વિક્ટોરીયામાં શુક્રવારે ગરમીનું પ્રમાણ વધતા રાજ્યના નાગરિકોને આગ કે બુશફાયરની ઘટના સામે સતર્ક રહેવા માટે જણાવાયું છે.
વિક્ટોરીયાના ઇસ્ટ ગીપ્સલેન્ડ તથા નોર્થઇસ્ટ વિસ્તારોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી જાય તેવી ધારણા છે. આ ઉપરાંત, 90 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાય તેવી આગાહીના કારણે આગ વધુ પ્રસરે તેવી શક્યતા છે.
જોકે, 10 મિલીમીટર જેટલો વરસાદ પણ પડે તેમ હવામાન પરથી લાગી રહ્યું છે.
વેધર બ્યૂરો સિનીયર ફોરકાસ્ટર માઇકલ એફ્રોને જણાવ્યું હતું કે વર્તમાન પરિસ્થિતીને ધ્યાનમાં રાખતા વિસ્તારમાં 50 મિલીમીટર જેટલા વરસાદની આવશક્યતા છે.

Source: AAP
શુક્રવારે વરસાદ પડશે તો તેનાથી રસ્તા ભીના થઇ જશે અને જેનાથી લપસી પડવાની શક્યતાઓ વધશે. જે રાહત અને બચાવકાર્યમાં મુશ્કેલી પેદા કરી શકે છે.
આગ શરૂ કરવા પર પ્રતિબંધ
શુક્રવારે ગરમીના કારણે બુશફાયરમાં વધારો થાય તેવી શક્યતાને ધ્યાનમાં રાખીને માલી, નોધર્ન કંટ્રી, નોર્થ સેન્ટ્રલ, નોર્થ ઇસ્ટ, પૂર્વ ગીપ્સલેન્ડ, પશ્ચિમ અને દક્ષિણ ગીપ્સલેન્ડ વિસ્તારોમાં આગ શરૂ કરવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.
વિક્ટોરીયાના પ્રીમિયર ડેનિયલ એન્ડ્ર્યુસે વિક્ટોરીયાના લોકોને આગ સામે સતર્ક રહેવા માટે જણાવ્યું છે.
ઉલ્લેખનીય છે કે હાલમાં વિક્ટોરીયામાં 22 સ્થાનો પર આગ લાગેલી છે. અને જેના કારણે 1.2 મિલીયન હેક્ટર જમીન બળીને ખાખ થઇ ગઇ છે.
Share


