ભારતીય ઇતિહાસની વીર મહિલા પ્રતિભાઓના યોગદાનથી પ્રેરિત થઇ આ પ્રોજેક્ટને 'વીરાંગના પ્રોજેક્ટ' નામ આપવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટનો ઉદ્દેશ ભારતીય મહિલા ઉદ્યોગ સાહસિકોને તેમના સ્ટાર્ટઅપ શરુ કરવામાં મદદરૂપ થવાનો છે. આ એક નોટ ફોર પ્રોફિટ પ્રોજેક્ટ છે, જેને ઓસ્ટ્રેલિયા ઇન્ડિયા બિઝનેસ કાઉન્સિલ દ્વારા સપોર્ટ કરવામાં આવ્યો છે.
મહિલા ઉદ્યોગ સાહસિકોને કેન્દ્રમાં રાખી આ પ્રોજેક્ટ દ્વારા ભારત અને ઓસ્ટ્રેલિયાના સ્ટાર્ટઅપ સમુદાયને જોડવાનો એક પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
કોઈપણ ક્ષેત્રે પોતાનો વ્યવસાય - ઉદ્યોગ ધરાવતી મહિલા આ પ્રોજેક્ટ સાથે જોડાઈ શકે છે, પણ ખાસ ધ્યાન હાઈટેક, ફાઇનટેક અને સામાજિક ઉદ્યમો પર કેન્દ્રિત કરવામાં આવ્યું છે.
વીરાંગના પ્રોજેક્ટના સલાહકાર સમિતિના પ્રમુખ, અનમોલ સૈનીનું કહેવું છે કે આ પ્રોજેક્ટ દ્વારા કેટલીક ભારતીય ઉદ્યોગ સાહસિક મહિલાઓના નવીન વિચારો અને ઉદ્યમશીલતાને ઉજાગર કરવાનો પ્રયત્ન કરવામાં આવશે. વિશ્વમાં સૌથી ઓછી મહિલા ઉદ્યોગ સાહસિકો ભારતમાં છે, અહીંની ઉદ્યોગ શરુ કરવા ઇચ્છતી મહિલાઓને આ કાર્યક્રમ મારફતે આંતરરાષ્ટ્રીય નિવેશકો સાથે સંપર્ક કરાવવામાં આવશે.
આ કાર્યક્રમની રૂપરેખા સમજાવતા શ્રી સૈનીએ જણાવ્યું કે, કુલ અરજીઓમાંથી 12 શ્રેષ્ઠ ભારતીય મહિલા ઉદ્યમી મહિલાઓની પસંદગી કરવામાં આવશે, આ મહિલાઓને તેમના કૌશલને વિકસાવવા અને આંતરરાષ્ટ્રીય સ્તરે વ્યાપાર માટે જરૂરી નવા કૌશલ શીખવાડવા મેન્ટર આપવામાં આવશે. આ મેન્ટર ઓસ્ટ્રેલિયન ઉદ્યોગ જગતની નામી વ્યક્તિઓમાંની વ્યક્તિ હશે. ત્યારબાદ આ મહિલા ઉદ્યમીઓને ઓક્ટોબર મહિનામાં ભારતીય થીમ આધારિત ‘Pitch-Fests’ કાર્યક્રમમાં ભાગ લેવા ઓસ્ટ્રેલિયા લાવવામાં આવશે. ‘Pitch-Fests’ દરમિયાન તેઓ પોતાના બિઝનેસ આઈડિયા ઓસ્ટ્રેલિયન નિવેશકો સમક્ષ રજુ કરી શકશે. અહીં તેઓને વિશ્વની અગ્રીમ સંસ્થો તરફથી આર્થિક રીતે, ભાગીદારી માટે કે અન્ય કોઈપણ રીતે મદદ મળી શકે છે.
સિડની ખાતે સ્ટાર્ટઅપ, ઇનોવેશન અને એન્ટરપ્રેન્યોરશિપ માટે જાણીતા સ્પાર્ક ફેસ્ટિવલમાં વીરાંગના પ્રોજેક્ટ દ્વારા પ્રથમ વખત ‘Bollywood-themed’ પીચ કરવાની ગોઠવણ કરવામાં આવી છે.
