જુલીયો તે સમયે 18 વર્ષનો હતો અને તેણે યુવાનવસ્થામાં ગેરકાયદેસર ડ્રગ્સનું સેવન કરવાનો સૌ પ્રથમ અનુભવ કર્યો હતો.
તેને ખબર નહોતી કે ડ્રગ્સનું સેવન કરવાની તેની આ આતુરતા તેને મેથામ્ફેટામાઇન (methamphetamine) ની લત લગાડી દેશે.
જુલીયો જણાવે છે કે, “ફક્ત મજા માટે જ તેણે સેવન શરૂ કર્યું હતું.”
બધા લોકોને દારૂ તથા ગેરકાયદેસર ડ્રગ્સના સેવનની આદત પડતી નથી.
જોકે, જુલીયો માને છે કે ઇચ્છા તથા લાગણીઓને કાબુમાં નહીં રાખી શકવાની ક્ષમતાને કારણે વ્યક્તિ હાનીકારક પદાર્થો તરફ વળે છે.
જુલીયોના કેસમાં દસ વર્ષ થયા હતા. જુલીઓએ મદદ માંગવાનું નક્કી કર્યું તે પહેલા તેણે લગભગ પોતાનું જીવન ગુમાવી દીધું હતું.
“ડેનીયલે ઘણી જ મદદ કરી હતી, જોકે તમારે તમારી જાત પર પણ ભરોસો રાખવાની જરૂર છે. તમને ખબર છે, હું મારી જાતે જ આ પરિસ્થિતિમાંથી બહાર નીકળી શકતો હતો. આ પરિસ્થિતિ અંગે ઘણી જ માન્યતાઓ પ્રવર્તે છે. જોકે મને 10 વર્ષ લાગ્યા, તે મારા માટે એક ચેતવણી જ હતી.”
ઓસ્ટ્રેલિયામાં મોટાભાગની સંસ્કૃતિમાં ખૂબ જ ભારે માત્રામાં વપરાતો પદાર્થ બિન-તબીબી દવાઓનું સેવન છે.
તે બહુસાંસ્કૃતિક વસ્તીના કુલ 3.4 ટકા જેટલું છે.
બીજા ક્રમનો સૌથી વધારે વપરાતો પદાર્થ ગાંજો છે. તે આ સમાજના કુલ 3.3 ટકા જેટલો છે.
હોઆ ગુએન કમ્યુનિટી એક્સેસ એન્ડ સર્વિસીસ સાઉથ ઓસ્ટ્રેલિયા (CASSA)માં ડ્રગ અને દારૂ અંગેના સલાહકાર છે.
તેઓ જણાવે છે કે લોકો જ્યારે સામાજિક પ્રસંગે અથવા કોઇ ઉજવણીના ભાગ રૂપે ડ્રગ્સનું સેવન શરૂ કરે છે ત્યાર બાદ તેના બંધાણી થઇ જાય છે.
“ઘણા લોકો ડ્રગ્સનો ઉપયોગ શાંતિ મેળવવા માટે અથવા તો કોઇ પણ મુશ્કેલીમાંથી બહાર નીકળવા અને શક્તિ મેળવવા માટે કરતા હોય છે. આ ઉપરાંત, તેઓ સામાજિક મેળાવડા દરમિયાન અથવા તો કોઇ પણ ગ્રૂપના સભ્ય બનવા માટે કરતા હોય છે. મને લાગે છે કે, અંગ્રેજી બોલતા ન હોય તેવા લોકો ઘરેલું પ્રશ્નો અને વિવિધ પ્રકારની સંસ્કૃતિઓના વિગ્રહના કારણે ડ્રગ્સનું સેવન કરવાનું શરૂ કરે છે.”
રીસર્ચ પ્રમાણે, 2016માં ઓસ્ટ્રેલિયામાં સૌથી વધારે પ્રમાણમાં જો કોઇ ડ્રગ ઉપયોગમાં લેવાયો હોય તો તે ગાંજો હતો. ત્યાર બાદ કોકેઇન, એસ્ટેસીનો સમાવેશ થાય છે.
