તાજેતરમાં જ અમેરિકામાં યોજાયેલી રાષ્ટ્રપ્રમુખપદની ચૂંટણીમાં જો બાઇડનનો વિજય થયો છે અને તે દેશના નવા રાષ્ટ્રપ્રમુખ બનવા જઇ રહ્યા છે. જો બાઇડન કોરોનાવાઇરસની મહામારી શરૂ થઇ તે અગાઉ એપ્રિલ 2019માં જ રાષ્ટ્રપતિપદ માટેની સ્પર્ધામાં ઊતર્યા હતા.
તેમને રાષ્ટ્રપતિપદ માટેની પોતાની દાવેદારીમાં વર્ષ 1987 અને 2007માં નિષ્ફળતાનો સામનો કરવો પડ્યો હતો. જોકે, 3 વખતના નિષ્ફળ ઉમેદવાર જો બાઇડન અમેરિકાના 46મા રાષ્ટ્રપ્રમુખ બનવા જઇ રહ્યા છે.
જો બાઇડન અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ બરાક ઓબામા સાથે ગાઢ ભાગીદારી માટે જાણિતા છે. બરાક ઓબામા જ્યારે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ હતા ત્યારે જો બાઇડને દેશના ઉપ-રાષ્ટ્રપતિ તરીકે સેવાઓ આપી હતી.
ઓબામાએ તેમને અમેરિકાના ઇતિહાસમાં સૌથી શ્રેષ્ઠ ઉપ-રાષ્ટ્રપતિ ગણાવ્યા હતા.
રાષ્ટ્રપ્રમુખ બરાક ઓબામાએ જ્યારે તેમને 'પ્રેસિડેન્સિયલ મેડલ ઓફ ફ્રીડમ' થી સન્માનિત કર્યા હતા ત્યારે તેમની આંખમાં હર્ષના આંસુ હતા.
જો બાઇડન જ્યારે જાન્યુઆરી 2021માં વ્હાઇટ હાઉસમાં રાષ્ટ્રપ્રમુખ તરીકે પ્રવેશ કરશે ત્યારે તેમની ઇચ્છા છે કે તેઓ પણ ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ સાથે રાષ્ટ્રપ્રમુખ બરાક ઓબામા જેવી જ મજબૂત ભાગીદારી કરે.
કમલા હેરિસ સાથે ઉગ્ર ચર્ચા
જો બાઇડન તથા કમલા હેરિસ વચ્ચે ડેમોક્રેટીક પાર્ટીની બેઠકમાં ઉગ્ર ચર્ચા જોવા મળી હતી. કમલા હેરિસે જો બાઇડન દ્વારા અગાઉ કરવામાં આવેલી જાતિ વિષયક ટીપ્પણીઓ અને નીતિ બદલ તેમને વખોડ્યા હતા.
જોકે, બંનેએ વ્યક્તિગત મતભેદ ભૂલી જઇને રાષ્ટ્રપ્રમુખપદ માટેની ચૂંટણીમાં એક ટીમ તરીકે કાર્ય કર્યું અને સફળતા મેળવી.
બંને નેતાઓને રાજકીય સફળતા મળી તે અગાઉ તેમના વ્યક્તિગત જીવનમાં ભારે સંઘર્ષ, અવરોધો તથા દુર્ઘટનાઓનો સામનો કરવો પડ્યો છે.
વર્ષ 1972માં કોંગ્રેસમાં પસંદ થયા તે પછી વોશિંગ્ટનમાં થયેલા એક કાર અકસ્માતમાં બાઇડનના પત્ની અને તેમની પુત્રીનું નિધન થયું હતું.

Source: President-elect Joe Biden and team
બાઇડને તેમની શપથ પુત્રના હોસ્પિટલ રૂમમાંથી લીધી હતી અને તે દુખદ સમયનો અનુભવ તેમણે ડેમોક્રેટીક પાર્ટી તરફથી રાષ્ટ્રપ્રમુખપદ માટેની દાવેદારી દરમિયાન પણ યાદ કર્યો હતો.
તેમણે જણાવ્યું હતું કે, આપણી નજીકના વ્યક્તિને ગુમાવવાનું દર્દ મને ખબર છે.
તેમના મોટા પુત્ર બો એક ઉભરતા રાજકારણી હતા, વર્ષ 2015માં બ્રેઇન કેન્સરના કારણે તેમનું નિધન થયું હતું.
ભારતીય મૂળના કમલા હેરિસ અમેરિકાના ઉપરાષ્ટ્રપ્રમુખ
કમલા હેરિસ વર્ષ 1964માં કેલિફોર્નિયાના ઓકલેન્ડમાં જન્મ્યા હતા. તેમના માતા ભારતીય તથા પિતા જમૈકન હતા. તેઓ જ્યારે 5 વર્ષના હતા ત્યારે તેમના માતા-પિતાના છૂટાછેડા થયા હતા. તેમની માતા શ્યામલા ગોપાલન હેરિસે તેમને ઉછેર્યા હતા.
હેરિસે તેમનું રાષ્ટ્રપતિપદ માટેનું કેમ્પેઇન વર્ષ 2019માં શરૂ કર્યું હતું. તેમણે "કમલા હેરિસ ફોર ધ પીપલ" નામનું સ્લોગન આપ્યું હતું.
56 વર્ષીય હેરિસે જ્યારે રાષ્ટ્રપતિપદની દાવેદારી નોંધાવી ત્યારે તેમણે પોતાને ન્યાય અને સમાનતાના લડવૈયા તરીકે ગણાવ્યા હતા.
કમલા હેરિસે હોવર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો છે. તેમણે પોતાની પ્રથમ ચૂંટણી વર્ષ 2003માં જીતી હતી. તે સમયે તેઓ સાન ફ્રાન્સિસ્કોના પ્રતિનિધી તરીકે નિમાયા હતા. વર્ષ 2010માં તેઓ કેલિફોર્નિયાના એટર્ની જનરલ તરીકે ચૂંટાયા હતા. આ પદ મેળવનારા તેઓ પ્રથમ મહિલા બન્યા હતા.
વર્ષ 2014માં તેમના લગ્ન વકીલ ડગ એમ્હોફ સાથે થયા હતા. ડગના બાળકો કોલ અને એલાને કમલાને સાવકી માતા તરીકે સંબોધવું પસંદ ન હોવાથી તેઓ તેમને 'Momala' તરીકે સંબોધતા હતા.
વર્ષ 2016માં સેનેટર તરીકે ચૂંટાયા બાદ ટ્રમ્પ સરકારના અધિકારીઓના વલણનો વિરોધ કરીને કમલા વધુ ચર્ચામાં આવ્યા.
હાલમાં વિશ્વભરના નેતાઓ જો બાઇડન અને કમલા હેરિસને અમેરિકન ચૂંટણીમાં વિજય બદલ અભિનંદન આપી રહ્યા છે. જોકે, બીજી તરફ, ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટણીનું પરિણામ સ્વીકારવા તૈયાર નથી.
Share

