ઓસ્ટ્રેલિયાના મૂળ નિવાસી, એબોરિજિનલ તથા ટોરસ સ્ટ્રેટ આઇલેંડર લોકો સાથે અન્ય ઓસ્ટ્રેલિયનના સકારાત્મક અને સન્માનજનક સંબંધો કેળવાય તે માટે ૨૭ મે થી ૩ જૂન દરમિયાન રીકન્સીલિએશન વીક ઉજવવામાં આવે છે.
ભારતીય-ઓસ્ટ્રેલિયન હિપ હોપ આર્ટિસ્ટ સુખદીપ ભોગલેએ SBS ગુજરાતી સાથે કરેલી વાતચીતમાં આ જાતિ મેઇનસ્ટ્રીમથી અલગ હોવાનુ દુઃખ વ્યક્ત કર્યું હતું. આપણે જે ગુજરાતીઓએ ઓસ્ટ્રેલિયાને આપણી કર્મભૂમિ બનાવી છે તેઓ આ જાતિ વિષે કેટલું જાણે છે?
વેસ્ટર્ન ઑસ્ટ્રલિયામાં રહેતા ડો.શશી પટેલ, ડો.કેટ.પટેલ, નર્સ તરીકે કામ કરી ચૂકેલા હમીદાબેન ભટ્ટ, ઇલાબેન ભટ્ટ અને વ્યવસાય કરતા કિરણ ભટ્ટે એબોરિજિનલ જાતિના લોકો સાથે કામ કર્યું છે અને તેઓના દ્વારા જાણેલી વાતોથી આપણને ઘણી માહિતી મળે છે.

Shashibhai Patel.. Source: Amit Mehta
કુટુંબના વડા સન્માનપાત્ર - સંયુકત કુટુંબ ની ભાવના, કાકા મામાનો દીકરો પિતરાઈ ભાઈ નહિ પણ બધા જ ભાઈ
બે દાયકા ન્યૂઝીલેન્ડમાં વિતાવી છેલ્લા દસ વર્ષથી ઓસ્ટ્રેલિયાના ગ્રામ્ય વિસ્તારમાં ઇમર્જનસી તબીબી ક્ષેત્રે ડૉક્ટર તરીકે સેવા આપતા ડો શશી અને ડો કેટ પટેલ તેમનો અદ્વિતીય અનુભવ જણાવતા કહે છે. ગત વર્ષે પિલબારા વિસ્તારના ટોમ પ્રાઇસના દવાખાનામાં પોતાના સંબંધીના સહારે એક ઉંમરલાયક મહિલા આવી.
" મારી બ્રાઉન સ્કિન જોઈને મને પૂછ્યું, તું કોણ છે? ક્યાંથી આવ્યો અને કઈ જાતનો (ફેમિલી) નો છે.”
" હું આશ્ચર્ય ચકિત થયો અને પછી આ સ્કિનની વાત આવી. અચાનક જ આ મહિલાની ધીરજ અને સન્માનીય વ્યક્તિત્વ જોઈ મેં ખીસામાં થી મારા દાદીનો ફોટો બતાવ્યો.અચાનક આ મહિલાના ચેહરા પર સ્મિત આવ્યું."
“ઓહો આ તારી JAADA છે?” (દાદી- વૃદ્ધ સન્માનીય મહિલા) તું મનેય તારી દાદી કહી શકે છે.”
" આટલું કહી તેણે ભાંગ્યા-તૂટ્યા અંગ્રેજીમાં ઘણી વાતો કરી. મને ભેટી અને આભાર માની દવા લઇને ગયા. ત્યારે મને થયું કે ઓસ્ટ્રેલીયાના આદિજાતિના લોકોમાં સામેના પ્રત્યે કેટલું સન્માન હોય છે. હું મારા દાદી મળ્યાના અનુભવથી ગદગદિત થઇ ગયો."

