ઓસ્ટ્રેલિયાના મેલ્બર્ન શહેરમાં જો હવે માસ્ક પહેર્યા વગર જાહેરસ્થળોની મુલાકાત લેવામાં આવશે તો 200 ડોલરનો દંડ થઇ શકે છે.
રહેવાસીઓ માટે જાહેરસ્થળો પર માસ્ક ફરજિયાત કરનારું વિક્ટોરીયા દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે.
રાજ્યના ચીફ હેલ્થ ઓફિસર બ્રેટ શટને જણાવ્યું હતું કે, માસ્કથી સંક્રમણનો ખતરો ઓછો રહેશે અને વિક્ટોરીયાના રહેવાસીઓએ સાવચેતીના ભાગરૂપે તે પહેરવું પડશે.
વિશ્વના 130થી વધુ દેશોમાં માસ્ક પહેરવાનો આદેશ
કોરોનાવાઇરસની મહામારી શરૂ થઇ ત્યારથી અત્યાર સુધીમાં જાહેર સ્વાસ્થ્ય અંગે વિવિધ પ્રકારના નિર્ણયો લેવામાં આવ્યા છે.
વિશ્વના 130થી વધુ દેશોએ રહેવાસીઓને માસ્ક પહેરવાની ભલામણ કરી છે.
વિયેતનામ, ઝેક રીપબ્લિક અને વેનેઝુએલા જેવા દેશોએ માર્ચ મહિનામાં જ લોકોને ફરજિયાત માસ્ક પહેરવાનો આદેશ આપ્યો હતો.
એપ્રિલ મહિનામાં યુનાઇટેડ આરબ અમીરાત, મોરોક્કો અને ઇઝરાયેલે માસ્કનો ઉપયોગ ફરજિયાત કર્યો હતો.
કોરોનાવાઇરસથી સૌથી વધુ પ્રભાવિત હોય તેવા સ્પેન અને ફ્રાન્સે મે મહિનામાં માસ્ક પહેરવા અંગે નિર્ણય લીધો હતો.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની કોરોનાવાઇરસ માટે બનેલી ટીમના સભ્ય પ્રોફેસર મેરીલોઇસ મેકલોસે જણાવ્યું હતું કે, જે દેશોએ અગાઉ કોઇ ભયંકર મહામારીનો સામનો કર્યો હતો તેમણે તેમના અનુભવના આધારે ફેસમાસ્ક પહેરવું ફરજિયાત કર્યું હતું.
વિશેષજ્ઞોના જણાવ્યા પ્રમાણે, ફેસમાસ્ક પહેરવાથી સંક્રમણની શક્યતા ઓછી થાય છે.
વિક્ટોરીયન સરકારે ત્રણ સ્તરમાં બનેલા માસ્ક અથવા ચહેરાને ઢાંકી શકે તેવો સ્કાફ પહેરવાની મંજૂરી આપી છે.
તમારી જાતે – ફેસમાસ્ક કેવી રીતે બનાવી શકાય તેની વિગતો ડીપાર્ટમેન્ટ ઓફ હેલ્થ એન્ડ હ્યુમન સર્વિસની વેબસાઇટ પર આપવામાં આવી છે.
માસ્કથી સામુદાયિક સંક્રમણની શક્યતા ઓછી
મહામારી નિષ્ણાત તથા પબ્લિક હેલ્થ મેડિસીનના જાણકાર પ્રોફેસર ટોની બ્લેકલેએ જણાવ્યું હતું કે ફેસમાસ્કની મદદથી સામુદાયિક સંક્રમણની શક્યતા 60થી 80 ટકા જેટલી ઓછી થઇ જાય છે.
માસ્ક પહેરવાથી સામાજિક ભાવનાને ઠેસ પહોંચે?
ફરજિયાત માસ્ક પહેરવાથી કેટલાક લોકો અસ્વસ્થતા અનુભવી શકે છે. તથા, તેઓ એકબીજા સાથે અલગ પ્રકારનું વર્તન કરે તેવી શક્યતા છે. આ ઉપરાંત, માસ્ક પહેરવાથી કેટલીક સંસ્કૃતિની સામાજિક ભાવનાને ઠેસ પહોંચે તેવી ચર્ચા પણ ચાલી રહી છે.
જોકે, મેકલોસના જણાવ્યા પ્રમાણે, ઓસ્ટ્રેલિયા બહુસાંસ્કૃતિક દેશ છે અને કોરોનાવાઇરસ સામે સરકારના પ્રયત્નો તથા લોકોના આરોગ્યની સુખાકારીને ધ્યાનમાં લઇને ઓસ્ટ્રેલિયાના રહેવાસીઓએ માસ્ક પહેરવું જોઇએ.
બીજી તરફ, બ્લેકલેએ જણાવ્યું હતું કે, લોકોને કોરોનાવાઇરસની મહામારી સામે લડવામાં માસ્કની ઉપયોગિતા વિશે સમજ પડતા માસ્ક નજીકના ભવિષ્યમાં ઓસ્ટ્રેલિયાના રહેવાસીઓના જીવનનો એક ભાગ બની જશે.
યુનાઇટેડ કિંગડમમાં પણ આગામી શુક્રવારથી દુકાનોમાં માસ્ક ફરજિયાત કરાશે. આ ઉપરાંત, અમેરિકાના કેટલાક રાજ્યોમાં પણ માસ્ક પહેરવાની સલાહ અપાઇ રહી છે.
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પણ તાજેતરમાં જાહેરસ્થળ પર માસ્ક ધારણ કર્યું હતું.
ઓસ્ટ્રેલિયાના કેન્દ્રીય આરોગ્ય મંત્રી ગ્રેગ હંટે જણાવ્યું હતું કે વિક્ટોરીયામાં સામુદાયિક સંક્રમણ રોકવા માટે માસ્ક મજબૂત વિકલ્પ છે.