ભારતીય વિદ્યાર્થીઓમાં ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જવાનું ચલણ ઘણા વર્ષોથી ચાલ્યું આવે છે અને તાજેતરના વલણ પ્રમાણે, આગામી 10 વર્ષોમાં મોટી સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ માટે ઓસ્ટ્રેલિયાની પસંદગી કરશે. વર્તમાન સમચમાં ઓસ્ટ્રેલિયા અભ્યાસ માટે આવતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની યાદીમાં ચીન સૌથી આગળ છે. તે અત્યારે કુલ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સંખ્યાનો 40 ટકા હિસ્સો ધરાવે છે.
વિશેષજ્ઞોના જણાવ્યા પ્રમાણે, આગામી દશકમાં ચીનમાંથી ઓસ્ટ્રેલિયા આવતા વિદ્યાર્થીઓની સંખ્યામાં 15 ટકાથી 10 ટકા જેટલો ઘટાડો નોંધાઇ શકે છે.

જોકે બીજી તરફ, આ જ સમયગાળા દરમિયાન ઓસ્ટ્રેલિયા ઉચ્ચ અભ્યાસ માટે આવતા ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા વધે તેવી શક્યતા છે. લગભગ 4 લાખ જેટલા ભારતીય વિદ્યાર્થીઓ વિદેશમાં અભ્યાસ માટે જતા હોય છે. ભારત વિદેશ જતા વિદ્યાર્થીઓની સંખ્યાની યાદીમાં બીજા ક્રમે આવે છે અને આગામી સમયમાં ભારતીય વિદ્યાર્થીની સંખ્યામાં વધારો થાય તેમ લાગી રહ્યું છે.
છેલ્લા ત્રણ વર્ષમાં વધુ અભ્યાસ માટે ઓસ્ટ્રેલિયા આવતા ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં ત્રણ ગણો વધારો નોંધાયો છે. વર્ષ 2014માં 26 હજાર ભારતીય વિદ્યાર્થીઓ ઓસ્ટ્રેલિયા આવ્યા હતા જ્યારે 2014માં આ આંકડા બે ગણો એટલે કે 54 હજાર જેટલો થઇ ગયો છે.
વિસાના નિયમોની અસર નહીં પડે
હાલમાં જ ઓસ્ટ્રેલિયન સરકારે વિસાના નિયમો વધુ કડક કરવાની જાહેરાત કરી છે જે ઓસ્ટ્રેલિયા અભ્યાસ માટે આવતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો કરી શકે છે. આ અંગે ગ્લોબલ એજ્યુકેશન પ્રેક્ટિસના અનીપ શર્માએ જણાવ્યું હતું કે, ઓસ્ટ્રેલિયા ભલે વિસાના નિયમો કડક કરે પરંતુ અન્ય હરીફ દેશોમાં પણ નિયમો કડક થઇ રહ્યા છે.

જ્યાં સુધી ઓસ્ટ્રેલિયા અન્ય હરીફ દેશો કરતાં વધુ હળવા નિયમો રાખશે ત્યાં સુધી વિદ્યાર્થીઓ ઓસ્ટ્રેલિયા પર પસંદગી ઉતારશે. જોકે અહીંની બીજા દરજ્જાની યુનિવર્સિટીસે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે વધુ સારા આકર્ષક કોર્સ તથા તકોનું નિર્માણ કરવું પડશે.
ચીનની યુનિવર્સિટીસની ગુણવત્તા સુધરી
ચીનના વિદ્યાર્થીઓના વિદેશ જવાની સંખ્યામાં થઇ રહેલા ઘટાડા અંગે અનીપે જણાવ્યું હતું કે, સ્થાનિક શિક્ષણ બજારનો વિકાસ અને અર્થતંત્ર જેવા પરિબળોના કારણે ચીનમાંથી ઓસ્ટ્રેલિયા આવતા વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી રહી છે.
ચીને હાલના વર્ષોમાં તેમની યુનિવર્સિટીસની ગુણવત્તા અને ક્રમાંક સુધાર્યો છે અને 2050 સુધીમાં તેમનો લક્ષ્યાંક 40 યુનિવર્સિટીને ટોચની 200 યુનિવર્સિટીમાં પહોંચાડવાનો છે.

ચીનમાં અત્યારે દર વર્ષે 5 લાખ વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા માટે આવે છે. જે 10 ટકાના દરથી વધી રહ્યો છે. આ ઉપરાંત, લગભગ 37 વિદેશી યુનિવર્સિટી પોતાની શાખા ધરાવે છે તેથી વિદ્યાર્થીઓ વિદેશમાં અભ્યાસ કરવા જવાનું ટાળે છે.
જોકે બીજી તરફ, ભારતમાંથી વિદેશ અભ્યાસ કરવા જનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં દર વર્ષે 15થી 20 ટકાનો વધારો થાય છે. જે ચીનના દર કરતા લગભગ ત્રણ ગણો વધુ છે.
સ્થાનિક યુનિવર્સિટીસને ફાયદો
અનીપના જણાવ્યા પ્રમાણે કેન્દ્રીય સરકારે હાલમાં જ નિવેદનો આપ્યા છે તે પ્રમાણે વિદ્યાર્થીઓએ સ્થાનિક અને અંતરીયાળ વિસ્તારોમાં રહેવું પડશે. આ ઉપરાંત આ વિસ્તારોમાં શહેરી વિસ્તાર કરતાં ઓછો ખર્ચ થતો હોવાથી સ્થાનિક યુનિવર્સિટીસ વધુ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને આકર્ષશે.





