બાળકોને વેકેશન એટલેકે રજાઓના સમયગાળામાં પ્રવૃત્ત રાખવાના કેટલાક વિકલ્પો
બાળકોને રજાઓ દરમિયાન પ્રવૃત્ત રાખવા
સીના સ્મિથ, માતા અને ફેમિલી બ્લોગર જણાવે છે કે, પ્રથમ વિકલ્પ બાળકોને બહાર લઇ જાવ.
તેઓ કહે છે કે, દરિયા કિનારા, તળાવો, પાણીના નાના ઝરણાં જેવા નૈસર્ગીક વિકલ્પો છે જ્યાં બાળકો મુક્ત રીતે માણી શકે. આ સાથે આવી જગ્યાઓ પર બાળકોની ખાસ કાળજી રાખવી- સેફ સ્વિમિંગ માર્ગદર્શિકાનું પાલન કરવું. કુદરતી સૌંદર્ય ધરાવતી જગ્યા પર આખો દિવસ પ્રવૃત્તિમય પસાર કરી શકાય અને આ માટે ખર્ચ પણ નહિવત લાગે છે.
જો કોઈ દિવસે વરસાદ હોય, તે દિવસે મુલાકાત લેવા માટે સ્થાનિક સંગ્રહાલયો, ગેલેરિસ , સામુદાયિક કેન્દ્રો , પુસ્તકાલયો અને શોપિંગ સેન્ટર જેવા નિઃશુલ્ક વિકલ્પો છે.

Source: Getty Images
સુ શ્રી સ્મિથ જણાવે છે, "કેટલાક નાનકડાં શોપિંગ સેન્ટર બાળકો માટે કાંઈક મનોરંજનની પ્રવૃત્તિ કરતાં હોય છે, જેમેકે મારા ઘર નજીક શોપિંગ સેન્ટરમાં ફાર્મ એનિમલ બાળકોને મળવા આવે છે, તો અન્ય જગ્યાએ કલા અને શિલ્પ શીખવાડવાની પ્રવૃત્તિ અને કેટલાક મનોરંજન શો પણ કરવામાં આવે છે. આવી પ્રવૃત્તિઓ મોટાભાગે નિઃશુલ્ક અને સરળતાથી કરી શકાય તેવી છે."
તેઓ ઉમેરે છે કે, વ્યક્તિએ સ્થાનિક પ્રવાસન આકર્ષણો ખાતે ઉપલબ્ધ નિઃશુલ્ક પ્રવૃત્તિ વિષે પણ જાણવું, " કેટલાક જાણીતા પ્રવાસન સ્થળોએ પણ બાળકો માટે ખાસ પ્રવૃત્તિઓ ઉપલબ્ધ હોય છે. દા. ત સિડની ઓપેરા હાઉસ ખાતે એક રચનાત્મક ખેલ ક્ષેત્ર છે જ્યાં બાળકોને આર્ટ અને ક્રાફ્ટ શીખવવા શિક્ષકો પણ નીમવામાં આવે છે. આ એક ડ્રોપ ઈન , ડ્રોપ આઉટ જેવી વ્યવસ્થા છે. વ્યક્તિએ ફક્ત ત્યાં પહોંચીને પ્રવૃત્તિઓ વિષે અને રમતગમત વિષે જાણવાનું રહે છે, જે ખુબ સારી વાત છે. "
હોલીડે કેર પ્રોગ્રામ
હોલીડે કેર પ્રોગ્રામ પારંપરિક વેકેશન થી લઈને અમુક ખાસ વર્ગો જેમકે ટેનિસ, સ્વિમિંગ અને આર્ટસ માટે પણ હોય છે.
કેમ્પ ઓસ્ટ્રેલિયાના ટોમ ડ્યૂસલડોર્પ હોલીડે કેર પ્રોગ્રામ અને શાળા પહેલા અને પછીની સંભાળ કાર્યક્ર્મ વચ્ચે ભેદ સમજાવતા જણાવે છે કે, "વેકેશન દરમિયાન સાંભળના કાર્યક્રમો વધુ સમયના હોય છે, આ સમયગાળો લગભગ શાળાના સમયગાળા સમાન હોય છે. કેટલીક વખત સેશન સવારે 7 વાગ્યા થી સાંજે 6 વાગ્યા સુધી હોય છે જેથી ખુબ પ્રવૃત્તિઓ સાથે બાળકો અને પરિવારને જરૂરી સેવા પુરી પાડી શકાય. અમે ખરા અર્થમાં રજાનો સમયગાળો માણી શકાય તેવો પ્રયાસ કરીએ છીએ. "
આ પ્રકારના રજાના સમયગાળા દરમિયાન સાંભળના કાર્યક્રમો બાલમંદિર થી છઠ્ઠા ધોરણ સુધીના બાળકો માટે હોય છે, જે માટે પ્રતિ દિવસ 50 થી 90 ડોલરની ફી હોય છે.

Source: Getty Images
હોલીડે કેર માટે આર્થિક મદદ
વેકેશન દરમિયાન સંભાળ માટેની વિત્તીય સહાયતા માટે સરકાર પરિવારની કુલ આવક, વાલીઓ કેટલા કલાક કામ કરે છે- જેવી વિગતો ધ્યાનમાં લે છે.
આ માટેની યોગ્યતા માટે સેન્ટરલિંક પાસે વિગતો જાણી શકાય, પણ પરિવારની આવક જેટલી વધુ તેટલી સરકાર દ્વારા મળતી આર્થિક સહાય ઓછી. જો પરિવારની કુલ આવક પ્રતિ વર્ષ $66,958 કે તેથી ઓછી હોય તો તેમને 85 ટકા ચાઇલ્ડકેર ખર્ચ મળે છે, પ્રતિ વર્ષ $66,958 થી $171,958 પારિવારિક આવક ધરાવનારને 50 ટકા ચાઇલ્ડકેર ખર્ચ મળે છે.
સુ શ્રી સ્મિથ જણાવે છે કે, ઘણા વાલીઓને બાળકોના વેકેશન દરમિયાન કામ પર પરત જવું પડે છે, તેવામાં કાઉન્સિલ દ્વારા પુરી પાડવામાં આવતી લોન્ગ ડે કેર વેકેશન સેવાઓ ખુબ મદદરૂપ નીવડે છે. આ પ્રકારની સેવા સામાન્ય રીતે સવારે 8 થી સાંજે 5.30 સુધી હોય છે. કાઉન્સિલ દ્વારા પુરી પાડવામાં આવતી આ સેવાઓ ઓછી ખર્ચાળ હોય છે અને ચાઈલ્ડ કેર સબસીડી પણ તેમના મારફતે જ મેળવી શકાય છે. આ સિવાય અન્ય વિકલ્પ છે સ્થાનિક ટેનિસ કોર્ટ. અહીં ઘણી પ્રવૃત્તિઓ ઓછા ખર્ચે ઉપલબ્ધ છે.

Source: CC0 Creative Commons