તાજેતરમાં જ થયેલા Ipsos દ્વારા થયેલા સર્વેના તારણ અનુસાર 72 ટકા લોકોના મતે ઓસ્ટ્રેલિયામાં સ્થળાંતરીત થયેલા લોકો કે જેઓ અહીંના નાગરિક બન્યા અને યોગ્ય ઇંગ્લિશ બોલી શકે છે તેઓ "ખરા" ઓસ્ટ્રેલિયન છે.
આ અંગે SBS Gujarati એ અહીં ઓસ્ટ્રેલિયા સ્થળાંતરિત થયેલા ગુજરાતીઓના "ખરા" ઓસ્ટ્રેલિયન હોવા અંગેના મત જાણ્યા.

ઓસ્ટ્રેલિયામાં કાયમી વસવાટની યોગ્યતા ધરાવતા સીમા પટેલે "ખરા" ઓસ્ટ્રેલિયન અંગે પોતાના અભિપ્રાયમાં જણાવ્યું હતું કે, "જે લોકો પોતાનો મૂળ દેશ છોડીને અહીં ઓસ્ટ્રેલિયામા વસવાટ કરી રહ્યા છે અને આ દેશને જ પોતાની કર્મભૂમિ બનાવી છે તથા ઓસ્ટ્રેલિયન સરકારની તમામ નિયમોનું પાલન કરે છે અને કમ્યુનિટીને ઉપયોગી થાય છે તેવા તમામ માઇગ્રન્ટ્સને "ખરા" ઓસ્ટ્રેલિયન કહી શકાય.
સર્વે પ્રમાણે, લગભગ 38 ટકા લોકો માને છે કે ભલે કોઇ વ્યક્ત ઓસ્ટ્રેલિયન નાગરિક ન હોય પરંતુ જો તેઓ અહીં વસવાટ કરતાં હોય તો તેમને પણ "ખરા" ઓસ્ટ્રેલિયન કહી શકાય.
Ipsos દ્વારા થયેલા સર્વેના તારણ પ્રમાણે બહોળી સંસ્કૃતિ, ધર્મ, ભાષા, જાતિને ધ્યાનમાં રાખીને વિવિધ સંસ્કૃતિને અપનાવવાની યાદીમાં ઓસ્ટ્રેલિયા એ કેનેડા, અમેરિકા, સાઉથ આફ્રિકા તથા ફ્રાન્સ બાદ પાંચમાં ક્રમે છે.
ઓસ્ટ્રેલિયામાં ઘણા વર્ષોથી વસવાટ કરી રહેલા નીમા ઠક્કર જણાવે છે કે પોતાના દેશમાંથી ફક્ત માઇગ્રેટ થવું અને ઓસ્ટ્રેલિયામાં વસવાટ કરવો એટલે જ "ખરા" ઓસ્ટ્રેલિયન નથી બની જવાતું. અહીંની સંસ્કૃતિને સમજે, અપનાવે તથા તેને માન સન્માન આપે, તેની જાળવણી કરે અને પોતાના દેશના કલ્ચરને અહીંના મૂળ ઓસ્ટ્રેલિયન્સ સાથે વહેંચે તેને તેમના મતે "ખરા" ઓસ્ટ્રેલિયન કહી શકાય.

Ipsosના સર્વેમાં એક બાબત એ જાણવા મળી કે 72 ટકા લોકો એમ માને છે કે અહીંના નાગરિક હોય અને ઇંગ્લિશ આવડતું હોય તેને "ખરા" ઓસ્ટ્રેલિયન કહી શકાય પરંતુ ઓસ્ટ્રેલિયામાં સ્થાયી થયેલા ગુજરાતીઓના મતે ભાષાના કારણે કોઇના "ખરા" ઓસ્ટ્રેલિયન હોવા પર શંકા ન કરી શકાય.

અહીં મેલ્બોર્નમાં અભ્યાસ કરી રહેલા જય પરીખે "ખરા" ઓસ્ટ્રેલિયન અંગેના પોતાના મતમાં જણાવ્યું હતું કે, "ભાષા એ મુદ્દો નથી પરંતુ જે દેશમાં રહેતા હોવ તે દેશની ભાષા આવડે અને તેનો ઉપયોગ કરો તે જરૂરી અને અનિવાર્ય છે."
"આ ઉપરાંત જે વ્યક્તિ અહીંની બહોળી સંસ્કૃતિને સમજે, દેશના વિકાસમાં પોતાનું યોગદાન આપે અને સરકારના તમામ નિયમો તથા પોતાની એક માણસ તરીકેની તમામ ફરજો અદા કરતો હોય તેવા વ્યક્તિને "ખરો" ઓસ્ટ્રેલિયન કહી શકાય."

બીજી તરફ, અહીં ઓસ્ટ્રેલિયામાં અભ્યાસ કરી રહેલી રુતા ગુપ્તાએ જણાવ્યું હતું કે, "મેં અત્યાર સુધીમાં અહીં કેટલાય લોકો એવા જોયા છે કે જેઓ ઓસ્ટ્રેલિયન નાગરિકત્વ ધરાવતા હોય પરુંતુ તેઓ પોતાના દેશના કલ્ચર, પૈસા, તહેવાર તથા રીત રિવાજો વધારે પસંદ કરે છે."
"જે લોકો ઓસ્ટ્રેલિયન દેશની આર્મી તથા દેશ માટે યોગદાન આપી રહ્યા છે અને સમાજને ઉપયોગી થઇ રહ્યા છે તેઓ મારા મતે "ખરા" ઓસ્ટ્રેલિયન છે."
સર્વે પ્રમાણે, લગભગ 80 ટકા લોકો એમ માને છે કે જેમણે દેશની સુરક્ષા માટે પોતાનું જીવન આપ્યું છે તેઓ "ખરા" ઓસ્ટ્રેલિયન છે.

