ભારતમાં લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કામાં 15 રાજ્યોની કુલ 116 સીટો પર વોટીંગ શરૂ થઇ ગયું છે. ગુજરાતમાં તમામ 26 સીટો પર આજે મતદાન થઇ રહ્યું છે જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તથા ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે અમદાવાદમાં મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.
મળતી માહિતી પ્રમાણે, વોટિંગ શરૂ થયાના પ્રથમ ત્રણ કલાકમાં ગુજરાતમાં સરેરાશ 18 ટકા જેટલું મતદાન થયું હતું.
Image
ત્રીજા તબક્કામાં કયા રાજ્યની કઇ સીટ પર મતદાન
- 26 ગુજરાત
- 20 કેરળ
- 2 ગોવા
- 1 દાદરા તથા નગર હવેલી
- 1 દમણ - દીવ
- 7 છત્તીસગઢ
- 5 બિહાર
- 4 અસમ
- 14 કર્ણાટક
- 14 મહારાષ્ટ્ર
- 6 ઓરિસ્સા
- 5 બંગાળ
- 10 ઉત્તર પ્રદેશ
સૌ પ્રથમ વખત જમ્મુ અને કાશ્મીરમાં ત્રણ સ્ટેજમાં મતદાન થઇ રહ્યું છે. લોકસભા ચૂંટણીના આ ત્રીજા તબક્કામાં જમ્મુ અને કાશ્મીરની અતિ સંવેદનશીલ સીટ અનંતનાગ પર આજે વોટિંગ થઇ રહ્યું છે.
પ્રધાનમંત્રી મોદીએ માતાના આશિર્વાદ લીધા - વોટિંગ કર્યું
ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદ સ્થિત તેમના ભાઇના ઘરે માતા હીરા બાની મુલાકાત લઇને તેમના આશિર્વાદ લીધા હતા. ત્યાર બાદ, ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ગાંધીનગર સીટના ઉમેદવાર અમિત શાહ સાથે જઇને વોટિંગ કર્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મત આપતા અગાઉ ટ્વિટ કરીને મતદારોને રેકોર્ડ સંખ્યામાં વોટ કરવા માટે અપીલ કરી હતી.
ત્રીજા તબક્કાના જાણિતા ઉમેદવારો પર એક નજર
અમિત શાહ
ગુજરાતની ગાંધીનગર સીટ પર થી ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ચૂંટણી લડી રહ્યા છે. તેમની સામે કોંગ્રેસે ઉમેદવાર સી.જે. ચાવડાને મેદાનમાં ઉતાર્યા છે. ગાંધીનગર સીટથી ભાજપ છેલ્લા 9 વખતથી ચૂંટણી જીતી રહ્યું છે. વર્તમાન સાંસદ લાલકૃષ્ણ અડવાણી અહીંથી છ વખત ચૂંટણી જીત્યા છે. આ ઉપરાંત ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેઇ પણ ગાંધીનગર સીટથી વિજયી બન્યા હતા.
રાહુલ ગાંધી
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ઉત્તર પ્રદેશના અમેઠી ઉપરાંત કેરળના વાયનાડથી લોકસભા ચૂંટણી લડી રહ્યા છે. વાયનાડ સીટ 2009માં નવી લોકસભા સીટ બની હતી અને ત્યારબાદ યોજાયેલી બંને ચૂંટણીમાં કોંગ્રેસનો વિજય થયો હતો.
Image
મુલાયમ સિંહ યાદવ
સમાજવાદી પાર્ટીના સંસ્થાપક મુલાયમ સિંહ યાદવ ફરીથી એક વખત ઉત્તર પ્રદેશની મૈનપુરી સીટ પરથી ચૂંટણી લડી રહ્યા છે. તેઓ અત્યાર સુધીમાં ચાર વખત મૈનપુરી સીટ પરથી ચૂંટણી જીત્યા છે.
શશી થરુર
કોંગ્રેસ નેતા શશી થરુર તિરુવનંતપુરમ સીટથી ચૂંટણી લડી રહ્યા છે. તેમણે 2009 અને 2014માં યોજાયેલી ચૂંટણીમાં અહીંથી વિજય મેળવ્યો હતો.
મહેબૂબા મુફ્તી
જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તી અનંતનાગ સીટથી ચૂંટણીમાં ઝંપલાવી રહ્યા છે અગાઉ તે અહીંથી બે વખત લોકસભાની ચૂંટણી જીત્યા છે.
Image
ગુજરાતની 26 સીટ માટે 371 ઉમેદવાર
ગુજરાતની 26 લોકસભા સીટ માટે તમામ પક્ષોના મળીને કુલ 371 ઉમેદવારો મેદાનમાં ઊતર્યા અને 4 કરોડ 51 લાખ જેટલા મતદારો તેમનું ભવિષ્ય નક્કી કરશે. ઉલ્લેખનીય છે કે, અગાઉ 2014માં યોજાયેલી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતમાં તમામ 26 બેઠકો પર વિજય મેળવ્યો હતો.
Share



