કઠોળ વિશ્વભરની વાનગીઓમાં અગ્રણી છે. કઠોળમાંના પ્રોટીન અને પોષક તત્ત્વોના કારણે વિશ્વભરના લોકો માટે એ આવશ્યક ઘટક છે.
ચાઇનીઝ બ્લેક બિન સોસ અથવા જ્યુઈશ હ્યુમસ, ઇક્વાડોરની વાનગી મેંડસ્ટ્રા અથવા લેન્ટીલ સાથે ઇટાલિયન પાસ્તા, બ્રિટીશ અને ઓસ્ટ્રેલિયનના પ્રિય બેકડ બીન્સ અથવા ભારતીય અથવા ગુજરાતી વાનગીઓમાં વિવિધ ઉપયોગી બીન્સ.
આટલું જ નહિ કઠોળમાંથી બનતી મીઠાઈઓ પણ ખુબ લોકપ્રિય છે, જેમાં જાપાન અને થાઇલેન્ડની લેન્ટીલ કેક અને લોલીસ સામેલ છે.
ઓસ્ટ્રેલિયન ગ્રેઈન ઇનોવેશન સેન્ટર મુજબ ઓસ્ટ્રેલિયામાં સરેરાશ 1.8 મિલિયન હેક્ટરથી 2.2 મિલિયન મેટ્રિક ટન (મી.મી.ટી.) કઠોળનું ઉત્પાદન થાય છે. વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા, ન્યુ સાઉથ વેલ્સ અને દક્ષિણ ઓસ્ટ્રેલિયામાં મોટા પ્રમાણમાં કઠોળનું ઉત્પાદન કરે છે.
ઉચ્ચ ગુણવત્તા સભર કઠોળના ઉત્પાદના કારણે વિશ્વના વિવિધ દેશો જેમકે -કોરિયા, વિયેતનામ, બાંગ્લાદેશ, ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, યુ. એ. ઈ., સાઉદી અરેબિયા, ઇજિપ્ત અને નેધરલેન્ડ જેવા દેશોમાં ઓસ્ટ્રેલિયન કઠોળ નિકાસ કરવામાં આવે છે.
ઓસ્ટ્રેલિયન ગ્રેઈન ઇનોવેશન સેન્ટર મુજબ આ દેશોમાંની સૌથી વધુ નિકાસ ભારતમાં છે જે આઠલાખ ટન થી વધુ છે.
સ્વાસ્થ્યના લાભો :
આયુર્વેદ અનુસાર કઠોળની સ્વાથ્ય પર થતી અસર સમજાવવા માટે એક અલાયદો વર્ગ રાખવામાં આવ્યો છે. ડો. આલાપ અંતાણી મુજબ પ્રોટીન અને ફાઈબર વિશેષ માત્રામાં હોવાના કારણે કઠોળનો ઉપયોગ રોજિંદો કરવો જોઈએ. " પ્રોટીનએ શરીરનું શક્તિ કેન્દ્ર છે અને આ પ્રોટીન કઠોળમાંથી મળે છે, આથી કઠોળનો નિયમિત ઉપયોગ આહારમાં કરવો જોઈએ.
બીજું કે ફાઈબરની માત્રા જે મળ બાંધવામાં મદદ કરે છે. આ બે મુખ્ય ગુણોના કારણે કઠોળનું વિશેષ સ્થાન આહારમાં છે." આ ઉપરાંત મેદસ્વીતા, હ્રદયરોગ અને બ્લડપ્રેશરની તકલીફ ધરાવતા લોકો માટે કઠોળનો નિયમિત વપરાશ લાભદાયી છે.
કઠોળ કેવી રીતે રાંધવું?
મગ સિવાયના કઠોળ સામાન્ય રીતે પચવામાં ભારે છે આથી આયુર્વેદમાં તેને રાંધવા માટે પણ ખાસ પ્રકિયા જણાવવામાં આવી છે. કઠોળને સારી રીતે પચાવી શકીએ તે માટે આયુર્વેદમાં બે ખાસ બાબતો જણાવાઈ છે.
" એક કે કઠોળને પલાળીને રાખવું, એમાં પણ નવશેકા પાણીમાં આખી રાત પલાળી રાખવાથી કઠોળ મુલાયમ બને છે અને પચવામાં હળવા પણ બને છે. બીજું રસોઈમાં કઠોળની જે વિવિધ વાનગી બનાવતા હોઈએ તેને ઘી સાથે કોઈ રીતે પ્રોસેસ કરવી જોઈએ."
ડો. આલાપ એમ પણ જણાવે છે કે ધાન્યો કે કઠોળ એકાદ વર્ષ જેટલા જુના હોય તો તે વધુ લાભદાયી છે. " મિનિમમ જો એકાદ વર્ષ જુના હશે કઠોળ તો સ્વાસ્થ્ય માટે સારા રહેશે."
કઠોળ કેટલી માત્રામાં લેવું?
વ્યક્તિગત તાસીર પ્રમાણે કઠોળ લેવું જોઈએ. ડો. આલાપ જણાવે છે કે જેમની પાચનશક્તિ નબળી હોય તેઓએ કઠોળનો ઉપયોગ ઓછો કરવો જોઈએ. શિયાળાની ઋતુમાં કઠોળનો વપરાશ વધારે કરવો જોઈએ.