આજે નવા નવા ગાયકો આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ગુજરાતી ગીતોને લોકપ્રિય બનાવી રહ્યા છે
ચાર બંગડી વાળી ગાડી, રોણા શેર માં રે, હાથમાં છે વહીસ્કી અને આંખોમાં પાણી .. આ એ ગુજરાતી ગીતો છે જેમને યુટ્યુબ પર ખુબ સફળતા મળી છે. આ ગીતોને કરોડોની સંખ્યામાં વ્યૂઝ મળ્યા છે.
જાણીએ યુટ્યુબ પર ધૂમ મચાવનાર ટોપ 5 ગુજરાતી ગાયકો અને તેમના ગીતો વિષે.
કિંજલ દવે
કિંજલ દવે જણાવે છે કે તેમને સંગીત વારસામાં મળ્યું છે, તેમના પિતા ભજન અને ગરબાના કાર્યક્રમોમાં ગાતા અને આ કારણે જ તેઓ આ ક્ષેત્રે પ્રવેશ્યા. કિંજલ જણાવે છે કે ચાર બંગડી વાળી ગાડીના કારણે તેમને નવી ઓળખ મળી છે અને દેશ દુનિયાના ગુજરાતીઓ તેમને જાણતા થયા છે.
યુટ્યુબ પર તેમના જે ગીતો ખુબ સફળ થયા છે તે છે - ચાર બંગડી વાળી ગાડી જેને 13.9 કરોડ દર્શકોએ નિહાળ્યું છે, છોટે રાજા જેને - 10.5 કરોડ દર્શકો મળ્યા છે અને 5 કરોડ દર્શકો સાથે ત્રીજા ક્રમે છે લહેરી લાલા ગીત.
ગીતાબેન રબારી
ત્યારબાદ નવા ગાયક તરીકે ઉભરતું નામ છે- કચ્છના ભજનિક ગીતાબેન રબારીનું. રબારી - આહિરના પારંપરિક પહેરવેશમાં અને પોતાની આગવી શૈલીથી પ્રસિદ્ધ થનાર ગાયિકા ટૂંક સમયમાં ઓસ્ટ્રેલિયાની મુલાકાત પણ લેશે.
એક મુલાકાત દરમિયાન ગીતાબેને જણાવ્યું હતું કે તેઓ કચ્છ - સૌરાષ્ટ્રમાં ભજનના ઘણા કાર્યક્રમો કરી ચુક્યા છે, પણ 'રોણાં શેરમાં ' એક ગીતના કારણે તેઓને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મળી છે.
ગીતાબેનના સફળ ગીતોની વાત કરીએ તો - રોણા શેરમાં ગીતને ને 15.8 કરોડ દર્શકો, એકલો રબારી ને 2.9 કરોડ દર્શકો અને માં તારા આશીર્વાદને 4.9 કરોડ દર્શકોએ નિહાળ્યું છે.
ભજન - લોકગીતના ગાયિકા તરીકે દેશ વિદેશમાં પ્રસિદ્ધ થનાર ગીતાબેન ગ્રામીણ કચ્છની યુવતીઓ માટે આદર્શ સમાન છે.
જીજ્ઞેશ કવિરાજ
વિવિધ ગુજરાતી સંગીત આલ્બમ - ફિલ્મોમાં 200 થી વધુ ગીતો ગાઈ ગુજરાતભરમાં લોકપ્રિયતા મેળવનાર જીજ્ઞેશ કવિરાજની શૈલી અન્ય ગુજરાતી ગાયકો કરતા સહેજ અલગ છે. ઘણા લોકોનું માનવું છે કે તેઓની શૈલી હિન્દી ગાયક અલ્તાફ રાજા સાથે મળતી આવે છે.
તેઓને નાનપણથી જ ગાવાનો શોખ રહ્યો હતો અને આ કલાને પ્રોત્સાહન મળતાં તેઓ આ મુકામ સુધી પહોંચ્યા. ગુજરાતી લોકગાયક મણિરાજ બારોટને તેઓ પોતાના પ્રેરક માને છે.
તેમના આલ્બમ "બેવફા તને દૂરથી સલામ" ને ખુબ સફળતા મળી છે. આ આલ્બમના 'હાથમાં છે વીસ્કી ' ને દુનિયાભરના 7.3 કરોડ જેટલા દર્શકો મળ્યા છે.
પાર્થ ચૌધરી
પોતાના પ્રથમ ગીત સાથે જ ગાયક તરીકે લોકચાહના મેળવનાર યુવા પ્રતિભા છે, પાર્થ ચૌધરી. પાર્થ એન્જીનીયરીંગના વિદ્યાર્થી છે અને તેમની સફળતાનો શ્રેય ઈન્ટરનેટને - ડિજિટલ વર્લ્ડને આપે છે.
ઉત્તર ગુજરાતી લહેકો, સરળ ભાષા, ગ્રામ્ય અને શહેરી જીવનશૈલીની વાત અને યુવાન હ્ર્દયની લાગણીઓને 'મારુ ગામડાનું દિલ' ગીતમાં સરસ રીતે વર્ણવામાં આવી છે. આ ગીત સાડા ત્રણ કરોડ દર્શકો મેળવવાની ખુબ જ નજીક છે.
