વર્ષ ૨૦૧૭નાં આ નેશનલ કન્સ્ટીટયુશનલ કન્વેન્શનમાં દક્ષિણ આકાશના દરેક હિસ્સેથી આવતાં અમે, એક થઈને, હૃદયપૂર્વક આ નિવેદન કરીએ છીએ: અમારી એબોરિજિનલ અને ટોરેસ સ્ટ્રેટ આઈલેન્ડનાં લોકોની જાતિઓ જ આ ઓસ્ટ્રેલિયા ખંડ અને એની સાથે જોડાયેલા ટાપુઓની પહેલી સર્વોપરી સત્તા હતી, અને અમારા કાયદાઓ અને રિવાજો સાથે અમે જ એના ધણી હતા. અમારા પૂર્વજોએ આ કર્યું હતું અમારી સંસ્કૃતિની માન્યતા પ્રમાણે, સર્જનની પળથી, અનંતકાળથી ચાલી આવતા ધારા પ્રમાણે, અને સાઠ હજાર વર્ષથી પણ આગળનાં જ્ઞાન મુજબ. આ રીતે આ સર્વોપરિતા એક પવિત્ર ભાવના છે: પૂર્વજો પાસેથી વારસામાં મળેલી ભૂમિ, ધરતી મા અને એબોરિજિનલ અને ટોરેસ સ્ટ્રેટ આઈલેન્ડનાં લોકોને જોડતી સાંકળ છે. આ ભૂમિ, જેમાંથી એ લોકો જન્મ્યાં, જેની સાથે જોડાયેલાં છે, અને જ્યાં પાછાં ફરશે અને એક થઈ જશે પોતાના પૂર્વજો સાથે. આ કડી જ તો આ માલિકીના, આ સર્વોપરિતાના પાયામાં છે. એ ક્યારેય છૂટી કે તૂટી નથી, એ સહઅસ્તિત્વ ધરાવે છે શાસન સાથે, ‘ક્રાઉન’ સાથે. એ જુદું હોઈ જ કઈ રીતે શકે? સાઠ હજાર વર્ષોથી આ લોકો જે ભૂમિના ધણી રહ્યા છે, એનું આવું પવિત્ર જોડાણ માત્ર છેલ્લાં બસ્સો વર્ષમાં ઈતિહાસમાંથી ગાયબ કેમ થઈ શકે? અમારું માનવું છે કે બંધારણમાં નોંધપાત્ર બદલાવ અને જરૂરી સુધારણા લાવવાથી પૂર્વજો પાસેથી મળેલી આ સર્વોપરિતા ઓસ્ટ્રેલિયાનાં રાષ્ટ્રત્વ તરીકે પૂર્ણ સ્વરૂપે ઝળહળી ઉઠશે. પ્રમાણ જોઈએ તો, પૃથ્વી પરનાં કેદ કરાયેલાં લોકોમાં સૌથી વધુ અમે છીએ. અમે જન્મજાત અપરાધીઓ નથી. આગળ ક્યારેય નથી બન્યું એટલી સંખ્યામાં અમારાં બાળકોને એમનાં કુટુંબોથી વિખૂટાં પાડી નાખવામાં આવ્યાં છે. અમને એમના માટે પ્રેમ ન હોય એવું કારણ તો ન જ હોય ને આ ઘટના પાછળ. અમારા અસંખ્ય યુવાનો પણ ઘૃણાસ્પદ અને નિર્બળ પરિસ્થિતિમાં બંદી તરીકે જીવી રહ્યા છે. એ બધા ખરેખર તો અમારું આશાસ્પદ ભવિષ્ય હોવા જોઈતા હતા. આ બધાં પાસાંઓ સાદી ભાષામાં અમારાં સંકટનો વિસ્તાર અને અમારા પ્રશ્નોની સ્થિતિ બતાવે છે. આ છે અમારી લાચારીની પીડા. અમે બંધારણમાં એવા સુધાર ઈચ્છીએ છીએ જેથી અમારાં લોકોને એમના અધિકારો મળે અને આ દેશમાં હક્કનું સ્થાન મળે. અમે અમારું ભાગ્ય ઘડી શકીશું તો અમારાં બાળકો સમૃદ્ધ થશે. એ બધાં બે વિશ્વને જોડી શકવા સમર્થ થશે, અને એમની સંસ્કૃતિ એમના દેશ માટે મોટી સોગાદ બની રહેશે. First Nations Voice, ઓસ્ટ્રેલિયાના મૂળ રહેવાસીઓનો અભિપ્રાય બંધારણમાં કોતરાઈ જાય એવી હાકલ અમે કરીએ છીએ. Makarrata- માકરાતા; અનેક મુસીબતો પછી એકસાથે થવું એ અમારાં કાર્યસૂચિની પરાકાષ્ઠા છે. ઓસ્ટ્રેલિયાનાં લોકો સાથેના નિષ્પક્ષ અને ખરા સંબંધની, અને અમારાં બાળકોનાં ન્યાય અને આત્મનિર્ધારના પાયા પર ઘડાયેલાં બહેતર ભવિષ્ય માટેની અમારી મહત્વાકાંક્ષા અમારી મૂળ ભાષાના આ શબ્દમાં સાંગોપાંગ ઉતરે છે. ઓસ્ટ્રેલિયાની સરકાર અને અહીંના મૂળ રહેવાસીઓ, અને અમારા ઈતિહાસ વિષેનાં સત્ય વચ્ચેના કરાર માટેની પ્રક્રિયા ઉપર દેખરેખ રાખવા માટે અમે એક માકરાતા કમિશનની માગણી કરીએ છીએ. વર્ષ ૧૯૬૭માં અમારી ગણતરી કરવામાં આવી હતી, ને વર્ષ ૨૦૧૭માં અમને કોઈ સાંભળે એવું અમે ઈચ્છીએ છીએ. અમે અમારો મૂળ પડાવ છોડીને નીકળી પડ્યા છીએ આ વિશાળ દેશમાં, અને આમંત્રણ આપીએ છીએ તમને સૌને કે ઓસ્ટ્રેલિયાનાં લોકોની એમનાં બહેતર ભવિષ્ય માટેની આ ચળવળમાં અમારી સાથે ચાલો.
વિશેષ માહિતી માટે ઉલુરુ ડાયલોગ વેબસાઈટ www.ulurustatement.org ની મુલાકાત લો અથવા તો UNSWનાં Indigenous Law Centre ને ilc@unsw.edu.au પર ઈમેઈલ કરો.
આ પોડકાસ્ટ નોર્ધર્ન ટેરેટરી અને વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાના ઉત્તરે વસેલા એબોરિજિનલ સમુદાયની 20થી વધુ ભાષામાં ઉપલબ્ધ છે અને ફર્સ્ટ નેશન્સની વધુ ભાષાઓમાં તેનું ભાષાંતર કરવામાં આવી રહ્યું છે. તે ઉપરાંત CALD - સંસ્કૃતિ અને ભાષાઓને લીધે જુદા સમાજનાં લોકોને એમની ભાષામાં માહિતી મળી શકે એ માટે SBS દ્વારા આ ઉલુરુ સ્ટેટ્મેન્ટ ફ્રોમ ધ હાર્ટ ૬૩ ભાષાઓમાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે.