ઓસ્ટ્રેલિયાના ન્યૂ સાઉથ વેલ્સ રાજ્યમાં જાહેર વાહન વ્યવહારમાં મુસાફરી કરતી વખતે કોઇ મુસાફર તેની ચીજવસ્તુ ખોવાઇ કે ભૂલી જશે તો હવે નવી ડીજીટલ સિસ્ટમની મદદથી તેને શોધી શકાશે.
રાજ્યના મિનિસ્ટર ફોર ટ્રાન્સપોર્ટ એન્ડ રોડ્સ એન્ડ્ર્યુ કોન્સ્ટાન્સે જણાવ્યું હતું કે Lost Property System માં રાજ્યના તમામ જાહેર વાહન વ્યવહારના માધ્યમોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેથી મુસાફરો તેમની ખોવાયેલી ચીજવસ્તુઓ આસાનીથી મેળવી શકે.
તેમણે ઉમેર્યું હતું કે, એક વખત કોઇ ચીજવસ્તુ ખોવાઇ જાય કે તેને જાહેર વાહન વ્યવહારમાં ભૂલી જવાય ત્યારે તે પરત મળે તેની સંભાવના ઓછી થઇ જાય છે પરંતુ નવી સિસ્ટમ દ્વારા તેને પરત મેળવવાની સંભાવના વધી જશે.
જો કોઇ મુસાફરે એક કરતા વધારે વાહનમાં મુસાફરી કરી હશે તો પણ નવી સિસ્ટમની મદદથી એક જ ફરિયાદમાં તેનો હલ શોધવાનો પ્રયત્ન કરાશે.

Transport NSW launches new initiative to recover items lost on public transport. Source: Sydney Airport
ન્યૂ સાઉથ વેલ્સમાં ટ્રેન નેટવર્ક તથા બસમાં દરરોજ કુલ 400 જેટલી ચીજવસ્તુઓ ગુમ થયાની કે ખોવાઇ જવાની ફરિયાદ નોંધાય છે.
સમગ્ર વર્ષ દરમિયાન જાહેર વાહન વ્યવહારના માધ્યમોમાં લગભગ 200,000 જેટલી ચીજવસ્તુઓ ખોવાઇ જાય છે. અને તેમાંથી 45 ટકા જેટલી વસ્તુઓ તેના મૂળ માલિકને પરત કરવામાં આવે છે.
નવી સિસ્ટમમાં ગ્રાહકો હવે તેમણે ગુમાવેલી ચીજવસ્તુઓ વિશે દિવસના 24 કલાક અઠવાડિયાના 7 દિવસ ફરિયાદ નોંધાવી શકશે અને તેમને ખોવાયેલી વસ્તુની શોધખોળ ક્યાં સુધી પહોંચી તેની ઇ-મેલ દ્વારા એક મહિના સુધી સતત માહિતી આપવામાં આવશે.
ફરિયાદ નોંધાવતી વખતે ગ્રાહકો ખોવાયેલી વસ્તુઓના ફોટોગ્રાફ અપલોડ કરી શકશે અથવા ફરિયાદને કોઇ પણ સમયે પરત પણ લઇ શકશે.
ગ્રાહકો transportnsw.info, Transport BOT અને Opal Travel એપ પર Lost Property વેબફોર્મ દ્વારા ફરિયાદ નોંધાવી શકશે.
સિડની ટ્રેન્સ દર અઠવાડિયે મુસાફરો દ્વારા ખોવાયેલી 1200થી પણ વધુ ચીજવસ્તુઓ એંકઠી કરે છે. અને તેના 28 દિવસ સુધી ગ્રાહકનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે.
અને તેમાં પણ જો માલિક સુધી તે ચીજવસ્તુ ન પહોંચે તો ત્યાર બાદ તેને હરાજી માટે મોકલવામાં આવે છે.
જાહેર વાહન વ્યવહારમાં ખોવાયેલી ચીજવસ્તુના આંકડા
- દર મહિને 5000થી પણ વધુ અને વર્ષમાં 60000 જેટલી ચીજવસ્તુઓ ખોવાયાની ફરિયાદ નોંધાય છે.
- જેમાંથી 1900 જેટલી ચીજવસ્તુઓ તેમના માલિક સુધી પહોંચાડવામાં આવે છે.
- લગભગ 7000 જેટલી વસ્તુઓ વર્ષે એક વખત યોજાતી હરાજીમાં મોકલવામાં આવે છે.
- દર વર્ષે 2000 ચશ્મા જાહેર વાહન વ્યવહારમાંથી મળે છે.
- છેલ્લા એક અઠવાડિયામાં સિડની ટ્રેન્સમાંથી લગભગ 200 જેટલી છત્રી મળી આવી છે.
- સામાન્ય રીતે મુસાફરો પર્સ, મોબાઇલ ફોન તથા એર પોડ્સ ભૂલી જાય છે અને ખોવાયેલી ચીજવસ્તુઓ માટે વિભાગને દર અઠવાડિયે તેના 750 જેટલા ઇ-મેલ મળે છે.





