ઓસ્ટ્રેલિયામાં હાલમાં કોરોનાવાઇરસની મહામારીના સમયમાં મોટાભાગના વ્યવસાયોમાં ઘરેથી જ કાર્ય થઇ રહ્યું છે.
તેથી જ, ઓસ્ટ્રેલિયન ટેક્સ ઓફિસ ઘરેથી કાર્ય કરતા કર્મચારીઓને તેમણે કરેલા કુલ કલાકના 80 સેન્ટ્સ પ્રતિ કલાક કર કપાતનો (ટેક્સમાંથી બાદ મેળવવાનો) વિકલ્પ આપી રહી છે.
કયા ખર્ચમાંથી બાદ મળશે
નવી પદ્ધતિ પ્રમાણે, ઇન્ટરનેટનો ખર્ચ, સાફ સફાઇનું બિલ, સ્ટેશનરી, ફોનનો ખર્ચ અને અન્ય નાના – મોટા ખર્ચનો સમાવેશ કરાયો છે.
ઓસ્ટ્રેલિયન ટેક્સેશન ઓફિસના કમિશ્નર કેરન ફોટના જણાવ્યા પ્રમાણે, આ પદ્ધતિ 1લી માર્ચથી નાણાકિય વર્ષની સમાપ્તિ (30 જૂન) સુધી અમલમાં રહેશે. જોકે, આસિસ્ટન્ટ ટ્રેઝરર માઇકલ સુક્કરના જણાવ્યા પ્રમાણે, આ કામચલાઉ વ્યવસ્થા છે.
તમામ પ્રકારના ખર્ચાનો સમાવેશ નથી
કમિશ્નર કેરન ફોટના જણાવ્યા પ્રમાણે ટેક્સમાંથી બાદ મેળવવા માટે તમામ પ્રકારના ખર્ચાનો સમાવેશ કરવામાં આવ્યો નથી. કોફી કે અન્ય પીણા અથવા કોરોનાવાઇરસના સમયમાં બાળકોના ઓનલાઇન શિક્ષણ માટે કરવામાં આવેલા ખર્ચ પર ટેક્સમાંથી બાદ મળશે નહીં.
આ ઉપરાંત, ઓફિસમાંથી પ્રાપ્ત થયેલી ચીજવસ્તુઓ પર પણ ટેક્સમાંથી બાદ મળશે નહીં.
કલાક દીઠ 80 સેન્ટ્સનો દર વધારાના અન્ય ખર્ચા પર લાગૂ થશે. પરંતુ, તે લાઇટીંગ, ફર્નિચર જેવા ખર્ચા માટે કલાક દીઠ 52 સેન્ટ્સના અગાઉથી અમલમાં રહેલા નિયમ અંતર્ગત પણ મેળવી શકાશે.
એક્સટર્નલ અફેર્સના જનરલ મેનેજર પૌલ ડ્રમના જણાવ્યા પ્રમાણે, માર્ચ મહિના અગાઉ ઘરેથી કાર્ય કરનારા કર્મચારીઓ 52 સેન્ટ્સ પ્રતિ કલાકના દરથી ટેક્સમાંથી બાદ મેળવવાના હકદાર રહેશે. જોકે, ઘણા લોકો સૌ પ્રથમ વખત ઘરેથી કાર્ય કરતા હોવાથી નવી પદ્ધતિ વધુ અનૂકુળ રહેશે.
નવી પદ્ધતિ અંતર્ગત ટેક્સ રીટર્ન મેળવવા માટે લોકોએ ઘરેથી કેટલા કલાક કાર્ય કર્યું તેની યાદી રાખવી હિતાવહ છે.
અરજીકર્તાઓ 1લી જુલાઇથી ટેક્સ રીટર્ન ભરી શકે છે પરંતુ નવી પદ્ધતિ માટે તેમણે 'COVID-hourly rate' ની જાણકારી આપવી જરૂરી છે.
Share


