ઓસ્ટ્રેલિયન સરકારે કોવિડ-19 બાદ દેશની માઇગ્રેશન પોલિસીને ફરીથી કાર્યરત કરવા માટે સોમવારે આંતરરાષ્ટ્રીય સરહદો ખોલવા અંગે મહત્વનો નિર્ણય લીધો હતો.
કોવિડ-19 મહામારીના કારણે ટેમ્પરરી વિસાધારકો તથા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે માર્ચ 2020થી બંધ કરવામાં આવેલી ઓસ્ટ્રેલિયાની સરહદો હવે 1લી ડિસેમ્બરથી ખોલવાનો કેન્દ્ર સરકારે નિર્ણય લીધો છે.
ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસને સોમવારે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, 1લી નવેમ્બરથી ઓસ્ટ્રેલિયાના નાગરિકો તથા પર્મેનન્ટ રેસીડન્ટ્સ દેશમાં મોટી સંખ્યામાં પરત ફરી રહ્યા છે.
અને હવે, 1લી ડિસેમ્બર 2021થી ઓસ્ટ્રેલિયાના વિસા ધરાવતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ તથા વિવિધ વિસાધારકો દેશમાં પ્રવેશ કરી શકે છે.
જોકે, તેમણે ઓસ્ટ્રેલિયા દ્વારા માન્ય કોવિડ-19 પ્રતિરોધક રસીના બંને ડોઝ મેળવી લીધા હોય તે જરૂરી છે.
માન્ય રસીના બંને ડોઝ મેળવી લેનારા વિસાધારકોએ 1લી ડિસેમ્બર 2021થી મુસાફરીની મંજૂરી માટે અરજી કરવાની જરૂર નથી.
કઇ વિસાશ્રેણી હેઠળ વિસા ધરાવતા લોકો ઓસ્ટ્રેલિયા પ્રવાસ કરી શકે છે?
આ વિસાશ્રેણી અંતર્ગત...
- Subclass 407 – Training visa
- Subclass 417 – Working Holiday visa
- Subclass 457 – Temporary Work (Skilled) visa
- Subclass 482 – Temporary Skill Shortage visa
- Subclass 485 – Temporary Graduate visa
- Subclass 489 – Skilled – Regional (Provisional) visa
- Subclass 491 – Skilled Work Regional (Provisional) visa
- Subclass 494 – Skilled Employer Sponsored Regional (Provisional) visa
- Subclass 500 – Student visa
વિસાધારકો ઓસ્ટ્રેલિયા પ્રવાસ કરી શકે છે. અન્ય લાયક વિસા માટે ડિપાર્ટમેન્ટ ઓફ હોમ અફેર્સની વેબસાઇટ પર સંપૂર્ણ યાદી મૂકવામાં આવી છે.
જે વિસાધારકો આરોગ્યલક્ષી સમસ્યાના કારણે રસી મેળવી શકે તેમ નથી તેમને તથા 12 વર્ષની ઓછી વયના બાળકોને છૂટ મળશે અને તેમને રસીના બંને ડોઝ મેળવી લેનારા વિસાધારકો જેવા નિયમો લાગૂ પડશે.
ક્વોરન્ટાઇનના નિયમો
આ ઉપરાંત, વિદેશથી ઓસ્ટ્રેલિયાના જે - તે રાજ્યો કે ટેરીટરીમાં ઉતરાણ કરવામાં આવે તે ક્ષેત્રના ક્વોરન્ટાઇનના નિયમો લાગૂ પડશે તેમ સરકારે જણાવ્યું હતું.
વર્તમાન સમયમાં આંતરરાષ્ટ્રીય મુસાફરો, ન્યૂ સાઉથ વેલ્સ, વિક્ટોરીયા તથા ઓસ્ટ્રેલિયન કેપીટલ ટેરીટરીમાં ક્વોરન્ટાઇનની જરૂરીયાત વિના ઊતરાણ કરી શકે છે.
પરંતુ અન્ય રાજ્યો કે ટેરીટરીમાં ઊતરાણ બાદ ક્વોરન્ટાઇન થવું પડી શકે છે.
વિવિધ વિસાશ્રેણી હેઠળ ઓસ્ટ્રેલિયાના વિસા ધરાવતા લોકો ડીપાર્ટમેન્ટ ઓફ હોમ અફેર્સની વેબસાઇટની મુલાકાત લઇ વધુ માહિતી મેળવી શકે છે.