ટ્વિટરના માધ્યમથી યુઝર્સ સારી રીતે પોતાના મંતવ્યો, વ્યુઝ આપવા ઉપરાંત એકબીજા સાથે યોગ્ય રીતે માહિતની આપ-લે કરી શકે તે માટે ટ્વિટરે પોતાની વેબસાઇટ પર ફેક અને લોક થઇ ગયેલા એકાઉન્ટ્સ ડિલીટ કરવાનું શરૂ કર્યું છે. જેના કારણે દુનિયાભરના વિવિધ ક્ષેત્રના સેલિબ્રેટિસના ફોલોએર્સની સંખ્યામાં ઘણો ઘટાડો નોંધાયો છે.
છેલ્લા કેટલાક સમયમાં ટ્વિટર પર ફેક એકાઉન્ટ્સનું પ્રમાણ ખૂબ જ વધી ગયું હતું. જેમાં વિશ્વના જાણિતા સેલિબ્રિટિસના ભળતા નામ ધરાવતા એકાઉન્ટ્સની સંખ્યા ખૂબ જ વધી ગઇ હતી. જેના કારણે ટ્વિટરે ખોટા તથા લોક થઇ ગયેલા એકાઉન્ટ્સ ડિલીટ કર્યા છે. ટ્વિટરે આ અંગે પોતાના એકાઉન્ટ્સ દ્વારા ટ્વિટ કરીને યુઝર્સને તેમના આ પગલાં અંગેની અગાઉથી જ માહિતી આપી દીધી હતી.
સેલિબ્રિટિસના ફોલોઅર્સમાં જંગી ઘટાડો
ટ્વિટર દ્વારા ફેક એકાઉન્ટ્સ બંધ કરવાના કારણે સૌથી વધુ ફટકો વિશ્વના જાણિતા સેલિબ્રિટિસને પડ્યો છે. પોપ સ્ટાર પેરીએ પોતાના લગભગ 2 મિલિયન યુઝર્સ ગુમાવ્યા છે. અગાઉ તેના 109.61 મિલિયન ફોલોઅર્સ હતા જ્યાર હવે તેના ફોલોઅર્સની સંખ્યા 107 મિલિયન થઇ ગઇ છે.
જસ્ટિન બિબરના ફોલોઅર્સની સંખ્યામાં 1.4 મિલિયનનો ઘટાડો નોંધાયો છે. ભૂતપૂર્વ અમેરિકન પ્રેસિડેન્ટ બરાક ઓબામા તથા સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ અનુક્રમે 2.1 મિલિયન અને 1.2 મિલિયન ફોલોઅર્સ ગુમાવ્યા છે.
ટ્વિટર પર સૌથી વધારે ફોલોઅર્સ ગુમાવનાર સેલિબ્રિટિસ
કેટી પેરી 2.1 મિલિયન
બરાક ઓબામા 2.1 મિલિયન
લેડી ગાગા 2 મિલિયન
જસ્ટિન બિબર 1.4 મિલિયન
ક્રિસ્ટિયાનો રોનાલ્ડો 1.2 મિલિયન
આ ઉપરાંત ટ્વિટરના ફાઉન્ડર જેક ડુરસેના ફોલોઅર્સમાં પણ લગભગ 2 લાખ જેટલો ઘટાડો થયો છે.
ભારતીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લગભગ 3 લાખ ફોલોઅર્સ ગુમાવ્યા
ટ્વિટરના ફેક એકાઉન્ટ્સ બંધ કરવાની પ્રક્રિયાના કારણે ભારતમાં પણ પ્રખ્યાત લોકોના ફોલોઅર્સના સંખ્યામાં જંગી ફેરફાર જોવા મળ્યો છે. ભારતીય પ્રધાનંમત્રી નરેન્દ્ર મોદીએ પણ લગભગ 3 લાખ ફોલોઅર્સ ગુમાવ્યા છે. અગાઉ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 43.4 મિલિયન ફોલોઅર્સ હતા અને હવે તેમના ફોલોઅર્સની સંખ્યા 43.1 મિલિયન જેટલી થઇ ગઇ છે. આ ઉપરાંત ભારતીય પ્રધાનમંત્રીના કાર્યાલયના ટ્વિટર એકાઉન્ટ્સમાં પણ 140,635 જેટલા ફોલોઅર્સ ઓછા થયા છે. કોંગ્રેસના પ્રેસિડેન્ટ રાહુલ ગાંધીના ફોલોઅર્સની સંખ્યા 17,503 જેટલી ઘટી છે.
બોલીવૂડ એક્ટર અમિતાભ બચ્ચનના ફોલોઅર્સની સંખ્યામાં પણ 4 લાખનો ઘટાડો થયો છે. અગાઉ પણ બોલૂવડના પ્રખ્યાત એક્ટર અમિતાભ બચ્ચનના ટ્વિટર ફોલોઅર્સની સંખ્યામાં ઘટાડો જોવા મળી ચૂક્યો છે અને આ અંગે તેમણે ટ્વિટ દ્વારા પોતાનો રોષ પણ વ્યક્ત કર્યો છે
ટ્વિટર ખોટા એકાઉન્ટ્સ પકડી શકે છે
જો કોઇ એકાઉન્ટમાં અચાનક જ ફોલોઅર્સની સંખ્યામાં, તેની ટ્વિટની સંખ્યામાં ફેરફાર, રિ-ટ્વિટ્સ કે ટ્વિટમાં કોઇ ખરાબ લિન્ક પોસ્ટ કરવામાં આવે તો તો તે ટ્વિટર તરત જ પકડી લે છે અને આ એકાઉન્ટ્સ લોક કરી દેવામાં આવે છે. કેટલીક વખત આ પ્રકારના એકાઉન્ટ્સ સાચા યુઝર દ્વારા જ ઓપન કરવામાં આવ્યા હોય છે પરંતુ તે એકાઉન્ટ તે યુઝર દ્વારા જ વાપરવામાં આવે છે કે કેમ તે નક્કી કરી શકાતું નથી.
ટ્વિટરનું આવકાર્ય પગલું
ખોટા એકાઉન્ટ ડીલીટ કરવાની પ્રક્રિયા અંગે ભારતના જાણિતા સાઇબર એક્સપર્ટ હિમાંશુ કિકાણીએ જણાવ્યું હતું કે, "છેલ્લા કેટલાક સમયમાં નકલી નામ સાથે નકલી એકાઉન્ટ ખોલવાનું પ્રમાણ વધ્યું હતું અને આ એકાઉન્ટ દ્વારા ખોટા તથા બિનપાયદાર સમાચાર ફેલાવવા લાગ્યા હતા."
"ટ્વિટરે આ માટે એકાઉન્ટ ધરાવનારી ઓળખ નક્કી કરવા માટે કેટલાક પ્રમાણ નક્કી કર્યા છે અને જો તે મુજબ યુઝર જવાબ ન આપે તો આ એકાઉન્ટ્સ ટ્વિટરે બ્લોક કરવાનું શરૂ કર્યું છે. જેના કારણે મોટા પ્રમાણમાં સેલિબ્રિટિસના એકાઉન્ટ્સના ફોલોઅર્સ ઘટી ગયા છે. જોકે ટ્વિટર દ્વારા આ એક આવકાર્ય પગલું કહી શકાય," તેમ હિમાશું કિકાણીએ જણાવ્યું હતું.
Share

