ગુજરાતીઓનો લોકપ્રિય તહેવારમાનો એક તહેવાર એટલે નવરાત્રી કે જેની ગરબા રસીકો આખું વર્ષ આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે. અત્યારે ચાલી રહેલી નવરાત્રી ફક્ત ગુજરાતમાં જ નહીં પરંતુ ગુજરાત બહાર પણ ધૂમ મચાવી રહી છે.
જ્યાં જ્યાં વસે ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત, આ કહેવતને સાચી ઠેરવતાં અમેરિકા, ઓસ્ટ્રેલિયા, કેનેડા, ન્યૂઝીલેન્ડ, યુનાઇટેડ કિંગડમ તથા અન્ય દેશોમાં વસતા ગુજરાતીઓ પણ ગરબા કાર્યક્રમનું આયોજન કરે છે તેમાં પણ અહીંના મૂળ લોકોને તેની ઉજવણીમાં ભાગીદાર બનાવીને ગરબા વિશે અવગત કરાવે છે.
હાલમાં જ અમેરિકાના ન્યૂ જર્સી શહેરમાં યોજાયેલા એક કાર્યક્રમમાં ગુજરાતીઓએ તો મન ભરીને ગરબા કર્યા જ હતા પરંતુ ત્યાં સુરક્ષા માટે ઉપસ્થિત પોલીસ ઓફિસરને પણ ગરબા કરાવ્યા હતા.
અમેરિકાથી વાઇરલ થયેલા આ વીડિયોમાં જોવા મળે છે કે રોડ પર એક પોલીસ ઓફિસર ગુજરાતી સમાજના લોકો સાથે ગરબા કરી રહ્યો છે.
સોશિયલ મીડિયામાં વાઇરલ થયેલા આ વીડિયોમાં ગરબા કરી રહેલા પોલીસ ઓફિસરના ડાન્સ સ્ટેપ્સની લોકોએ પ્રશંસા પણ કરી હતી.
બીજી તરફ, ગુજરાતમાં તો ગરબાની શાનદાર રીતે ઉજવણી કરાઇ જ રહી છે. વિવિધ શહેરોમાં ક્લબ્સ, પાર્ટી પ્લોટ્સમાં ગરબા યોજાઇ રહ્યા છે. પરંતુ, હાલમાં જ અમદાવાદ એરપોર્ટ ખાતે પણ એક અનોખા ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં દરેક એરલાઇન કંપનીના સભ્યો તથા સ્ટાફ દ્વારા અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ આંતરરાષ્ટ્રીય તથા ડોમેસ્ટિક એરપોર્ટ પર ગરબા કરીને પેસેન્જર્સને આવકારવામાં આવ્યા હતા. એરપોર્ટ પરના સ્ટાફે ત્યાર બાદ ફ્લેશમોબ પણ કર્યું હતું.
આંતરરાષ્ટ્રીય એરપોર્ટની વિશાળ લોન્જમાં યોજાયેલા આ ગરબામાં વિદેશથી આવતા આંતરરાષ્ટ્રીય પેસેન્જર્સે પણ ભાગ લીધો હતો અને ગુજરાતના ગરબા માણ્યા હતા.
Share

