તાજેતરમાં ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી ટેસ્ટ શ્રેણી ભારતીય ટીમ તથા બોલર જસપ્રિત બુમરાહ માટે ઐતિહાસિક સાબિત થઇ હતી. બુમરાહે આ સિરીઝમાં સૌથી વધુ 21 વિકેટ ખેરવી હતી. અને મેલ્બોર્ન ખાતે ભારતને વિજય અપાવવામાં મહત્વનો ભાગ પણ ભજવ્યો હતો.
તેણે પોતાના શાનદાર બોલિંગ પ્રદર્શનની મદદથી ફક્ત ઓસ્ટ્રેલિયન ક્રિકેટ વર્તુળમાં જ ખ્યાતિ નથી મેળવી પરંતુ પોતાની અલગ જ બોલિંગ એક્શન વડે ઓસ્ટ્રેલિયાના બાળકોને પણ પ્રોત્સાહિત કર્યા છે. તેઓ હાલમાં બુમરાહની બોલિંગ એક્શનની નકલ કરી રહ્યા છે.
ટ્વિટર પર પોસ્ટ કરવામાં આવેલા એક વીડિયોમાં એક નાનો બાળક જસપ્રિત બુમરાહની બોલિંગની નકલ કરી રહેલો દેખાય છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાઇરલ થયો છે.
વીડિયોમાં દેખાય છે તે પ્રમાણે એક બાળક ઘરના પાછળના ભાગમાં જસપ્રિત બુમરાહના રન-અપની જેમ દોડે છે અને તેના જેવી બોલિંગ એક્શન કરીને બોલ ફેંકે છે. જોકે, તે બોલ કર્યા બાદ પડી જાય છે.
આ ટ્વિટમાં યુઝરે ક્રિકેટ એક્સપર્ટ હર્ષા ભોગલે તથા બોલર જસપ્રિત બુમરાહને ટેગ કર્યા હતા. વીડિયો થોડી જ વારમાં વાઇરલ થઇ ગયો અને ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી), અન્ય યુઝર્સ તથા જસપ્રિત બુમરાહે પણ તેની નોંધ લીધી હતી.

Source: AAP Image/Steve Christo
25 વર્ષના રાઇટ આર્મ ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહે ટ્વિટને રી-ટ્વિટ કરતા લખ્યું હતું કે, "The kid is so cute. Give him my best wishes."
આ પ્રથમ વખત નથી કે કોઇ બાળકે બુમરાહની વિચિત્ર બોલિંગ એક્શનની નકલ કરી હોય, તાજેતરમાં પાકિસ્તાનમાં એક બાળક બુમરાહની એક્શન પ્રમાણે બોલિંગ કરી રહ્યો હોય તેવો વીડિયો વાઇરલ થયો હતો.
જસપ્રિત બુમરાહે હાલમાં જ સંપન્ન થયેલી ટેસ્ટ શ્રેણીમાં ઝડપી બોલર દ્વારા વધુ બોલ નાંખવાની સિદ્ધિ મેળવી હતી. તેને ઓસ્ટ્રેલિયા તથા ન્યૂઝીલેન્ડ સામે રમાનારી મર્યાદિત ઓવરની શ્રેણી માટે આરામ આપવામાં આવ્યો છે.