ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી સહિતના વિશ્વના જાણિતા ક્રિકેટર્સે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ભારતીય ટીમના ખેલાડી સાથે થયેલી જાતિવાદની ટીપ્પણી સામે ટીકા કરી છે.
ભારતીય ટીમના કેપ્ટન કોહલીએ આ પ્રવૃત્તિમાં સંડોવાયેલા પ્રેક્ષકો સામે કડક પગલાં લેવાની માંગ કરી છે.
ભારતીય ટીમે શનિવારે જાતિવાદની ટીપ્પણી અંગે આઇસીસી સમક્ષ ફરિયાદ નોંધાવી હતી. ઉલ્લેખનીય છે કે ભારતના જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ સિરાજ સામે પ્રેક્ષકો દ્વારા જાતિવાદની ટીપ્પણીઓ કરવામાં આવી હતી.
રવિવારે પણ ચોથા દિવસની રમત દરમિયાન મોહમ્મદ સિરાજે તેની સામે ફરીથી ટીપ્પણીઓ થઇ રહી હોવાની ફરિયાદ બાદ મેચ 8 મિનીટ માટે સ્થગિત કરવામાં આવી હતી.
અને, ન્યૂ સાઉથ વેલ્સ પોલીસની મદદથી ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ જવાબદાર પ્રેક્ષકોને સ્ટેડિયમમાં બહાર મોકલી દીધા હતા.
ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહીએ ટ્વિટ દ્વારા ઘટનાની નિંદા કરી હતી અને જણાવ્યું હતું કે ક્રિકેટની રમતમાં જાતિવાદને કોઇ સ્થાન નથી.
ભારતીય ટીમના ભૂતપૂર્વ મહાન બેટ્સમેન સચિન તેંડુલકરે પણ ટ્વિટર દ્વારા જણાવ્યું હતું કે રમત સમાજના તમામ લોકોને એક કરે છે, અને ક્રિકેટમાં ભેદભાવને કોઇ સ્થાન નથી.
બીજી તરફ, ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે. એક નિવેદનમાં જણાવ્યા પ્રમાણે, ક્રિકેટ ઓસ્ટ્રેલિયા જાતિવાદની નીતિ સાંખી લેશે નહીં અને ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી સાથે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડમાં ઉપસ્થિત કેટલાક પ્રેક્ષકોએ જે પ્રકારનું વર્તન કર્યું છે, તેની નિંદાપાત્ર છે.
ઓસ્ટ્રેલિયાના ઇન્ટીગ્રીટી એન્ડ સિક્ટોરીટી ઓફિસર શૉન કેરલે જણાવ્યું હતું કે, આ પ્રકારનું વર્તન કરાનારા લોકો માટે ઓસ્ટ્રેલિયાના ક્રિકેટમાં કોઇ સ્થાન નથી.
આઇસીસી દ્વારા આ ઘટના અંગે તપાસ પૂર્ણ થયા બાદ રીપોર્ટના આધારે ક્રિકેટ ઓસ્ટ્રેલિયા ન્યૂ સાઉથ વેલ્સ પોલીસ સાથે મળીને કડક પગલાં લેશે.
ઓસ્ટ્રેલિયન બોર્ડે ઘટનાનો સામનો કરનારી ભારતીય ટીમની માફી પણ માંગી છે.
Share

