ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચેની ક્રિકેટ શ્રેણીમાં હંમેશાં બેટ તથા બોલની સાથે શાબ્દિક યુદ્ધ પણ થતાં હોય છે. વર્તમાન સમયમાં રમાઇ રહેલી શ્રેણીમાં અગાઉ રમાયેલી શ્રેણી જેટલા શાબ્દિક યુદ્ધ જોવા મળ્યા નથી.
પરંતુ, બંને ટીમના ખેલાડીઓ વચ્ચે કેટલીક વખત એકબીજા સામેની ટીપ્પણીઓ જોવા મળી છે અને બંને ટીમે વારંવાર આ પ્રકારની પ્રવૃત્તિ દ્વારા એકબીજા પર મનોવૈજ્ઞાનિક ફાયદો મેળવવાનો પ્રયત્ન કર્યો છે.
આવી જ એક ઘટના મેલ્બોર્ન ટેસ્ટના બીજા દિવસની રમત દરમિયાન બની હતી. જેમાં ઓસ્ટ્રેલિયન ટીમના કેપ્ટન ટીમ પૈનેએ ભારતના વાઇસ કેપ્ટન રોહિત શર્માને પડકાર્યો હતો.
પૈનેએ શોર્ટ લેગ પર ફિલ્ડીંગ કરી રહેલા સાથી ખેલાડી એરોન ફિન્ચ સાથે મળીને આઇપીએલમાં મુંબઇ ઇન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માને ઉશ્કેરવાનો પ્રયત્ન કર્યો હતો. આ સમગ્ર ઘટના સ્ટમ્પ માઇકમાં સંભળાઇ હતી.
પૈનેએ જણાવ્યું હતું કે, "આઇપીએલમાં રોયલ્સ કે મુંબઇ બંને ટીમોમાંથી કોને સમર્થન આપવું થોડું મુશ્કેલ છે. જો રોહિત અત્યારે સિક્સ ફટકારશે તો હું મુંબઇને સમર્થન આપીશ."
જ્યારે રોહિતે તેના સવાલનો જવાબ ન આપ્યો ત્યારે પૈનેએ ફિન્ચ સાથે વાત કરવાનું શરૂ કરી દીધું.
પૈનેએ ફિન્ચને જણાવ્યું કે, "તું આઇપીએલમાં દરેક ટીમ માટે રમ્યો છે."
ફિન્ચે જવાબ આપ્યો, "ફક્ત બેંગલોર જ બાકાત છે."
"ફક્ત બેંગલોર જ બાકી છે?" પૈનેએ આશ્ચર્ય વ્યક્ત કર્યું.
ઇન્ડિયા ટુડેના જણાવ્યા અનુસાર, ફિન્ચે જણાવ્યું હતું કે રોહિત શર્માનું ધ્યાન ભટકાવવા માટે પૈને સાથે મળીને આ સંવાદ કર્યો હતો.

Rohit Sharma of India (right) bats on day two of the Boxing Day Test match between Australia and India at the MCG in Melbourne. Source: AAP Image/Julian Smith
ત્રીજા દિવસની રમત શરૂ થાય તે પહેલા રોહિતે સ્વીકાર્યું હતું કે તેણે ફિન્ચ અને પૈનેની વાતચીત સાંભળી હતી અને જો તે આ મેચમાં સદી ફટકારે તો મુંબઇ ઇન્ડિયન્સમાં તેને સામેલ કરશે.
રોહિતે જણાવ્યું હતું કે, "હું તે સાંભળતો હતો, પરંતુ હું જ્યારે બેટિંગ કરું છું ત્યારે તેની પર જ ધ્યાન આપું છું. પરંતુ મેં રહાણે સાથે વાત કરી હતી અને તેને જણાવ્યું હતું કે જો પૈને આ મેચમાં 100 રન કરશે તો હું મુંબઇ ઇન્ડિયન્સ ટીમના માલિકને તેને ખરીદવા અંગે વાત કરીશ. મને લાગે છે કે મુંબઇ ઇન્ડિયન્સ ટીમ તેની પ્રિય ટીમ છે."
રોહિત શર્મા એડિલેડ ટેસ્ટ મેચમાં રમ્યો હતો પરંતુ પર્થ ટેસ્ટ મેચમાં તે ઇજાના કારણે બહાર થઇ ગયો હતો અને બોક્સિંગ ડે ટેસ્ટ મેચમાં પરત ફર્યો હતો.
આ પ્રથમ વખત નથી કે જ્યારે કોઇ ફિલ્ડરે બેટ્સમેનનું ધ્યાન ભટકાવવાનો પ્રયત્ન કર્યો હતો. પર્થ ટેસ્ટ મેચમાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયાના કેપ્ટન ટીમ પૈને પર શાબ્દિક પ્રહારો કર્યા હતા.
જોકે, બંને ટીમના કેપ્ટને બાદમાં જણાવ્યું હતું કે તે ફક્ત મેદાન પરની જ વાત છે.