વીરાંગના પ્રોજેક્ટના સહસ્થાપક અને મુખ્યકાર્યકારી અધિકારી છે શાલિની ચૌહાણ શાહ. શાલિની મહિલા અને માનવાધિકાર ક્ષેત્રે વકીલ છે. તેઓએ ભારતીય મહિલાઓને ઉદ્યમ શરુ કરતા નડતી આર્થિક અને સાંસ્કૃતિક મુશ્કેલીઓ માટે કશુંક કરવાના વિચાર સાથે આ પ્રોજેક્ટની શરૂઆત કરી. તેઓએ The CEO મેગેઝીનને જણાવ્યું કે, " ભારતમાં ઐતિહાસિક, સામાજિક સમસ્યાઓના કારણે મોટાભાગે પુરુષોના વર્ચસ્વવાળા સ્ટાર્ટઅપ વધુ ધ્યાનમાં આવે છે, મહિલા ઉદ્યમીઓને આર્થિક દ્રષ્ટિએ યોગ્ય પ્રતિનિધિત્વ નથી મળતું અને નિવેશક મેળવવામાં તેમને ભેદભાવનો સામનો કરવો પડે છે. "
વીરાંગના પ્રોજેક્ટ દ્વારા જારી કરવામાં આવેલ મીડિયા અહેવાલમાં કમ્યુનિકેશન ડિરેક્ટર શ્રી ટોની મેકઅસલાન જણાવે છે કે આ પહેલ બંને દેશો માટે લાભદાયી સાબિત થશે, નિવેશકો માટે આ પ્રોજેક્ટ દ્વારા એક સકારાત્મક તક અને વાતાવરણ ઉભું કરવામાં આવશે. તેઓએ જણાવ્યું કે, "ઓસ્ટ્રેલિયન સ્ટાર્ટઅપ કરતા ભારતીય સ્ટાર્ટઅપમાં કરેલ A$100,000 નું નિવેશ વધુ અસરકારક છે,"
જો આપનું સ્ટાર્ટઅપ ભારતમાં શરુ કરવામાં આવે તો આપને, 1.2 અરબ કરતા વધુ ગ્રાહકોનું બજાર મળશે અને ઓસ્ટ્રેલિયાની વસ્તી કરતા દસ ગણો મોટો સમૃદ્ધ માધ્યમ વર્ગ પણ મળશે.
વીરાંગના પ્રોજેક્ટ દ્વારા ભારતની અગ્રણી સ્ટાર્ટઅપ સંસ્થાઓ સાથે કરાર કરવામાં આવ્યા છે. આ સંસ્થાઓ સાથે કુલ 2000 થી વધુ સ્ટાર્ટઅપ્સ જોડાયેલ છે. આ સંસ્થાનો વીરાંગના પ્રોજેક્ટ અને સંભવિત મહિલા આવેદકોને એકબીજા સાથે જોડવામાં મદદરૂપ થશે.
કેટલીક યાદ રાખવા જેવી બાબતો
SBS Gujarati સાથે વાત કરતા શ્રી અનમોલ સૈનીએ જણાવ્યું કે કોઈપણ ક્ષેત્રમાં વ્યાપાર કરતી મહિલા ઉદ્યમી આ પ્રોજેક્ટમાં અરજી કરી શકે છે. પણ, આ વ્યાપાર કે ઉદ્યોગ ભારત સરકારના ધારા ધોરણ અનુસાર હોવો જોઈએ.
"મને લાગે છે કે દરેકે એ સમજવું જોઈએ કે અમે ઉદ્યોગના પ્રકાર કે તેની સાઈઝ અંગે સંકુચિત નથી. આ પ્રોજેક્ટમાં વ્યાપાર ક્યા ક્ષેત્ર સાથે સંબંધિત છે તે મહત્વનું નથી, અમે મહિલા ઉદ્યમીઓને પ્રોત્સાહિત કરવા ઇચ્છીએ છીએ કે તેઓ અરજી કરે..... ખાસ કરીને જે મહિલાઓ હાઈટેક, ફાઇનટેક કે સામાજિક ઉદ્યમ ક્ષેત્રે કાર્યરત હોય. "
મહિલા ઉદ્યમીઓને ઓસ્ટ્રેલિયા આવવા - જવા, રહેવા અને ભોજનનો ખર્ચ આ પ્રોજેક્ટ દ્વારા ઉપાડવામાં આવશે. પસંદ થયેલ મહિલા ઉદ્યમીઓએ પોતાના ઓસ્ટ્રેલિયા આવવાના વિસાની વ્યવસ્થા કરવાની રહેશે.
આ પ્રોજેક્ટ સાથે જોડાવા અરજી કરવાની અંતિમ તારીખ 31 જુલાઈ 2018 છે.
વિજેતાઓના નામો ઓગસ્ટ મહિનામાં ઓસ્ટ્રેલિયા ઇન્ડિયા બિઝનેસ કાઉન્સિલ અને સીટી ઓફ સિડનીના સંયુક્ત ઉપક્રમે આયોજિત કાર્યક્રમમાં જાહેર કરવામાં આવશે.
આ પ્રોજેક્ટ અંગે વિગતે માહિતી મેળવવા કે અરજી કરવા અંગેની વિગતો જાણવા મુલાકાત લ્યો - the Virangana project