વિજય સુંવાળા
ઉત્તર ગુજરાતના નાનકડા ગામ સુંવાળાના વિજય ભાઈએ પોતાના ગામને ટ્રિબ્યુટ આપતા પોતાની અટક જ સુંવાળા કરી છે. પાર્થ ચૈધરીની માફક, વિજય સુંવાળા પણ એક નવોદિત કલાકાર છે. તેમનું આલ્બમ "જીગર જાન" યુવાવર્ગમાં લોકપ્રિય થયું છે. ખાસ કરીને તેનું ગીત - 'તારા પ્રત્યે માન છે . . .' યુવાવર્ગની દોસ્ત અને પ્રેમિકા વચ્ચેની મીઠી ખેંચતાણની અહીં વાત છે. આ આલ્બમને અત્યારસુધીમાં કરોડ થી વધુ લોકો નિહાળી ચુક્યા છે.
શું ખાસ વાત છે આ નવોદિતોનાં ગીતોમાં ?
વિષય વસ્તુ
જો પહેલાના ગુજરાતી ગીતો સાંભળીએ અને આ નવા ગીતો સાંભળીએ તો એક બદલાવ તરતજ ધ્યાન ખેંચે તે છે વિષય વસ્તુ.
પહેલાના ગુજરાતી ગીતો મોટાભાગે સીધી કે આડકરતરી રીતે ચૂડી - ચાંદલા અને ચૂંદડીની વાત કરતા જયારે નવા ગીતોમાં વિવિધ વિષયો આવરી લેવામાં આવ્યા છે.
ભાષા
ગુજરાતી ભાષાના ગીતો અને ગાયકો ગુજરાતના પ્રદેશોમાં વહેંચાયેલ હતા જેમકે, સૌરાષ્ટ્રની બોલી - લહેકો અને ગીતોની શૈલી ઉત્તર ગુજરાતના ગીતો કરતા તદ્દન અલગ અને આજ રીતે કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં ચાલતા ગીતોનો ટ્રેન્ડ પણ ખુબ અલગ હતો. આ ઉપરાંત ગ્રામ્ય અને શહેરી વર્ગની પસંદ પણ ખુબ અલગ રહી છે.
આ નવા ગીતોમાં વપરાયેલ ભાષા ખુબ જ સરળ અને સમગ્ર ગુજરાતના તમામ વર્ગને સમજાય તેવી સરળ રાખવાનો પ્રયાસ છે અને લહેકો પણ કોઈ ખાસ પ્રદેશનો ન હોય તેની ચીવટ રાખવામાં આવી છે.
પ્રેઝન્ટેશન
પહેલાના ગુજરાતી ગીતોના વિડીયો જોઈશું તો જણાશે કે એક ગીતમાં અમુક એક્સનો સાથે એક્ટર - એક્ટ્રેસ - સાથી વૃંદ નૃત્ય કરતુ દેખાશે અને જે- તે ગીત અને નૃત્ય વચ્ચે ખાસ તાલમેળનો અભાવ સ્પષ્ટ જણાશે. જયારે નવા ગીતોના વીડિયોમાં તેના પ્રેઝન્ટેશન પર પણ ખુબ ધ્યાન આપવામાં આવ્યું છે. સારા લોકેશન, ગીત, કોરિયોગ્રાફી અને વર્તમાન સમયના સમુદાય સાથે જોડી શકાય તેવી પ્રસ્તુતિ વગેરે મુખ્ય કારણો છે નવા ગીતોની સફળતાનાં.
જુના ગુજરાતી ગીતો Vs. નવા ગુજરાતી ગીતો
ગુજરાતી ફિલ્મ ફેટર્નીટીના જનરલ સેક્રેટરી અભિલાષભાઈ ઘોડા જણાવે છે કે, તેઓ ખુશ છે કે નવા ગાયકો - નવા વિષયો સાથે ગુજરાતી ગીતોની ઓળખ બદલી રહ્યા છે. પણ, આ સાથે તેઓ કેટલીક જરૂરી ટિપ્પણી કરતા જણાવે છે કે આ ગીતોની ડિજિટલ પ્લેટફોર્મ પરની સફળતા માટે જે કારણો જવાબદાર છે તેમાં મુખ્ય કારણ જે - તે કંપની, જેઓએ ડિજિટલ દુનિયામાં તેને પ્રમોટ કર્યા. બીજી મહત્વની નોંધવા જેવી વાત એ છે કે જુના ગીતો ગુજરાતી સભ્યતા અને સંસ્કૃતિ સાથે જોડાયેલા હતા. ગુજરાતી ગીતોનો વૈભવ હતો કે ઘણા ગુજરાતી ગીતો પરથી પ્રેરણા લઈને હિન્દી ગીતો પણ બન્યા છે.
" ...ક્યાંક ને ક્યાંક એવા ગીતો લોકો સુધી પહોંચ્યા કે જેને સંસ્કૃતિ સાથે લેવા દેવા નથી. એવા ગીતો પબ્લિકે વધુ સ્વીકાર્યા. ઓરીજીનલ ગુજરાતી મ્યુઝિક છે એટલેકે અવિનાશ વ્યાસ કે ઝવેરચંદ મેઘાણી રચિત ગીતો હતા એ ગીતો હજી પણ એટલાજ લોકપ્રિય છે - પણ એક ચોક્કસ પેઢીમાં છે."
તેઓએ ઉમેર્યું કે નવા ગીતોની શબ્દ રચના પાછળ પણ ખાસ મહેનત નથી દેખાતી જે પહેલાના ગીતોમાં હતી, પણ લોકોને જે ગમ્યું અને જે નવો ટ્રેન્ડ આવ્યો છે તેને તેઓ માન આપે છે.
" અત્યારના સમય પ્રમાણે લોકોને નાચવું છે, સાંભળવું નથી. આજના ગીતોમાંનું એક ગીત કોઈને ગાવાનું કહીએ તો નહિ આવડતું હોય .."
Share

