ટેફ - Technical And Further Education (TAFE) સિસ્ટમ એ ઓસ્ટ્રેલિયામાં વ્યવસાયિક શિક્ષણ અને ટ્રેનિંગ આપતી સંસ્થા છે.
તેનું સંચાલન દરેક રાજ્યની સરકાર કરે છે, જેમાં વિવિધ ક્ષેત્રોના લગભગ બધા જ કોર્સનો સમાવેશ કરાયો છે. TAFE પ્રાયોગિક કોર્સ પર વધુ ધ્યાન આપીને શીખાઉ વ્યક્તિની કુશળતા નિખારે છે. રીસ્પોન્સિબલ સર્વિસ ઓફ આલ્કોહોલ જેવા ટૂંકા કોર્સથી એપ્રેન્ટીસશિપ જેવા લાંબાગાળાના કોર્સ પણ અહીં ભણાવાય છે.
કેટલાક કોર્સમાં પ્રવેશ મેળવવા માટેની કેટલીક જરૂરિયાતો પૂરી કરવી પડે છે જેમ કે, અંગ્રેજીની લાયકાત. જો તમે પ્રવેશ મેળવવા માટેની જરૂરી લાયકાત ન ધરાવતા હોય તો અમે તમને પ્રવેશ મેળવવાનો અન્ય માર્ગ દર્શાવી શકીએ છીએ.
ટેફ ન્યૂ સાઉથ વેલ્સના એડલ્ટ માઇગ્રન્ટ ઇંગ્લિશ પ્રોગ્રામના સંચાલક મેન્ડી નોઉરના જણાવ્યા પ્રમાણે, "નાના કોર્સમાં પ્રવેશ મેળવીને શરૂઆત કરી શકાય છે."

Technical and Further Education system Source: Maskot
ટેફમાં નાણાંકીય સહાયતા
ટેફમાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ અને કામચલાઉ વિસા પર રહેતા લોકો પણ પ્રવેશ મેળવી શકે છે. જોકે, નાણાકિય સહાયતા ઓસ્ટ્રેલિયાની પર્મેનન્ટ રેસીડેન્સી અથવા નાગરિકતા ધરાવતા હોય તેવા લોકો માટે ઉપલબ્ધ છે.
કેટલાક રાજ્યોમાં ટેફ દ્વારા મફતમાં પણ કોર્સ ચાલી રહ્યાં છે.
ડીરેક્ટર ઓફ વિક્ટોરિયન ટેફ એસોસિયેશનના એક્સીક્યુટીવ ડાયરેક્ટર એન્ડ્ર્યુ વિલિયમ્સને જણાવ્યું હતું કે, "ટેફ દ્વારા વિવિધ ક્ષેત્રો અને સ્તરને આવરી લેતા 40થી 50 જેટલા કોર્સ ચાલે છે. જેમાં એપ્રેન્ટીસશિપથી લઇને સર્ટીફીકેટ લેવલ IV અને ડીપ્લોમા સુધીના કોર્સનો સમાવેશ થાય છે. વિદ્યાર્થીના કોર્સની ફી ટેફ રાજ્યની સરકાર પાસેથી મેળવે છે."
ટેફ દ્વારા મફતમાં ચલાવાતા કોર્સમાં સિવિલ કંસ્ટ્રક્શન ટ્રેડ્સથી લઇને કમ્યુનિટી કેર, હેલ્થ કેર જેવા કોર્સનો સમાવેશ થાય છે.
રેફ્યુજી, આશ્ચિતો, એબઓરિજીનલ વિદ્યાર્થીઓ અને વિકલાંગતા ધરાવતા વિદ્યાર્થીઓ પણ કેટલાક કોર્સમાં વિના મૂલ્યે પ્રવેશ મેળવી શકે છે.