વેનેસા તાતે લોગન એડેલેસ્કેન્ટ ડ્રગ ડીપેન્સન્સીસ અર્લી રીસ્પોન્સ સર્વિસ ખાતે ક્લિનિકલ નર્સ તરીકે સેવાઓ આપે છે.
તે જણાવે છે કે જ્યારે લોકો ડ્રગનો ઉપયોગ ઓછો કરે છે અથવા બંધ કરે છે ત્યારે તેમના શરીરમાં અલગ પ્રકારના લક્ષણો ઉત્પન્ન થાય છે.
“ઘણા લોકો ડ્રગ્સ કે આલ્કોહોલના બંધાણી હોતા નથી કે કોઇ પણ મુશ્કેલી વિના ડ્રગ્સનું સેવન કરે છે. જોકે, કેટલાક લોકો ડ્રગ્સ માટે તે મુસીબત બને છે. દાખલા તરીકે, તેઓ ખાદ્યપદાર્થોની ખરીદી કરવાને બદલે ડ્રગ્સની ખરીદી કરે છે. તેઓ પોલીસની જાળમાં ફસાય છે. તેઓ પરિવારના સભ્યો સાથે મારપીટ કરે છે.”
ઓસ્ટ્રેલિયામાં લોકો ગેરકાયદેસર પદાર્થોના બદલે આલ્કોહોલ પર આધારિત બન્યા છે.
ઓસ્ટ્રેલિયા ઇન્સ્ટીટ્યૂટ ઓફ હેલ્થ એન્ડ વેલફેરના એક રીસર્ચ પ્રમાણે, બહુસાંસ્કૃતિક સમાજના ફક્ત 5.4 ટકા લોકો જ દિવસમાં બે નક્કી કરેલા ડ્રીન્કનું સેવન કરે છે. બીજી તરફ, અંગ્રેજી બોલતા લોકોમાં આ સંખ્યા 18.6 ટકા જેટલી છે.
હોઆ ગુએન સલાહ આપતા જણાવે છે કે નક્કી કરેલા માપ પ્રમાણે જો આલ્કોહોલનું સેવન કરવામાં આવે તો કોઇ મુશ્કેલી ઉભી થતી નથી.
“સામાન્ય રીતે નક્કી કરેલા બે સામાન્ય ડ્રીન્ક પીવાથી કોઇ મુશ્કેલી થતી નથી પરંતુ અને ત્યાર બાદ બે દિવસ આલ્કોહોલનું સેવન ન કરવામાં આવે. કોઇ પણ પ્રસંગે માત્ર ચાર ગ્લાસ પીવાએ સામાન્ય છે પરંતુ જો ત્યાર બાદ પણ તેનું સેવન કરવામાં આવે તો તેની પર આધારિત થઇ જવાય છે.”
કોઇ પણ માણસ માટે તે સ્વીકારવું કે તે આલ્કોહોલનો બંધાણી થઇ ગયો છે અને યોગ્ય પગલાં લેવાની જરૂર છે અઘરું છે.
ગુએન સલાહ આપે છે કે કોઇ પણ વ્યક્તિ કે જે બંધાણી થઇ ગયો હોય તેના પરિવારજનોએ તેના અંગે કોઇ તારણ કે નકારાત્મક વલણ અપનાવવું યોગ્ય નથી.
“બંને વચ્ચે યોગ્ય સંવાદ થાય તે જરૂરી છે. “તું” ના બદલે “હું” શબ્દનો ઉપયોગ કરો. દાખલા તરીકે, તમારી ચિંતા વ્યક્ત કરતી વખતે, હું તારા પ્રત્યે ઘણી ચિંતા વ્યક્ત કરું છું. આ શબ્દો દ્વારા તે વ્યક્તિને થશે કે તમે તેમની ચિંતા કરો છો અને આ રીતે જ બંને વચ્ચે સંવાદો શરૂ થશે.”
