17મી માર્ચથી ઓસ્ટ્રેલિયાના 6 મિલિયન રહેવાસીઓ તેમની COVID-19 રસીના પ્રથમ ડોઝ માટે ઓનલાઇન બુકિંગ કરાવી શકશે.
કોઇ પણ વ્યક્તિ કે જે કેન્દ્રીય સરકારના રસીકરણ કાર્યક્રમમાં B ** માં આવે છે તેઓ આ આયોજન હેઠળ એપોઇન્ટમેન્ટ બુક કરાવવા માટે લાયક છે.
જોકે, દેશના આરોગ્ય મંત્રી ગ્રેગ હંટે જણાવ્યું હતું કે, લાયક હોય એ તમામ 6 મિલિયન લોકોને તાત્કાલિક ધોરણે રસી અપાશે નહીં.
ટેક્નીકલ મુશ્કેલીના કારણે બુકિંગ ન થયું
કેન્દ્રીય સરકારે બુધવાર 17મી માર્ચથી રસીના બુકિંગ માટેની સુવિધા શરૂ કરી છે. પરંતુ, અમુક ટેક્નિકલ કારણોસર બુકિંગ થઇ શક્યું નહોતું.
મળતી માહિતી પ્રમાણે, ડીપાર્ટમેન્ટ ઓફ હેલ્થ દ્વારા Vaccine Eligibility Checker શરૂ કરવામાં આવ્યું છે.
જેના દ્વારા Phase 1B હેઠળ આવતા દેશના રહેવાસીઓ તેમના નજીકના GP સાથે રસી માટે બુકિંગ કરાવી શકે છે.
ઉલ્લેખનીય છે કે Phase 1B રસીકરણ કાર્યક્રમનો બીજો તબક્કો છે, હાલમાં Phase 1A અંતર્ગત રહેવાસીઓને રસી અપાઇ રહી છે.
બુધવારે સવારે કેટલાક વપરાશકર્તાઓએ ટેક્નિકલ ખામી ધરાવતો મેસેજ મેળવ્યો હોવાની જાણકારી આપી હતી.
તે સમસ્યાનો હલ આવી ગયો છે પરંતુ GP સાથે બુકિંગ કરાવવામાં હજીપણ મુશ્કેલી પડતી હોવાનું જાણવા મળ્યું છે.
SBS News દ્વારા મેલ્બર્નમાં કેટલાક GP નો સંપર્ક કરવામાં આવ્યો હતો. તેઓ પણ એપોઇન્ટમેન્ટ બુક કરી શકતા નહોતા.
આરોગ્ય મંત્રી ગ્રેગ હંટે જણાવ્યું હતું કે, તેમના આ સમસ્યા વિશે કોઇ જાણકારી નથી.
1000થી વધારે દવાખાના અભિયાનમાં જોડાશે
દેશના લગભગ 1000થી પણ વધારે દવાખાના એસ્ટ્રાઝેનેકાની રસીના વિતરણ કાર્યક્રમમાં સામેલ થશે.
કાર્યક્રમ જ્યારે સંપૂર્ણ રીતે ઝડપ પકડશે ત્યારે આ આંકડો 4000 દવાખાના સુધી પહોંચી જશે.
સરકારે હાલમાં ઓનલાઇન એપોઇન્ટમેન્ટ માટે દવાખાનાની માહિતી ઉપલબ્ધ કરાવી છે. સરકારે કોઇ વ્યક્તિ હાલના તબક્કા માટે લાયક છે કે કેમ તે જાણવા માટે એક ઓલનાઇન ટુલ પણ વિકસાવ્યું છે.
ઉલ્લેખનીય છે કે એસ્ટ્રાઝેનેકાની રસીના ઉપયોગ સામે કેટલાક પ્રશ્નો ઉભા થયા હતા પરંતુ ચીફ મેડિકલ ઓફિસર અને થેરાપ્યુટીક ગુડ્સ એડમિનિસ્ટ્રેશને એસ્ટ્રાઝેનેકાની રસી સુરક્ષિત હોવાનું જણાવ્યું છે.
પ્રશ્નોના જવાબ આપીને તમે લાયકાત તપાસી શકાય છે. તથા તમારા માતા-પિતાની રસી માટે નજીકના GP પાસે એપોઇન્ટ્મેન્ટ લઇ શકો છો.