સોફિયા ચીયા પશ્ચિમ સિડનીમાં એન્ગકોર ફ્લાવર્સ એન્ડ ક્રાફ્ટસ દુકાન દ્વારા ઓનલાઇન ફ્લાવર વેચવાનો વેપાર કરે છે. આ એક સોશિયલ એન્ટરપ્રાઇસ છે જે તેમણે સપ્ટેમ્બર 2014માં શરૂ કરી હતી. આ વેપાર દ્વારા તેઓ માઇગ્રન્ટ્સ અને રેફ્યુજી મહિલાઓને આ વેપારને લગતી જરૂરી સ્કીલ્સ શીખવે છે. આ ઉપરાંત તેઓ તેમની અંગ્રેજી બોલવાની ક્ષમતામાં પણ સુધારો થાય તેમાં પણ મદદ કરે છે.
ચીયાના જણાવ્યા પ્રમાણે, આ પ્રોગ્રામ દ્વારા દેશમાં નવા સ્થાયી થતા લોકોને અહીંના નોકરી – ધંધામાં કેવી રીતે કાર્ય કરવું તેની સમજ મળે છે.
મને લાગે છે કે ઓસ્ટ્રેલિયા આવતા ઘણા માઇગ્રન્ટ્સ અને રેફ્યુજીઓ પાસે ઓછી સ્કીલ્સ અને અંગ્રેજી બોલવાની મર્યાદિત ક્ષમતા હોય છે. તેથી જ તેમને એક સહારાની જરૂર હોય છે. તેથી જ હું અહીં ફૂલો ગોઠવાના કાર્યો દ્વારા તેમનું મન હળવું કરી તેમના ભવિષ્ય વિશે વિચારવાની તક પૂરી પાડું છું. ભલે તેમની પાસે અંગ્રેજીની મર્યાદિત ક્ષમતા હોય, ભલે તેમની પાસે ઓછી સ્કીલ્સ હોય. તેઓ અહીં ઉત્તમ રીતે કાર્યો કરી શકે છે. તેથી જ, કોઇ પણ કાર્ય કરતા અગાઉ આત્મવિશ્વાસ કેળવવો જરૂરી છે.
ચીયાએ વધુમાં જણાવ્યું હતું કે તેમના પોતાના અનુભવે જ તેમને નાનો વેપાર શરૂ કરી વિવિધ લોકોના સમાવેશ માટે પ્રોત્સાહિત કર્યા હતા.
તેમણે જણાવ્યું હતું કે માઇગ્રન્ટ્સ તરીકે જ્યારે હું અહીં ઓસ્ટ્રેલિયા આવી ત્યારે મને ફૂડ ઓર્ડર આપવામાં પણ તકલીફ પડતી હતી. આ ઉપરાંત, મોટાભાગનો સમય મને એમ લાગતું હતું કે મારામાં આત્મવિશ્વાસનો અભાવ છે અને હું કંઇ પણ કાર્ય કરવા માટે સક્ષમ નથી. અહીં કાર્ય કરતી મહિલાઓ યોગ્ય માર્ગદર્શન દ્વારા આત્મવિશ્વાસ કેળવી રહી છે.
અગાઉ કરવામાં આવેલા અભ્યાસ પ્રમાણે કાર્યસ્થળ પર કરવામાં આવતા સમાવેશમાં વધારો થયો છે પરંતુ હજી પણ આ દિશામાં યોગ્ય પગલા લઇ શકાય તેવી તક રહેલી છે.
વિકલાંગતા ધરાવતા લોકોનો સામાન્ય લોકોની સરખામણીમાં વર્કફોર્સમાં કરવામાં આવતો સમાવેશ 30 ટકા જેટલો ઓછો છે. જાતિ આધારિત કરવામાં આવતા વેતનમાં લગભગ 15 ટકા જેટલું અંતર જોવા મળે છે. આ ઉપરાંત, 2007થી 2017 સુધીમાં જાતિવાદના પ્રમાણમાં પણ વધારો થયો છે.