વેનેસા તાતે સલાહ આપે છે કે તમારા ડોક્ટર સાથે આ મુદ્દે વાતચીત કરવાનું શરૂ કરો અથવા તો આલ્કોહોલ કે ડ્રગ્સ હેલ્પલાઇનમાં ફોન કરી તમારી ચિંતા જણાવો.
“તમારા ડોક્ટર સાથે વાત કરીને સલાહ લઇ શકો છો. આ ઉપરાંત સેટલમેન્ટ સર્વિસ અને કમ્યુનિટી મેન્ટલ હેલ્થ અથવા એડિક્શન સર્વિસની મદદ પણ લઇ શકો છો. મોટા ભાગની સર્વિસ મફતમાં ઉપલબ્ધ છે અને દુભાષિયો પણ ઉપલબ્ધ હોય છે. આ બધી સર્વિસ આલ્કોહોલ કે ડ્રગ્સનું સેવન કરવાના બંધાણી થઇ ગયા હોય તેવા પરિવાર કે વ્યક્તિને મદદ કરે છે. આ બધી સર્વિસમાં તમારી માહિતી ગુપ્ત રહે છે. અને તેઓ પોલીસ, ઇમીગ્રેશન અથવા સમાજના કોઇ પણ સભ્યને આ માહિતી ઉપલબ્ધ કરાવતા નથી.”
હોઆ ગુએને અત્યાર સુધી ઘણા લોકોને મદદ કરી છે તે જણાવે છે કે આ પ્રશ્નની ચર્ચા તથા તે માટેના યોગ્ય પગલાં દ્વારા જ તેમાંથી બહાર નીકળી શકાય છે.
“બંધાણી થવું ખૂબ જ લાંબી પ્રક્રિયા છે. તે ફરીથી થવું શક્ય છે. તેથી જ એક પરિવાર તરીકે એવી આશા રાખવી કે તે વ્યક્તિ તાત્કાલિકપણે જ તેનું સેવન છોડી દેશે તો એ ખોટું છે. સેવન છોડવાની પ્રક્રિયા ખૂબ જ લાંબી અને ધીમી છે. તેથી જ તે સમયે પરિવારે તે વ્યક્તિને પ્રોત્સાહન આપવું જોઇએ.”
ફિલીપિન્સમાં પુનર્વસન કેન્દ્રમાં એક વર્ષ રહ્યાં બાદ જુલીયો એક દશક જૂની ડ્રગ્સના બંધાણી હોવાની પ્રક્રિયામાંથી બહાર આવ્યો છે.
તે એડિલેઇડ જતો રહ્યો હતો અને પાદરી બન્યો. આ ઉપરાંત તે ડ્રગ્સ અને આલ્કોહોલનો કાર્યકર બનીને બીજા લોકોને મદદ કરે છે.
તે બદલાવવાની ભાવના તરીકે શરૂ થાય છે.
“મેં 13 વર્ષ સુધી ડ્રગ્સના બંધાણી તરીકે મારા મિત્રો સાથે અંધકારમય સમય પસાર કર્યો છે. તમને ખબર હોય છે કે હવે તમારું જીવન બદલાવવાનું નથી અને અચાનક તમને લાગે છે કે આ બધાથી અલગ પણ એક દુનિયા છે. મારું જીવન બદલવાની ઇચ્છા તથા મહત્વકાંક્ષાના કારણે જ હું આ મુસીબતમાંથી બહાર આવ્યો છું.”
જો તમે ડ્રગ્સ કે આલ્કોહોલ બાબતની કોઇ પણ પરેશાનીનો સામનો કરી રહ્યા હોય, તો તમે 1300 368 186 નંબર પર ફેમીલી ડ્રગ સપોર્ટ ફ્રી 24*7 ટેલીફોન હેલ્પલાઇન અથવા તમારા ડોક્ટર સાથે ઉપલબ્ધ સર્વિસ અંગે વાત કરી શકો છો.
આ ઉપરાંત, તમે 131 450 નંબર દ્વારા ભાષાંતર અથવા દુભાષિયાની મદદ પણ લઇ શકો છો