The Sydney Institute of TAFE campus in Sydney Source: AAP, April Fonti
જો તમે નાણાકીય સહાયતા મેળવવા કે સબસિડી મેળવવા અસમર્થ હોય તો ટેફ તમને અન્ય રીતે મદદરૂપ થઇ શકે છે. નોઉરના જણાવ્યા પ્રમાણે, "જે વિદ્યાર્થી નાણાકીય સહાયતા મેળવી શકે તેમ ન હોય તો તે તેની ફી હપ્તા દ્વારા પણ ભરી શકે છે. આ ઉપરાંત, વિદ્યાર્થી લોન લઇને અથવા કોમનવેલ્થ સરકાર દ્વારા ચાલતી વિવિધ યોજનાઓનો લાભ લઇ શકે છે. જેમાં વિદ્યાર્થી અભ્યાસ પૂરો કર્યા બાદ પણ ફી ભરે શકે તેવી વ્યવસ્થા કરવામાં આવે છે."
તમારા કોર્સની ફી અને કેવી રીતે નાણાકીય સહાયતા મેળવી શકાય તે જાણવા માટે ટેફનો સંપર્ક કરવો જરૂરી છે.

Source: Getty Image
તમારી નજીકના ટેફની સલાહ મેળવો
તમારી નજીકના ટેફ સંસ્થાની મુલાકાત લઇ કારકિર્દી ઘડવા અંગેનું માર્ગદર્શન મેળવી શકાય છે. "અમારી પાસે સંભવિત વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી શકે તેવા સલાહકારો ઉપલબ્ધ છે. જેમાં તેમને કોર્સ વિશેની માહિતી, કારકિર્દીમાં રહેલી શક્યતાઓ વિશેના મુદ્દાઓ આવરી લેવામાં આવે છે, " તેમ વિલિયમ્સને જણાવ્યું હતું.
તમારું સ્થાનિક ટેફ તમને કોર્સની પસંદગી અને તેમાં પ્રવેશ વિશેની તમામ માહિતી પૂરી પાડશે. ઘણા ટેફમાં કર્મચારીઓ અંગ્રેજી સિવાયની અન્ય ભાષાઓ પણ જાણતા હોય છે. જે ટેફમાં અંગ્રેજી સિવાયની ભાષા જાણતા કર્મચારી ઉપલબ્ધ ન હોય તો ભાષાંતરની સુવિધા મેળવવા માટે 131450નો સંપર્ક કરી શકાય છે.

Two car mechanic students working in garage at FE college, young woman learning mechanical skills Source: E+
ટેફ બધા જ માટે છે
જો તમે ઓસ્ટ્રેલિયામાં તમારી પ્રથમ નોકરી મેળવવા માટે કોઇ કોર્સ શોધતા હોય, પોતાની સ્કીલમાં વધારો કરવો હોય કે વર્તમાન વ્યવસાયને બદલે અન્ય વ્યવસાય શરૂ કરવા માંગતા હોય તો ટેફ દ્વારા ભણાવાતા કોર્સ વિશે માહિતી મેળવી શકાય છે.
કેટલાક લોકો યુનિવર્સિટીની ડીગ્રી મેળવ્યા બાદ પણ પ્રાયોગિક સ્કીલ્સ વિકસાવવા માટે ટેફનો કોર્સ કરતા હોય છે.
"ટેફ જેવી સંસ્થામાંથી વ્યવસાયિક કોર્સ કરનારા લોકો વધુ પ્રગતિ કરી શકે છે. જો તમે ટેફમાં અભ્યાસ પસંદ કરશો તો તમને ગુણવત્તાસભર સર્વિસ, શિક્ષણ મળી રહેશે," તેમ વિલિયમ્સને ઉમેર્યું હતું.
જો તમારે ટેફના કોર્સ વિશે કોઇ પણ પ્રકારની માહિતી મેળવવી હોય તો તમારા નજીકના ટેફની મુલાકાત લો, ફોન કરો અથવા તો તેમની વેબસાઇટનું મુલાકાત લઇ શકાય છે.