કોરોનાવાઇરસની મહામારીના કારણે નાણાકિય મુશ્કેલીનો સામનો કરી રહેલા ઓસ્ટ્રેલિયાના રહેવાસીઓ માટે કેન્દ્રીય સરકારે તેમના સુપરએન્યુએશનમાંથી ઉપાડ કરવાની છૂટ આપી છે.
જે અંતર્ગત તેઓ વર્ષ 2019-20 માટે 10,000 ડોલર અને વર્ષ 2020-21 માટે 10,000 ડોલરનો ઉપાડ કરી શકશે.
સુપરએન્યુએશનમાંથી ઉપાડ કરવાની પ્રક્રિયા 20મી એપ્રિલ 2020થી શરૂ થશે.
કોણ સુપરએન્યુએશનનો વહેલા ઉપાડ કરી શકશે
કેન્દ્રીય સરકારના જણાવ્યા પ્રમાણે ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડના નાગરિકો તથા પર્મેનન્ટ રેસીડેન્ટ્સને નીચે પ્રમાણેની પરિસ્થિતી લાગૂ પડતી હશે તો તેઓ સુપરએન્યુએશનમાંથી ઉપાડ કરી શકશે.
- જે વ્યક્તિને નોકરીમાંથી છૂટા કરવામાં આવ્યા હોય,
- તેમના નોકરીના કલાકોમાં 20 ટકાથી વધારેનો ઘટાડો થયો હોય,
- વેપાર – ઉદ્યોગના માલિક હોય અને તેમનો ધંધો બંધ થયો હોય અથવા તેમના ટર્નઓવરમાં 20 કે તેથી વધુ ટકાનો ઘટાડો થયો હોય તે સુપરએન્યુએશનમાંથી ઉપાડ કરી શકશે.
કેન્દ્રીય સરકારના નિર્ણય પ્રમાણે, ટેમ્પરરી માઇગ્રન્ટ્સ સુપરએન્યુએશન એકાઉન્ટમાંથી 10,000 ડોલર સુધીની રકમ ઉપાડી શકશે.
જો સુપરએન્યુએશનમાંથી વહેલો ઉપાડ કરવો હશે તો તેમને નીચેમાંથી એક અથવા વધુ પરિસ્થિતી લાગૂ પડવી જોઇએ.
- તમે સ્ટુડન્ટ્સ વિસા હેઠળ 12 કે તેથી વધુ મહિનાથી ઓસ્ટ્રેલિયામાં છો અને વર્તમાન પરિસ્થિતીમાં તમે નાણાકિય મુશ્કેલીનો સામનો કરી રહ્યા છો.
- તમે ટેમ્પરરી સ્કીલ્ડ વર્ક વિસા હેઠળ ઓસ્ટ્રેલિયામાં છો, તમે હજી પણ તમારી સંસ્થા સાથે જોડાયેલા છો પરંતુ તમારા કામના કલાકો શૂન્ય થઇ ગયા છે.
- તમે ટેમ્પરરી વિસા હેઠળ ઓસ્ટ્રેલિયામાં છો અને તમે વર્તમાન સમયમાં નાણાકિય મુશ્કેલીનો સામનો કરી રહ્યા છો.
છેતરપીંડીથી બચવાની સલાહ
તાજેતરમાં સુપરએન્યુએશનમાંથી ઉપાડ કરવાના બહાના હેઠળ કેટલાક સ્કેમર્સે ઓસ્ટ્રેલિયાના રહેવાસીઓનો સંપર્ક કર્યો હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. તેથી જ, ટેક્સેશન ઓફિસના અધિકારી અથવા સુપરએન્યુએશનની કંપનીમાંથી વાત કરી રહ્યા હોવાની ઓળખ આપનારા સ્કેમર્સથી લોકોને સાવચેત રહેવા માટે ટેક્સેશન ઓફિસે જણાવ્યું છે.
ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયમાં સ્કેમર્સ લોકોને ખોટી ઓળખ આપીને તેમની વ્યક્તિગત માહિતી, પાસર્વડ, બેન્ક એકાઉન્ટ્સની માહિતી ચોરી કરતા હોવાના બનાવો સામે આવ્યા છે.
સુપરએન્યુએશનનો વહેલો ઉપાડ કરવાની પદ્ધતિ
- MyGov દ્વારા ઓસ્ટ્રેલિયન ટેક્સ ઓફિસની મુલાકાત લો.
- સુપરએન્યુએશન ઉપાડવા માટેનું ફોર્મ ભરો અને તમારી લાયકાતની માહિતી આપો.
- ઓસ્ટ્રેલિયન ટેક્સેશન ઓફિસના અધિકારીઓ તમારા ફોર્મની ચકાસણી કરશે અને લાયકાત તપાસશે.
- જો તમારી અરજી સફળ રહેશે તો પાંચ દિવસની અંદર સુપરએન્યુએશનની રકમ તમારા રજીસ્ટર્ડ બેન્ક એકાઉન્ટમાં જમા થઇ જશે.
Share


