વર્ષ 2020માં કોરોનાવાઇરસની મહામારીના કારણે ઓસ્ટ્રેલિયાએ દેશના નાગરિકો અને પર્મેનન્ટ રેસીડન્ટ્સના વિદેશ મુસાફરી કરવા પર વિવિધ પ્રતિબંધો લાદ્યા હતા.
જેના કારણે વર્ષ 2020ની રજાઓમાં દેશના નાગરિકો, પર્મેનન્ટ રેસીડન્ટ્સ અને વિવિધ વિસાશ્રેણી હેઠળ ઓસ્ટ્રેલિયામાં રહેતા લોકો પરત ફરવાની અનિશ્ચિતતા હોવાના કારણે ભારત મુસાફરી કરી શક્યા નહોતા.
અને, પરિવારના કેટલાક સામાજિક પ્રસંગો અને તહેવારની મજા માણવાથી વંચિત રહી ગયા હતા.
પર્થમાં રહેતા ગુજરાતી સમુદાયના સભ્યોને આ વખતે વતન ન જઇ શકવાના કારણે ખરીદી, મંદિરના દર્શન, મિત્રો - પરિવારજનો સાથેની મુલાકાત ખૂબ જ યાદ આવી. તેમની SBS Gujarati સાથેની વાતચીત સાંભળવા ઉપરની ઓડિયો લિંક પર ક્લિક કરો.
ડિસેમ્બર - જાન્યુઆરી મહિનામાં ભારતમાં શિયાળો હોવાના કારણે મુલાકાત લેવાનો તથા વિવિધ વાનગીઓ આરોગવાનો તે ઉત્તમ સમય છે છેલ્લા ત્રણ વર્ષથી હું ભારત ન ગયો હોવાના કારણે આ વર્ષે ભારત જવાનું આયોજન કર્યું હતું.
પરંતુ કોરોનાવાઇરસના પ્રતિબંધોના કારણે તે મુલતવી રાખવું પડ્યું હતું. અને, 5 અઠવાડિયાની વાર્ષિક રજાઓ સિડનીમાં ઘરે રહીને જ પસાર કરવી પડી હતી.
તેથી જ આ વખતે શિયાળામાં ઉપલબ્ધ થતી ભારતની વિવિધ વાનગીઓ આ વખતે ખૂબ જ યાદ આવી હતી, તેમ સંદીપ પટેલે જણાવ્યું હતું.
મેલ્બર્ન સ્થિત વિદ્યાર્થી ગણેશ કલાલે જણાવ્યું હતું કે તે વર્ષ જુલાઇ - 2019માં ઓસ્ટ્રેલિયા આવ્યા હતા અને નવેમ્બર ડિસેમ્બર 2020માં ભારત પિતરાઇ બહેનના લગ્નમાં હાજરી આપવા માટે જવાના હતા.

Source: Sandip Patel
પરંતુ, કોરોનાવાઇરસના કારણે તેઓ લગ્નની મજા માણવાનું તથા મહેમાનોને મળવાનું ચૂકી ગયા હતા.
સિડનીમાં રહેતા ટેમ્પરરી રેસીડન્ટ્સ અક્ષય દેસાઇ દર વર્ષે ઉત્તરાયણનો તહેવાર ઉજવવા માટે વતન ભારત જાય છે પરંતુ આ વર્ષે મુસાફરીના પ્રતિબંધોના કારણે તેઓ અતિપ્રિય તહેવાર મનાવવા ભારત ન જઇ શકવાનો અફસોસ વ્યક્ત કર્યો હતો.
બીજી તરફ, મેલ્બર્ન સ્થિત સ્વીટી અને જીગર પટેલ ભારતમાં રહેતી તેમની ચાર વર્ષીય પુત્રી સ્વરાને ઓસ્ટ્રેલિયા પરત લેવા માટે દિવાળીના તહેવારમાં ભારત જવાના હતા પરંતુ, પરત ફરવાની અનિશ્ચિતતા હોવાના કારણે તેમણે ભારત જવાનું મોકુફ રાખવું પડ્યું હતું.

Source: Sweety Jigar Patel
સ્વીટીએ જણાવ્યું હતું કે તેઓ લગભગ દોઢ વર્ષથી તેમની પુત્રીને મળી શક્યા નથી અને તેની રોજ યાદ આવે છે. પરંતુ હાલમાં ભારત જવું શક્ય નથી.


![Clockwise from top left: Tamba Banks of the Jaru tribe, whose family once lived in the Bungle Bungles, [known to her people as Billingjal], is one of the traditional owners of the Purnululu national park. Credit: Barry Lewis/Corbis via Getty Images; Bushfire Source: Supplied / Tasmania Fire Service; Professor Nalini Joshi Source: Nalini Joshi](https://images.sbs.com.au/dims4/default/781ea33/2147483647/strip/true/crop/1920x1080+0+0/resize/1280x720!/quality/90/?url=http%3A%2F%2Fsbs-au-brightspot.s3.amazonaws.com%2F4c%2Fcb%2Faebd6dc1480a9b5eca8788a0e754%2Fcopy-of-sbs-audio-youtube-end-card-2-3.jpg&imwidth=1280)



