હાઇલાઇટ્સ
- ખાલિસ્તાન જનમત દરમિયાન બે જૂથ વચ્ચે ઝપાઝપી
- મેલ્બર્નમાં રવિવારે સાંજે ફેડરેશન સ્ક્વેર ખાતે સાંજે બનેલી ઘટના
- મળતી માહિતી પ્રમાણે, બે વ્યક્તિ ઇજાગ્રસ્ત - બેની ધરપકડ કરવામાં આવી
મેલ્બર્નમાં રવિવારે યોજાયેલા ખાલિસ્તાન જનમત દરમિયાન બે જૂથ વચ્ચે અથડામણ થઇ હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહી છે.
રવિવારે સાંજે 4.30 વાગ્યાની આસપાસ બનેલી ઘટના બાદ વિક્ટોરીયા પોલિસ બનાવ સ્થળે પહોંચી ગઇ હતી.
ઘટનાની મળતી વિગતો પ્રમાણે, ભારત સમર્થક જૂથ રાષ્ટ્રધ્વજ સાથે મેલ્બર્નના ફેડરેશન સ્ક્વેર ખાતે યોજાયેલા જનમતના સ્થળે પહોંચ્યું હતું.
જ્યાં બંને જૂથો વચ્ચે ઝપાઝપી થઇ હતી. અને, પોલિસ દ્વારા તેમને છૂટા પાડવામાં આવ્યા હતા.
વધુ એક વખત ઝપાઝપી થયા બાદ પોલિસે પેપર સ્પ્રેનો ઉપયોગ કરવો પડ્યો હતો, તેમ પ્રવક્તાએ જણાવ્યું હતું.
રવિવારે બનેલી ઘટના બાદ એક 34 વર્ષીય તથા 39 વર્ષીય વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે અને તેમને હુલ્લડની પરિસ્થિતિ પેદા થાય તેવું વર્તન કરવા બદલ દંડ ફટકારવામાં આવ્યો છે.
ઝપાઝપી દરમિયાન બે વ્યક્તિને ઇજા પહોંચી છે. જેમાં એક વ્યક્તિને માથામાં તથા અન્ય એક વ્યક્તિને હાથમાં ઇજા પહોંચી છે.

Another still from the video capturing the clashes outside Federation Square on Sunday. Credit: Supplied
શું છે વિવાદ
અમેરિકા સ્થિત 'શીખ ફોર જસ્ટિસ' જૂથ ખાલિસ્તાન નામના એક અલગ રાજ્યની માંગ કરી રહ્યા છે. જેમાં ભારત તથા પાકિસ્તાનના પંજાબના વિસ્તારોનો સમાવેશ થાય છે.
રવિવારે યોજાયેલા જનમતમાં મત આપનારા લોકોએ "શું ભારત શાસિત પંજાબ એક અલગ દેશ હોવો જોઇએ?" તે અંગે પોતાનો મત આપવાનો હતો.
હિન્દુ મંદિરોની દિવાલો પર સંદેશ
ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક દિવસોથી મેલ્બર્નમાં હિન્દુ મંદિરોની દિવાલો પર ભારત વિરોધી તથા ખાલિસ્તાન તરફી સંદેશ લખવામાં આવી રહ્યા છે.
મેલ્બર્નના 3 અલગ અલગ મંદિરો પર થયેલા હુમલા અંગે વિક્ટોરીયા પોલિસ હાલમાં તપાસ કરી રહી છે, તેમ પોલિસ વિભાગે નિવેદનમાં જણાવ્યું હતું.
વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.
SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.
ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts, Google Podcasts, Spotify પર સબસ્ક્રાઈબ કરો.
Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.