કે હવેથી ડ્રિન્ક અથવા ડ્રગ લઈને વાહન ચલાવનાર સામે કોઈ રક્ષણ નહિ હોય જે અન્ય વાહન ચાલકો અને સમુદાયની સુરક્ષાએ માટે અતિ મહત્વનું છે
આ મીડિયા નિવેદનમાં વિક્ટોરિયા રોડ્સના કાર્યકારી મુખ્ય અધિકારી રોબિન સેમુર જણાવે છે કે, માર્ગ સલામતી ક્ષેત્રે આલ્કોહોલ પીને વાહન ચલાવનાર પર લાયસન્સ પરનો પ્રતિબંધ આ ગુના માં 70 ટકા ઘટાડો લાવી શકે છે, જયારે આલ્કોહોલ ઇન્ટરલોક ઉપકરણના કારણે 63 ટકા વારંવાર થતા ડ્રિન્ક ડ્રાયવિંગના ગુના અટકે છે.
ટ્રાન્સપોર્ટ એક્સિડન્ટ કમિશન મેનેજર રોડ સેફટીના સામંથા કોકફિલ્ડનું કહેવું છે કે, આ મુદ્દે શ્રેષ્ઠ અભિગમ એ છે કે ડ્રિન્ક કરીને વાહન ચલાવનારને વાહન ચલાવવાથી દૂર રાખવામાં આવે અને જયારે આવું કરવામાં તકલીફ પડે છે ત્યારે ઇન્ટરલોક ઉપકરણ મદદરૂપ થાય છે.