Hamidaben Bhatt. Source: Amit Mehta
ઊંચાઈ થી ડર - ખુલ્લી જગ્યા પસંદ - અંતર્મુખી સ્વભાવ – જમીનમાં પાણી ક્યાં ? પર્યાવરણ ની કોઠાસૂઝ
હમીદાબેન નયનભાઈ ભટ્ટએ વર્ષો સુધી નર્સ અને એજ્યુકેટર તરીકે એબોરીજીન્લ સમુદાયના લોકો સાથે કામ કરતા આવ્યા છે. સિડનીમાં, વેસ્ટર્ન ઓસ્ટ્રેલીયાના ક્વિનાના રોકીંગહામ, જિરાલ્ડટનમાં આમ અનેક શહેરો અને ગામોમાં નર્સ તથા TAFE માં ટીચર તરીકે કામ કર્યું છે. તેઓ કહે છે, "જેસન નામનો એક છોકરો જેના વાળનો રંગ આછો (બ્લોન્ડ)અને સુનિતા નામની એક સુંદર યુવતી મળ્યા ત્યારે ખ્યાલ આવ્યો કે ઓસ્ટ્રેલીયાના મૂળ નિવાસીઓ માત્ર એક જ દેખાવ ધરાવે છે એ વાત સાચી નથી."
"મોટે ભાગે એબોરીજીન્લ સમુદાયના લોકો અંતર્મુખી છે. તેમની જ દુનિયા માં રહે છે. હમીદાબેનના અનુભવમાં તેમણે જોયું છે કે આદિજાતિના લોકોને ખુલ્લી જગ્યા વધુ ગમે છે અને ઊંચાઈથી ડર લાગતો હોય છે. હોસ્પિટલમાં ઉપરના માળે બારી પાસે બેડ હોય તો ઘણી વખત રાત્રે નીચે સુઈ જાય છે."
રીત-રીવાજ
આપણા ભારતીય સમાજની જેમ સંયુક્ત કુટુંબ અને વડીલોને સન્માન આપે છે. કુટુંબના વડીલ, દાદાનું મૃત્યુ થાય તો બધો વહીવટ દાદી કરે છે અને કુટુંબના સભ્યો તેમને માન આપે છે. દીકરીના લગ્ન ક્યાં કરવા ,દીકરાને કઈ સ્કૂલમાં મોકલાવો વિગેરે નિર્ણયોમાં વડીલોના અભિપ્રાયનું ખુબ મહત્વ હોય છે. જાહેરમાં પતિ પત્ની કે યુવાન યુવક યુવતીઓ એકબીજા સાથે બોલતા નથી.
નર્સ તરીકેના અનુભવમાં એમણે નોંધ્યું છે કે આદિજાતિના લોકોમાં અસ્થમા , BED WETING , તથા ડોમેસ્ટિક વાયોલન્સના કિસ્સા વધુ જોવા મળ્યા છે. હમીદાબેન ક્લિનિકમાં જનનાંગો ( REPRODUCTIVE SYSTEM ) ડાયગ્રામ સાથે સમજાવતા હોય તો કોઈ આંખ ઊંચી કરીને જુવે પણ નહિ કે બોલે પણ નહિ.
એબોરીજીન્લ અને ટોરેસ સ્ટ્રેટ આઈલેન્ડના લોકોમાં ઘણા વેજીટેરીઅન પણ હોય છે એ વાત મહદઅંશે લોકોને આશ્ચર્યમાં મુકે છે.
ઘરમાં કોઈનું મૃત્યુ નજીક હોય તો તેને ખાટલા માં સુવરાવી બાજુમાં પાણી મૂકી સાત દિવસ સુધી આખી સ્ટ્રીટ કે નાનું ગામ બહાર દૂર જાય છે. કારણકે તેઓ માને છે કે તેમની સાથે રહીયે તો આપણી સાથેના બંધનને કારણે જીવ જતો નથી અને માનસિક ત્રાસ થાય છે.
વ્યક્તિના મૃત્યુ પછી પરત આવી ધુમાડો કરી તેમની વિધિ કરે છે. જે વ્યક્તિનું મૃત્યુ થાય તેનું નામ કોઈ દિવસ બોલતા નથી. ક્વિનાના વિસ્તારમા YARREN નામની એક સ્ટ્રીટ છે જે એક કુટુંબના મોભીના નામે છે.
રજીસ્ટર્ડ નર્સ તરીકે વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાના સેન્ટ્રલ વહીટબૅલ્ટ મકિનબુદીન- MUKINBUDIN વિસ્તારનો અનુભવ વહેંચતા ઇલાબેન ભટ્ટ કહે છે, "આ લોકો શાંતિપ્રિય છે. એમણે મનમાં આવી બીક હોય છે કે મેઇનસ્ટ્રીમના લોકો આપણને મહત્વ નહિ આપે. એટલે જ તેઓ આપણી સાથે ભળતા નથી."

Ilaben Bhatt. Source: Amit Mehta
ઇલાબેનને તો એવો અનુભવ થયો છે કે અડધી રાત્રે પણ તેમને જરૂર હોય તો તેમને મદદ મળી છે. ક્યારેક ઇલાબેન પર્થ આવતા અને મોડી રાત્રે ઘેર પાછા જાય તો કેટલા લોકો બોલ્યા વગર તેમની ચિંતા કરતા અને જઈને પાછા ના આવે ત્યાં સુધી બહારથી ઘરનું ધ્યાન રાખે.
“હું પાછી આવી ઘરની લાઈટ બંધ કરું ત્યાર સુધી ધ્યાન રાખે”.
" ખુબ સંવેદનશીલ પણ ભાવનાઓ શબ્દોમાં વ્યકત ના કરનાર આદિજાતિના લોકોને આપણે સમજવાની જરૂર છે."
પર્થના કેનિંગ્ટન વિસ્તારના કેરોસલ મોલમાં પોતાનો વ્યવસાય કરતા કિરણભાઈ ભટ્ટનો અનુભવ પણ સકારાત્મક છે. તેઓ કહે છે તેમની શોપમાં એક એબોરીજીનલ યુવતી જોબ કરતી , તે ખુબ મહેનતથી સરસ કામ કરતી એટલે આદીજાતીના લોકોએ તેમનામાં સારી છાપ છોડી છે.