ઓસ્ટ્રેલિયના પૂર્વીય તટ પર આવેલા રાજ્યોમાં અઠવાડિયાના અંત સુધી ખરાબ હવામાન તથા ભારે વરસાદ પડે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે.
બ્યૂરો ઓફ મેટેયોરોલોજીના જણાવ્યા પ્રમાણે, ક્વિન્સલેન્ડના દક્ષિણભાગથી ન્યૂ સાઉથ વેલ્સ, કેનબેરા તથા વિક્ટોરીયાના ઉત્તર ભાગમાં બુધવારે અને ગુરુવારે તોફાની પવન સાથે વરસાદ પડે તેવું અનુમાન છે.
પૂર્વીય તટ પર આવેલા રાજ્યોમાં રહેતા લોકોએ શુક્રવારે પણ ખરાબ હવામાનનો સામનો કરવો પડી શકે છે.
આગામી ત્રણ દિવસ વરસાદની શક્યતા
ઓસ્ટ્રેલિયાના સિડની, મેલ્બર્ન, બ્રિસબેન તથા કેનબેરા અને તેની આસપાસના વિસ્તારોમાં વરસાદ પડવાની હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે.
તાસ્મેનિયાના ઉત્તર ભાગમાં પણ અઠવાડિયાના અંત સુધી વરસાદ પડે તેવી સંભાવના છે.
ભારે વરસાદના કારણે પૂરની પરિસ્થિતી સર્જાઇ શકે છે તથા રસ્તા પર પાણી ભરાઇ જતા વાહન ચલાવવું મુશ્કેલ બની શકે છે.
ઓસ્ટ્રેલિયાના પૂર્વ ભાગમાં આવેલા શહેરોના રહેવાસીઓને તેમના સ્થાનિક હવામાન અંગે સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.
કયા કારણોસર હવામાનમાં બદલાશે?
લો-પ્રેશર સિસ્ટમ મંગળવારે સાઉથ ઓસ્ટ્રેલિયામાંથી પસાર થશે અને ત્યાર બાદ અઠવાડિયાના મધ્યમાં તે ઓસ્ટ્રેલિયાના પૂર્વીય તટો સુધી પહોંચશે.
અઠવાડિયાના આગામી દિવસોમાં ઓસ્ટ્રેલિયાના વિવિધ શહેરોમાં વરસાદની સંભાવના હોવા છતાં પણ સરેરાશ તાપમાનમાં વધુ ઘટાડો નોંધાવાની શક્યતા નથી. પૂર્વીય કિનારે આવેલા રાજ્યોમાં બુધવાર તથા ગુરુવારે તાપમાનમાં નજીવો ફેરફાર થાય તેવું અનુમાન છે.
આગામી દિવસોમાં લો-પ્રેશર સિસ્ટમના કારણે ઉનાળું પ્રકારનો ભારે પવન તથા વરસાદ જોવા મળશે. ઉનાળાના પ્રારંભ અગાઉ ક્વિન્સલેન્ડ, ન્યૂ સાઉથ વેલ્સમાં પવન સાથે વરસાદ જોવા મળે છે જે કેટલીક વખત વિક્ટોરીયા સુધી પહોંચે છે.
પરંતુ, વર્તમાન સિસ્ટમ ઓસ્ટ્રેલિયાના અન્ય રાજ્યો સુધી પહોંચે અને કેટલાક દિવસો સુધી તેની અસર વર્તાય તેવી શક્યતા છે.