ડેલોઇટ એક્સેસ ઇકોનોમિક્સ દ્વારા કરવામાં આવેલા અભ્યાસના ઓથર જ્હોન ઓમાહનીએ જણાવ્યું હતું કે, વિવિધ લોકોના સમાવેશ દ્વારા જ જાતિવાદના દૂષણ સામે લડી શકાય છે.
વિવિધ સમાજના લોકોના વર્કફોર્સમાં સમાવેશ દ્વારા તેમનો વિકાસ કરી શકાય છે. તેઓ આરોગ્યની સુવિધા, શિક્ષણની સુવિધા મેળવવા ઉપરાંત કમ્યુનિટીના વિવિધ કાર્યોમાં પોતાનો ફાળો પણ આપી શકે છે. તેમની પાસે જો શિક્ષણ હશે તો તેઓ નોકરી મેળવી શકશે અને જેના કારણે તેઓ અન્ય ક્ષેત્રોમાં પણ પોતાનો ફાળો આપી શકશે.
SBS ના મેનેજીંગ ડાયરેક્ટર જેમ્સ ટેલરના જણાવ્યા પ્રમાણે રીપોર્ટનું તારણ કહે છે કે જો વિવિધ ગ્રૂપનો સમાવેશ કરવામાં આવશે તો ફક્ત લોકોનો જ ઉદ્ધાર નહીં થાય, પરંતુ આર્થિક ક્ષેત્રની દિશામાં પણ વિવિધ તકોનું નિર્માણ થશે.
ઓસ્ટ્રેલિયા વિશ્વમાં એક બહુસાંસ્કૃતિક દેશ તરીકે પોતાની ઓળખ સ્થાપિત કરી છે. આ દેશમાં તમે કોણ છો, ક્યાંથી આવ્યા છો, તમે કયો ધર્મ અનુસરો છો તેની જોતું નથી. ડેલોઇટના રીપોર્ટ પ્રમાણે જો આપણે વર્કફોર્સમાં વિવિધ પ્રકારના લોકોનો સમાવેશ કરીએ તો દેશના આર્થિક ક્ષેત્રમાં ઘણી પ્રગતિ થઇ શકે છે.
રાષ્ટ્રીય ટ્રેઝરર જોશ ફ્રેડેનબર્ગે વિવિધ વેપાર – ધંધાઓને તેમનો નફો શેરહોલ્ડર્સમાં વહેંચવાને બદલે રોકાણમાં વાપરવા અંગે સલાહ આપી છે.
કાઉન્સિલ ઓફ સ્મોલ બિઝનેસ ઓસ્ટ્રેલિયાના ચીફ એક્સીક્યુટીવ પીટર સ્ટ્રોંગે જણાવ્યું હતું કે રીસર્ચ અને વિકાસમાં રોકાણ જરૂરી છે ત્યારે વિવિધ સમાજના લોકોનો નાના વેપાર – ધંધાઓમાં સમાવેશ કરવો પણ એટલો જ જરૂરી બન્યો છે.
દેશમાં આવતા માઇગ્રન્ટ્સને યોગ્ય ટ્રેનિંગ આપવાની દિશામાં કાર્યો થતા નથી. અગાઉના વર્ષોમાં આ અંગે વિવિધ પ્રોગ્રામ્સ કરવામાં આવતા હતા પરંતુ વર્તમાન સમયમાં તેમાં ઘટાડો થયો છે. એનું એક કારણ એમ્પલોયમેન્ટ સર્વિસને અપાતું ફંડ છે. જોકે, વિવિધ સ્થાનિક સમાજનો સંપર્ક કરીને આ દિશામાં કાર્યો થઇ શકે છે. જે સમાજમાં માઇગ્રન્ટ્સ મોટી સંખ્યામાં છે તેમને સ્થાનિક ટાફે અથવા અન્ય ટ્રેનિંગ સેન્ટર્સ દ્વારા શિક્ષણ આપીને તેમની પ્રતિભામાં વધારો કરી શકાય છે.