કોરોનાવાઇરસની મહામારીના સમયમાં વિદેશમાં ફસાયેલા ભારતીય નાગરિકોને વતન પરત લાવવા માટેની કાર્યવાહીનો સરકારે પ્રારંભ કર્યો છે. જે અંતર્ગત એર ઇન્ડિયાની ફ્લાઇટ્સ દ્વારા વિશ્વના વિવિધ દેશોમાં ફસાયેલા ભારતીયોને તબક્કા અનુસાર પરત લાવવામાં આવી રહ્યા છે.
ભારત ઊતરાણ બાદ મુસાફરોએ 14 દિવસ ક્વોરન્ટાઇનમાં પસાર કરવા પડતા હતા પરંતુ રવિવારે ભારતીય આરોગ્ય મંત્રાલયે આંતરરાષ્ટ્રીય આગમન માટે ક્વોરન્ટાઇનના નવા દિશાનિર્દેશો બહાર પાડ્યા છે.
આરોગ્ય મંત્રાલયના દિશાનિર્દેશ
- ભારતીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે વિદેથી ભારત પરત ફરનારા મુસાફરોએ સરકાર દ્વારા જાહેર કરાયેલી ક્વોરન્ટાઇન ગાઇડલાઇન્સનું પાલન કરવાનું રહેશે. જે અંતર્ગત તેમણે 14 દિવસ ક્વોરન્ટાઇનમાં રહેવું પડશે.
- અગાઉ નક્કી કરાયેલી માર્ગદર્શિકા પ્રમાણે, આંતરરાષ્ટ્રીય આગમન કરનારા મુસાફરોએ પહેલા 14 દિવસ નક્કી કરવામાં આવેલા સરકારી કેન્દ્ર અથવા સ્વખર્ચે હોટલમાં 14 દિવસ ક્વોરન્ટાઇનમાં રહેવું જરૂરી હતું. જોકે, હવે 7 દિવસ સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલા સેન્ટર પર સ્વખર્ચે અને બાકીના 7 દિવસ હોમ આઇસોલેશન એટલે કે ઘરે જ ક્વોરન્ટાઇન થઇ શકાશે.
ALSO READ

સિડનીથી અમદાવાદની ફ્લાઇટે ઉડાન ભરી
- ઘરે ક્વોરન્ટાઇન સમય દરમિયાન જે-તે વ્યક્તિએ તેના આરોગ્ય પર જાતે જ નજર રાખવાની રહેશે.
- કઇ વ્યક્તિને ક્વોરન્ટાઇનમાં છૂટછાટ મળશે તે પણ સરકારે નક્કી કર્યું છે. તણાવગ્રસ્ત વ્યક્તિ, ગર્ભવતી મહિલા, પરિવારમાં સ્વજનનું મૃત્યુ થયું હોય, ગંભીર બિમારી ધરાવતી વ્યક્તિ, 10 વર્ષથી ઓછી વયના બાળક સાથેના માતા-પિતાને છૂટ મળી શકે છે.
- છૂટછાટ ધરાવતા કેસની જવાબદારી જે-તે રાજ્ય સરકારની રહેશે અને તેમના માટે 14 દિવસ હોમ-ક્વોરન્ટાઇનને મંજૂરી અપાઇ શકે છે. આ તમામ મુસાફરોએ આરોગ્ય સેતૂ એપ્લિકેશન ડાઉનલોડ કરવી જરૂરી રહેશે.
- એરપોર્ટ પર ઊતરાણ બાદ તમામ પેસેન્જર્સના આરોગ્યની ચકાસણી કરવામાં આવશે.
- જે પેસેન્જર્સમાં લક્ષણો જણાશે તેમને સીધા જ નક્કી કરવામાં આવેલા સેન્ટરમાં લઇ જવાશે.
- બાકીના પેસેન્જર્સને જે-તે રાજ્ય સરકાર અને કેન્દ્રશાસિત પ્રદેશ દ્વારા નક્કી કરાયેલા સેન્ટરમાં ક્વોરન્ટાઇન કરાશે.
- તે પેસેન્જર્સને ઓછામાં ઓછા 7 દિવસ ક્વોરન્ટાઇન કરાશે અને તેમની ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રીસર્ચની માર્ગદર્શિકા પ્રમાણે સારવાર કરાશે.
પોઝીટીવ રીપોર્ટ આવશો તો તેમની સારવાર કરાશે
- સામાન્ય લક્ષણ હશે તો તેમને ઘરે જ ક્વોરન્ટાઇન કરાશે અથવા કોવિડ કેર સેન્ટરમાં દાખલ કરાઇ શકે છે.
- મધ્યમથી કે તેથી વધુ લક્ષણ હશે તો તેમને નક્કી કરાયેલા કોવિડ સેન્ટરમાં સારવાર માટે દાખલ કરાશે.
- જો, સાત દિવસ બાદ કોઇ મુસાફરનો રીપોર્ટ નેગેટિવ આવશે તો તેમને ઘરે જ પોતાની જાતે આરોગ્યની ચકાસણી કરીને સેલ્ફ આઇસોલેટ થવાની મંજૂરી અપાશે.