ભારતે આઇસીસી ક્રિકેટ વર્લ્ડ કપમાં પોતાના અભિયાનનો વિજયી પ્રારંભ કર્યો છે. ટૂર્નામેન્ટ જીતવા માટેની ફેવરિટ ભારતીય ટીમનો આગામી મુકાબલો પાંચ વખતની વર્લ્ડ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા સામે થવાનો છે. ઓસ્ટ્રેલિયાએ પણ પોતાની પ્રથમ બંને મેચોમાં અનુક્રમે અફઘાનિસ્તાન અને વેસ્ટ ઇન્ડીઝને હરાવ્યું છે.
ભારત અને ઓસ્ટ્રેલિયા બંને એકબીજાના કટ્ટર હરીફ છે. જ્યારે જ્યારે બંને ટીમો વચ્ચે મેચ રમાય છે ત્યારે ક્રિકેટપ્રેમીઓ રોમાંચક મુકાબલાની આશા રાખે છે. પરંતુ, રેકોર્ડ પ્રમાણે, વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાનું પલ્લું હંમેશાં ભારત પર ભારે રહ્યું છે.
ફોર્મમાં રહેલી બંને ટીમો વચ્ચે વર્લ્ડ કપમાં રવિવારે રમાનારી મેચ પર એક નજર...

Source: AAP Image/ AP Photo/Rob Griffith
લંડનના ઓવલ ખાતે રમાનારી મેચમાં બંને ટીમોની શક્તિ - નબળાઇ
ભારતીય ટીમ -
શક્તિ: ભારતીય ટીમની સૌથી મોટી શક્તિ તેના બેટ્સમેન છે. ઓપનર રોહિત શર્માએ સાઉથ આફ્રિકા સામે પ્રથમ મેચમાં શાનદાર સદી ફટકારીને ટીમના વિજયમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ ઉપરાંત, કેપ્ટન વિરાટ કોહલી, એમ.એસ.ધોની અને મિડલ ઓર્ડરમાં હાર્દિક પંડ્યા પણ ઝડપી રન ફટકારી ટીમને જંગી સ્કોર બનાવવામાં મહત્વનો ફાળો આપી શકે છે.
ઝડપી બોલર જસપ્રિત બુમરાહના કારણે ભારતીય બોલિંગ આક્રમણ એક નવી જ ટોચ પર પહોંચ્યું છે. બુમરાહે સાઉથ આફ્રિકા સામે બોલને સ્વિંગ કરાવીને ટીમને શરૂઆતમાં જ સફળતા અપાવી હતી. સ્પિનર યુઝવેન્દ્ર ચહલ અને કુલદીપ યાદવ પણ પોતાની પ્રતિભાથી ટીમને જરૂરિયાતના સમયે વિકેટ અપાવી શકે છે.
નબળાઇ: ભારતીય ટીમની નબળાઇ ઓપનર શિખર ધવનનું ફોર્મ છે. ધવન પ્રથમ બંને પ્રેક્ટિસ મેચ તથા સાઉથ આફ્રિકા સામેની મેચમાં નિષ્ફળ રહ્યો હતો. ચોથા નંબરે રાહુલ પણ પ્રથમ મેચમાં ખાસ પ્રદર્શન કરી શક્યો નહોતો. જોકે, બંને બેટ્સમેન ફોર્મમાં હોય ત્યારે કોઇ પણ ટીમની સામે સદી ફટકારવાની ક્ષમતા ધરાવે છે.

Source: AAP Image/ AP Photo/Rob Griffith
ઓસ્ટ્રેલિયન ટીમ:
શક્તિ: ઓસ્ટ્રેલિયન ટીમની સૌથી મોટી તાકાત ઓપનર ડેવિડ વોર્નર છે. તેણે અફઘાનિસ્તાન સામે 89 રન કર્યા હતા. આ ઉપરાંત, સ્ટિવ સ્મિથ અને કાઉલ્ટર નાઇલે પણ વેસ્ટ ઇન્ડીઝ સામે અનુક્રમે 73 અને 92 રન કરીને ટીમને જંગી લક્ષ્યાંક સુધી પહોંચાડી હતી. બોલિંગમાં ફોર્મમાં રહેલા મિચેલ સ્ટાર્ક અને કમિન્સ ભારતીય બેટ્સમેનો સામે ઘાતક બોલિંગ કરી પરેશાન કરે તેવી સંભાવના છે.
નબળાઇ: બેટિંગમાં ઉસ્માન ખ્વાજા અને ગ્લેન મેક્સવેલનું ફોર્મ ઓસ્ટ્રેલિયા માટે ચિંતાનો વિષય બન્યું છે. બંને બેટ્સમેન હજી સુધી મોટો સ્કોર નોંધાવી શક્યા નથી.
ઓવરઓલ રેકોર્ડ
વન-ડે ઇન્ટરનેશનલમાં ઓસ્ટ્રેલિયન ટીમે ભારત સામે સારો દેખાવ કર્યો છે. બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં કુલ 141 વન-ડે મેચ રમાઇ છે જેમાંથી ઓસ્ટ્રેલિયાએ 77 અને ભારતે 49 મેચમાં વિજય મેળવ્યો છે. 15 મેચ અનિર્ણિત રહી છે.
વર્લ્ડ કપમાં ભારત - ઓસ્ટ્રેલિયાની ટક્કર
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ કપમાં 11 વખત ટક્કર થઇ છે તેમાંથી ઓસ્ટ્રેલિયાએ 8 વખત મેચ જીતી છે જ્યારે ભારતે 3 મેચમાં વિજય નોંધાવ્યો છે.
2015ના વર્લ્ડ કપમાં ભારતનો પરાજય
ભારત અને ઓસ્ટ્રેલિયા વર્લ્ડ કપમાં અંતિમ વખત 2015ના વર્લ્ડ કપની સેમિફાઇનલમાં ટકરાયા હતા. જેમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 95 રનથી હરાવ્યું હતું.

Source: AAP Image/ AP Photo/Gurinder Osan
2011 વર્લ્ડ કપની ક્વાર્ટર ફાઇનલમાં ભારતનો વિજય
ભારતે 2011ના વર્લ્ડ કપની અમદાવાદ ખાતે રમાયેલી ક્વાર્ટર ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને પરાજય આપ્યો હતો. સતત ત્રણ વખત વર્લ્ડ કપ જીતી ચૂકેલી ઓસ્ટ્રેલિયન ટીમના વિજયી અભિયાન પર ભારતે બ્રેક લગાવી હતી અને રસપ્રદ મુકાબલો પાંચ વિકેટે જીતી લીધો હતો.
સંભવિત ટીમ -
ભારત:
શિખર ધવન, રોહિત શર્મા, વિરાટ કોહલી, કે.એલ.રાહુલ. એમ.એસ.ધોની, હાર્દિક પંડ્યા, કેદાર જાધવ, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, ભુવનેશ્વર કુમાર, જસપ્રિત બુમરાહ
ઓસ્ટ્રેલિયા:
ડેવિડ વોર્નર, એરોન ફિન્ચ, ઉસ્માન ખ્વાજા, સ્ટિવ સ્મિથ, ગ્લેન મેક્સવેલ, માર્કસ સ્ટોઇનીસ, એલેક્સ કેરી, કાઉલ્ટર-નાઇલ, પેટ કમિન્સ, મિચેલ સ્ટાર્ક, એડમ ઝામ્પા.