કચ્છ, ભારતના પશ્ચિમ છેવાડે આવેલો એક એવો પ્રદેશ જ્યાંની સૂકી ધરતી પર વસતી વિવિધ જાતિ - કોમની મહિલાઓ પોતાના ભરતગૂંથણ - કલા કારીગરી સાથે આશાના રંગો ગૂંથે છે, વહેંચે છે. કેટલીય મુશ્કેલી કે પરિસ્થિતિને પાર કરીને કચ્છની કારીગર બહેનો દેશ- દુનિયામાં ફેશન - ડિઝાઇનિંગ ક્ષેત્રે સફળતા મેળવી રહી છે.
તો આજે વાત એક એવી સફળ મહિલા ઉદ્યોગસાહસિકની કે જેમને જેટલી દાદ આપીએ તેટલી ઓછી. તેમની કલાના જોરે આજે તેમણે દેશ વિદેશમાં ખ્યાતિ મેળવી છે. કચ્છના નાનકડા ગામમાં વસતા આ મહિલા કારીગર પાસે ન તો કોઈ ડીગ્રી છે, કે નથી કોઈ મોટા શહેરની કેળવણી -એક્સપોઝર. આમ છતાં, આજે તેમણે બનાવેલી પ્રોડક્ટ્સથી તેમની દુનિયાભરમાં એક આગવી ઓળખ બની છે.
આ મહિલા ઉદ્યમકાર છે પાબીબેન રબારી. જેમની બ્રાન્ડ પાબીબેન.કૉમ આજે દેશ-વિદેશમાં ખ્યાતિ મેળવી રહી છે, એટલુંજ નહિ, પણ આ વેબસાઈટના માધ્યમથી મહિલાઓને આત્મનિર્ભર બનાવવા, તેમની પોતાનાકામનું યોગ્ય મહેનતાણું મળે તે માટે પણ પ્રયત્નશીલ છે.
પાબીબેન કચ્છની ઢેબરિયા રબારી કોમના છે. કચ્છના નાનકડા ગામમાં ઘણા સંધર્ષો સાથે પાબીબેનનું બાળપણ વીત્યું. પાંચ વર્ષની વયે પિતાનું મૃત્યુ થયું, માતાને મજૂરીકામમાં મદદ કરતા અને આર્થિક તંગીના કારણે તેઓ માત્ર ચાર ધોરણ ભણી શક્યા. પણ, જેમ સંગીતને કોઈ સીમાળા નથી નડતા તેવી જ રીતે પાબીબેનની કલા ને પણ કોઈ સીમાડા નથી નડતા. તેઓ તેમની કલાકારીગરીના માધ્યમથી વિદેશી લોકો સાથે સરળતાથી વાતચીત કરી શકે છે અને બિઝનેસ પણ!

ઢેબરિયા રબારી સમાજમાં દહેજ માટે ભારતગૂંથનની ચીજ - વસ્તુઓ - ઘરશણગાર- કપડાં વગેરે તૈયાર કરવાની પ્રથા હતી. કોઈપણ છોકરી આ બધું જ તૈયાર ન કરે ત્યાં સુધી તેને સાસરે વળાવવામાં ન આવતી. રબારી સમાજના આગેવાનોએ વર્ષ 1990ના દાયકામાં આ પ્રથા બંધ કરી - ભરતકામ પર પ્રતિબંધ મૂકી દીધો. રબારી સમાજની મહિલાઓ આ નિર્ણયથી ખુશ થવાને બદલે નાખુશ હતી - કેમકે ભરતગૂંથણની વસ્તુઓ સોના - ચાંદીના દાગીનાને ટક્કર માટે તેટલી સુંદર બનતી, અને ભારતનો શણગાર કોઈપણ મહિલાને આર્થિક રીતે પોસાય તેમ હતો.
આથી, પોતાની ભરતકામની પરંપરા સંપૂર્ણપણે બંધ ન થઇ જાય અને પોતાનાઓ શણગાર પણ ટકી રહે તે માટે રબારી મહિલાઓએ વિવિધ લેસનો ઉપયોગ કરી પોતાના કપડાં બનાવવાનું શરૂ કર્યું. જે કળા 'હરી જરી' તરીકે ઓળખાવા લાગી. આજ સમય હતો, કે જ્યારે પાબીબેને 'હરી જરી'નો ઉપયોગ કરી પોતાના માટે બેગ બનાવી. જોકે તેમણે બનાવેલી બેગ પાબીબેન ખુદને જ આકર્ષક ન લાગી. ત્યારે પાબીબેન ખુદ માર્કેટમાં ગયા અને વિવિધ લેસ અને જરી ખરીદીને એક નવી બેગ તૈયાર કરી. જેને પાબીબેગ નામ આપ્યું.

પાબીબેન જણાવે છે કે તેમની આગવી ઓળખ ઉભી થઇ, તે પાછળ તેમના પતિનો ખુબ સાથ અને સહકાર રહ્યો છે. "મારા પતિએ મને એક દિવસ કહ્યું કે ક્યાં સુધી તમે બીજા માટે કામ કરશો? બીજા માટે કામ કરો છો ત્યારે નથી તમારી ઓળખ થતી કે નથી તમારા કામને જરૂરી પ્રસિદ્ધિ મળતી."
આ વાત પાબીબેનને ખુબ ગમી અને પોતના ગામની અન્ય કારીગર મહિલાઓ સાથે તેઓએ પોતાનો ઉદ્યોગ 3-4 બેગની વેરાઈટી સાથે શરુ કર્યો. પાબીબેન તે વખતે પણ મૂંઝવણમાં તો હતાં જ કે લોકોને આ બેગ ગમશે કે નહીં - પણ તેમને ઘેર આવેલા વિદેશી મહેમાનોને આ બેગ પસંદ પડી અને વર્ષ 2003થી પાબીબેગ્સ પ્રચલિત બની.
પાબીબેન જણાવે છે કે તેઓ સૌપ્રથમ વખત અમદાવાદ ખાતે આયોજિત એક પ્રદર્શનમાં ભાગ લેવા ગયા અને ત્યાં જાણ્યું કે દેશ - દુનિયા સાથે જોડાવા માટે વેબસાઈટ હોવી જરૂરી છે. અહીંથી શરૂઆત થઇ પાબીબેન.કોમની. ગામની એક એવી મહીલા, જે ભણી નથી, તેણે ટેકનોલોજીનો ઉપયોગ કરી સમાજનું એક આગવું ઉદાહરણ બની.
" મારા પતિએ મને એક દિવસ કહ્યું કે ક્યાં સુધી તમે બીજા માટે કામ કરશો? બીજા માટે કામ કરો છો ત્યારે નથી તમારી ઓળખ થતી કે નથી તમારા કામને જરૂરી પ્રસિદ્ધિ મળતી."
આજે પાબીબેની કારીગરીના વિશ્વભરમાં ચાહકો છે, પાબીબેન પાસે બેગ્સની 70 જેટલી વેરાઈટી છે. આ ઉપરાંત તેઓ ફાઇલ્સ, ટોયલેટ કીટ્સ, ગોદડી, કુશન કવર, ચણીયા ચોળી જેવી વિવિધ પ્રોડક્ટ્સ બનાવે છે. પાબીબેન સાથે 60 જેટલી અન્ય કારીગર બહેનો જોડાયેલી છે અને 25 જેટલા ડિઝાઈનરો.

પાબીબેન પોતે તો એક સફળ ઉદ્યોગસાહસિક બન્યાં છે. તેમની કલાની કદર આજે દેશ-દુનિયાએ કરી છે. પણ પાબીબેન માત્ર પોતાની સફળતાથી જ ખુશ થવામાં નથી માનતા. તે આજે અન્ય કારીગરોને પૂરતું વેતન મળી રહે તે માટે ઘણાં પ્રયાસો કરે છે. તેમણે કારીગરોને એક મંચ પર ભેગા લાવવાનું પણ નક્કી કર્યું છે. અને આ કારીગરો જ પોતાની વસ્તુના ભાવ નક્કી કરે છે. સાથે જ મહિલા કારીગરો તેમના આ સાહસમાંથી પ્રેરણા લે તે માટે પ્રયત્નશીલ રહે છે.
પાબીબેને બનાવેલી પ્રોડક્ટ્સ બોલિવૂડ તેમજ હોલિવૂડ મૂવીઝમાં દર્શાવાય છે. હોલિવૂડની ફિલ્મ 'ધ અધર એન્ડ ઓફ લાઈન'માં એક્ટ્રેસને પાબીબેનની બેગ્સ સાથે જ બતાવવામાં આવી. તો હાલમાંજ રજુ થશે હિન્દી ફિલ્મ "સુઈ ધાગા" ના પ્રમોશન માટે પાબીબેનની સંઘર્ષકથા પર એક શોર્ટ ફિલ્મ બનાવવામાં આવી છે.
પોતાની આ બેનમૂન કલા માટે પાબીબેન અત્યાર સુધી ઘણાં એવોર્ડ્સ મેળવી ચૂક્યા છે. જેમાં ગ્રામિણ ક્ષેત્રમાં ઉત્કૃષ્ઠ પ્રદાન કરવા બદલ માટે જાનકીદેવી બજાજ પુરસ્કાર અને ગ્રામિણ ક્ષેત્રે ડિજીટલ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને મહિલા-પુરૂષ વચ્ચેની ભેદ રેખા દૂર કરવા માટે પ્રેરણા એવોર્ડ ખાસ છે.
Aspiring mompreneur Prathiti Shah

Aspiring mompreneur Prathiti Shah





