નલિની જોશીનું બાળપણ હાલના મ્યાનમારમાં આદર્શ રીતે વીત્યું હતું. વર્ષ 1960માં મ્યાનમાર બર્મા તરીકે ઓળખાતું હતું. નલિની જોશીનો પરિવાર ત્યાંના બહુમતી સમુદાયમાંનો ન હોવાથી તેઓને હંમેશા તેઓ અલગ છે તેવું અનુભવાતું.
તેણીના પિતાને આર્મીમાં ભરતી કરવામાં આવ્યા હતા અને તેમની બદલી દેશના પશ્ચિમ ભાગમાં દૂર કરવામાં આવી હતી. તેઓને તેમની તબીબી પ્રેક્ટિસ કરવાથી રોકવામાં આવ્યા હતા. આથી તેમની ઈચ્છા હતી કે તેમના બાળકોને સારું શિક્ષણ મળે અને કોઈપણ પ્રકારના વિઘ્નો તેમને ન નડે.

વર્ષ 1971માં નલિની જોશીનો પરિવાર ઓસ્ટ્રેલિયા સ્થાનાંતરિત થયો. તેઓ પોતાનો પ્રથમ દિવસ યાદ કરતા જણાવે છે કે," મને યાદ છે અમે આધુનિક, ખુબ સ્વચ્છ, ખુબ સુંદર રીતે બનાવેલા મકાનમાં ઉતર્યા હતા. ત્યાં કામ કરનાર બધા જ લોકો ગોરા, ઊંચા અને દેખાવડા હતા, ફૂલી સમાન ખસેડતા હતા - તેઓ પણ ગોરા પુરુષો હતા.. આ મારા માટે આશ્ચર્યજનક હતું કેમકે બર્મામાં ઊંચા ગોરા પુરુષો મલિક હતા."
શાળાના અભ્યાસમાં નલિની જોશીનું પ્રદર્શન ઉત્તમ રહ્યું હતું. તેમને વાંચવાનો ખુબ શોખ હતો. વિજ્ઞાનની ચોપડીઓ વાંચતા તેમને એસ્ટ્રોફિઝિક્સમાં રસ જાગ્યો.
"મને યાદ છે કે જ્યારેમેં મારા કારકિર્દી કાઉન્સેલરને જણાવ્યું કે મારે એસ્ટ્રોનોટ બનવું છે, તો તેઓએ કહ્યું કે ' તમારે વાસ્તવિક બનવું જોઈએ' અને જયારે હું વિશ્વવિદ્યાલયમાં અભ્યાસ માટે ગઈ ત્યારે મેં જાણ્યું કે ગણિતના માધ્યમથી હું એસ્ટ્રોનોમી કરી શકીશ અને આમ હું ગણિતશાસ્ત્રી બની."
ત્યારબાદ નલિની જોશીના વિશ્વનું કેન્દ્રબિંદુ ગણિત બન્યું અને તેઓ કહે છે કે ગણિત જ એક માત્ર ભાષા છે જેની મદદથી આપણે તુલના,વિશ્લેષણ કરી શકીએ છીએ , તથ્યોને ચકાસી શકીએ છીએ.
ઓસ્ટ્રેલિયામાં વિવિધ એકેડેમિક સ્થાનો પર સેવા આપ્યા બાદ, નલિની જોશી ઓસ્ટ્રેલિયાના ગણિત અને વિજ્ઞાન વિષયના પ્રથમ મહિલા અધ્યક્ષ છે. તેઓ સિડની યુનિવર્સીટીની સ્કૂલ ઓફ મેથ્સ અને સ્ટેટેસ્ટિકસ ખાતે પ્રોફેસર છે.
તેઓ વિજ્ઞાન ક્ષેત્રે જાતીય સમાનતાના હિમાયતી છે અને આ ક્ષેત્રે કાર્ય કરવા તેઓને ધગશ છે.
નલિની જોશીને આશા છે કે તેમની જીવન સફર અન્યો માટે પ્રેરણાદાયી નીવડશે.
Share

