ઓસ્ટ્રેલિયાના વિવિધ રાજ્યોમાં કોરોનાવાઇરસના કેસની સંખ્યા વધતા તથા રસીકરણના ઓછા પ્રમાણના કારણે કોને ઓસ્ટ્રેલિયા બહાર મુસાફરી કરવાની પરવાનગી મળવી જોઇએ તે એક ચર્ચાનો વિષય બન્યો છે.
આ ઉપરાંત, કેવા સંજોગોમાં તથા કયા દેશની મુલાકાત લેવા માટે લોકોને પરવાનગી અપાઇ રહી છે તે અંગે પણ પ્રશ્નો ઉભા થયા છે.
કોરોનાવાઇરસની મહામારીને એક વર્ષથી પણ વધુ સમય થઇ ગયો હોવા છતાં પણ ઓસ્ટ્રેલિયાના નાગરિકો તથા પર્મેનન્ટ રેસીડન્ટ્સને ઓસ્ટ્રેલિયા છોડવા માટે પરવાનગી લેવી પડે છે.
કયા દેશની મુલાકાત માટે અરજીઓ આવી
ફ્રીડમ ઓફ ઇન્ફર્મેશન અંતર્ગત ડીપાર્ટમેન્ટ ઓફ હોમ અફેર્સનો સંપર્ક કરવામાં આવ્યો હતો. જેમાં કોને ઓસ્ટ્રેલિયા છોડવાની પરવાનગી મળી, કયા દેશોની તેમણે મુલાકાત લીધી તથા મુલાકાત લેવાના ઉદ્દેશ્યનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
1લી ઓગસ્ટ 2020થી 25મી એપ્રિલ 2021 દરમિયાન કરવામાં આવેલી અરજીના આંકડા
જેમાં જણાવ્યા પ્રમાણે ઓસ્ટ્રેલિયાથી ભારત જવા માટે સૌથી વધુ 25,443 અરજી કરવામાં આવી હતી. ત્યાર બાદ 21,547 અરજી સાથે ચીન બીજા ક્રમે છે. યુનાઇટેડ કિંગડમ જવા માટે 15,703 અરજી કરવામાં આવી હતી.
જેમાંથી યુનાઇટેડ કિંગડમ જવા માટેની 68 ટકા અરજીને મંજૂરી મળી હતી. જ્યારે ભારત જવા માટે 46 ટકા તથા ચીન માટે 59 અરજીઓને પરવાનગી આપવામાં આવી હતી.
તે સમયે યુનાઇટેડ કિંગડમમાં કોરોનાવાઇરસનો બીજો તબક્કો ચાલી રહ્યો હતો જ્યારે તે ભારતમાં હજી શરૂઆત થઇ હતી.
બીજી તરફ, ભારતથી ઓસ્ટ્રેલિયા આવવા માટે 7.17 ટકા અરજીને જ મંજૂરી આપવામાં આવી હતી. યુનાઇટેડ કિંગડમથી કરવામાં આવેલી કુલ અરજીઓમાંથી 23.48 ટકા અરજી મંજૂર કરવામાં આવી હતી. સાઉથ આફ્રિકાથી કરવામાં આવેલી 30.73 ટકા અરજીને પરવાનગી મળી હતી.
હાલના તબક્કે કોણ ઓસ્ટ્રેલિયા છોડી શકે

Prime Minister Scott Morrison holds up a novelty 'Ticket to Recovery' boarding pass during an announcement at Sydney Airport in March Source: AAP
કેટલાક લોકોને ઓસ્ટ્રેલિયા છોડવા માટે પરવાનગી મેળવવી જરૂરી નથી
વિદેશી નાગરિકો, એરક્રાફ્ટ ક્રૂ અથવા મેન્ટેનન્સ સ્ટાફ, સરકારી કાર્ય હેઠળ વિદેશ જતા લોકો અથવા સીધા ન્યૂઝીલેન્ડ જતા પ્રવાસીઓ ઓસ્ટ્રેલિયા છોડી શકે છે.
જોકે, ઓસ્ટ્રેલિયાના મોટાભાગના રહેવાસીઓએ દેશ છોડવા પરવાનગી મેળવવી જરૂરી છે.
આ કારણોસર મુસાફરોને ઓસ્ટ્રેલિયા છોડવાની પરવાગની મળી શકે છે.
- કોવિડ-19ની પરિસ્થિતીમાં મદદ કરવા માટે
- વેપાર અંતર્ગત
- ઓસ્ટ્રેલિયામાં ઉપલબ્ધ ન હોય તેવી આરોગ્ય સુવિધા મેળવવા માટે
- અનિવાર્ય કારણોસર ત્રણ મહિના કે તેથી વધુ
- માનવતાના ધોરણે
- અથવા દેશ હિતમાં
આંકડા પ્રમાણે, અનિવાર્ય સંજોગો અંતર્ગત વિદેશ પ્રવાસ માટે કરવામાં આવેલી અરજીઓમાંથી 71,249 જેટલી અરજી મંજૂર કરવામાં આવી હતી. જ્યારે માનવતાના ધોરણે કરવામાં આવેલી 28,391 અરજીઓને વિદેશ પ્રવાસની પરવાનગી મળી હતી.
વ્યક્તિગત વેપાર અંતર્ગત 4797 અરજીઓ મંજૂર કરવામાં આવી હતી.
નિર્ધારીત સમયમાં ઓસ્ટ્રેલિયન બોર્ડર ફોર્સને 208,791 અરજીઓ મળી હતી. જેમાંથી 119,922 અરજી મંજૂર કરવામાં આવી હતી.
ભારત પ્રવાસ કરવા માટેની મંજૂર થયેલી અરજીના મુસાફરોએ જો મે મહિનાની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયા ન છોડ્યું હોય તો આરોગ્ય સલાહને ધ્યાનમાં રાખીને તેમની અરજીને નામંજૂર કરવામાં આવી હતી.
મે મહિનામાં ભારતમાં કોરોનાવાઇરસનો બીજો તબક્કો શરૂ થતા તેનો ભયજનક દેશોની યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો હતો.


