ઓસ્ટ્રેલિયાના ન્યૂ સાઉથ વેલ્સ રાજ્યના સિડની પાસેના બ્લ્યૂ માઉન્ટેન્સ વિસ્તારમાં એક મહિલાને ડ્રાઇવિંગ દરમિયાન ટ્રાફીકના વિવિધ નિયમોના ઉલ્લંઘન બદલ 34 ડીમેરીટ પોઇન્ટ્સ આપવામાં આવ્યા હતા.
ન્યૂ સાઉથ વેલ્સ પોલીસ ફોર્સના જણાવ્યા પ્રમાણે, મહિલા કટૂમ્બા વિસ્તારમાં કાર ચલાવી રહી હતી ત્યારે ન્યૂ સાઉથ વેલ્સ પોલીસના અધિકારીઓએ તેને ડ્રાઇવિંગ કરતી વખતે મોબાઇલ ફોનનો ઉપયોગ કરતા જોઇ હતી.
તેની કાર રોડની બાજુએ ઉભી રખાવી તપાસ કરતા મહિલાની કારમાં એક પુરુષ અને અન્ય ત્રણ બાળકો પણ બેઠા હતા અને તેમાંથી એક પણ પેસેન્જરે સીટ બેલ્ટ બાંધ્યો નહોતો.
મહિલાને પાંચ પેનલ્ટી નોટીસ મળી
ડ્રાઇવિંગ કરતી વખતે મોબાઇલ ફોન પર વાત કરવા બદલ અને અન્ય પેસેન્જર્સની સુરક્ષાનું ધ્યાન ન રાખવા બદલ મહિલાને પાંચ પેનલ્ટી નોટીસ મળી હતી.
પોલીસના જણાવ્યા પ્રમાણે, મહિલાને 1793 ઓસ્ટ્રેલિયન ડોલરનો દંડ અને 34 ડીમેરીટ પોઇન્ટ્સ પણ આપવામાં આવ્યા છે.
પોલીસે વધુમાં જણાવ્યું હતું કે, ક્રિસમસના સમયગાળા દરમિયાન “ઓપરેશન સેફ અરાઇવલ” ચાલી રહ્યું છે અને તે દરમિયાન એક ડઝનથી પણ વધારે ડ્રાઇવર્સ વિવિધ ટ્રાફીકના નિયમોનું ઉલ્લંઘન કરતા ઝડપાયા છે.
ટ્રાફીક અને હાઇવે પેટ્રોલ કમાન્ડના આસિસ્ટન્ટ કમિશ્નર માઇકલ કોર્બોયે જણાવ્યું હતું કે કડક ચકાસણી થઇ રહી હોય તેવા સમયમાં પણ ડ્રાઇવર્સ વિવિધ પ્રકારના ટ્રાફીકના નિયમોનું ઉલ્લંઘન કરે છે.
ઉલ્લેનીય છે કે ક્રિસમસના સમયગાળા દરમિયાન ન્યૂ સાઉથ વેલ્સ, ઓસ્ટ્રેલિયન કેપીટલ ટેરીટરી અને વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા રાજ્યોમાં ડબલ ડીમેરીટ પોઇન્ટ્સના નિયમો લાગૂ કરવામાં આવ્યા છે.
ક્રિસમસ વેકેશન દરમિયાન ટ્રાફીકના ઉલ્લંઘનના આંકડા
- મર્યાદા કરતા વધુ ઝડપ: 7439
- બ્રેથ ટેસ્ટ: 314852
- મોટી દુર્ઘટના: 559
- જાનહાનિ: 07
Share


