ઓસ્ટ્રેલિયન સુપરમાર્કેટમાં પ્રખ્યાત Woolworths એ પોતાના ગ્રાહકોને હવે ટોઇલેટ પેપર ખરીદવાની મર્યાદા નક્કી કરી છે.
હવે, દરેક ગ્રાહક ચાર ટોઇલેટ પેપરના પેકેટ ખરીદી શકશે.
ઉલ્લેખનીય છે કે કોરોનાવાઇરસના ભયના કારણે છેલ્લા બે દિવસમાં ગ્રાહકોએ મોટા પ્રમાણમાં ટોઇલેટ પેપરનો જથ્થો ખરીદી લીધો હતો અને સુપરમાર્કેટના કાઉન્ટર ખાલી થઇ ગયા હતા.
બુધવારે કંપનીએ જારી કરેલા નિવેદનમાં જણાવ્યું હતું કે, ગ્રાહકો પર વસ્તુ ખરીદવાની મર્યાદા મુકવામાં આવી છે જેથી તમામ લોકોને તેનો લાભ મળી શકે.
સોશિયલ મીડિયા પર છેલ્લા બે દિવસથી સુપરમાર્કેટના ખાલી પડેલા કાઉન્ટર્સનો ફોટો વાઇરલ થયો છે. ન્યૂ સાઉથ વેલ્સના આરોગ્ય મંત્રી બ્રેડ હેઝાર્ડે લોકોને ભયભીત નહીં થઇને વસ્તુઓનો સ્ટોક નહીં કરવા અંગે જણાવ્યું હતું.
કંપનીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે વસ્તુની ખરીદીની મર્યાદા નક્કી કર્યા બાદ અમારા કર્મચારીઓ સ્ટોર્સના કાઉન્ટર ભરી રહ્યા છે જેથી તમામ લોકને ખાદ્યસામગ્રી અને અન્ય જીવન જરૂરિયાતની વસ્તુઓ આસાનીથી મળી રહે.
વસ્તુની ખરીદીની મર્યાદા સમગ્ર ઓસ્ટ્રેલિયાના સ્ટોર્સ અને ઓનલાઇન ખરીદી પર લાદવામાં આવી છે.
અગાઉ મંગળવારે સિડની મોર્નિંગ હેરાલ્ડે જણાવ્યું હતું કે ઓસ્ટ્રેલિયાની સૌથી મોટી ટોઇલેટ પેપર ઉત્પાદક કંપની કિમ્બર્લી-ક્લાર્ક માંગને પહોંચી વળવા માટે 24 કલાક કાર્ય કરી રહી છે.
Woolworths અને Coles કંપનીએ મંગળવારે વડાપ્રધાન સ્કોટ મોરિસન સાથે વાત કરી હતી. વડાપ્રધાને લોકોને હતાહત નહીં થઇને સમજદારી દાખવવા માટે અપીલ કરી હતી.
ઓસ્ટ્રેલિયામાં હાલમાં કોરોનાવાઇરસના કેસનો આંકડા 40 સુધી પહોંચી ગયો છે.