ભારત સરકારે વિદેશમાં ફસાયેલા ભારતીય લોકોને વતન પરત લાવવાની પ્રક્રિયા 7મી મેથી શરૂ કરવાનો નિર્ણય લીધો છે. જેમાં મુસાફરીની વ્યવસ્થા વિમાન અને નેવીના જહાજ દ્વારા કરવામાં આવશે.
સરકારે બહાર પાડેલા એક નિવેદન પ્રમાણે સ્ટાન્ડર્ડ ઓપરેટીંગ પ્રોટોકોલ (SOP) તૈયાર કરવામાં આવશે અને જે-તે દેશના ભારતીય દૂતાવાસો અને ઉચ્ચાયુક્તો તે દેશોમાં ફસાયેલા ભારતીયોની યાદી તૈયાર કરશે.
મુસાફરોએ ભાડું ચૂકવવું પડશે
ભારત સરકારના જણાવ્યા અનુસાર, વિદેશમાં ફસાયેલા લોકોએ વતન પરત આવવા માટે ભાડું ચૂકવવું પડશે. હવાઇ મુસાફરી માટે નોન-શિડ્યુલ્ડ ફ્લાઇટ્સની વ્યવસ્થા કરવામાં આવશે.
વિદેશમાં ફસાયેલા ભારતીયોને દેશમાં પરત લાવવાની શરૂઆત 7મી મેથી તબક્કાવાર કરવામાં આવશે.
મુસાફરોના આરોગ્યની ચકાસણી થશે
ફ્લાઇટમાં આવતા અગાઉ તમામ મુસાફરોની તબીબી તપાસ કરવામાં આવશે. જે વ્યક્તિમાં કોરોનાવાઇરસના લક્ષણો ન દેખાતા હોય તેવા મુસાફરોને જ મુસાફરીની પરવાનગી અપાશે. આ ઉપરાંત, મુસાફરી દરમિયાન તેમણે આરોગ્ય મંત્રાલય અને નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા આરોગ્ય પ્રોટોકોલ સહિતના તમામ નિયમોનું પાલન કરવું પડશે.
દેશમાં ઊતરાણ બાદ 14 દિવસ ક્વોરન્ટાઇન
ભારતમાં ઊતરાણ કર્યા બાદ તમામ લોકોએ ભારત સરકારની આરોગ્ય સેતૂ એપ્લિકેશનમાં નોંધણી કરાવવાની રહેશે. તથા, દરેક મુસાફરની ફરીથી તબીબી તપાસ કરવામાં આવશે. તમામ પ્રક્રિયા પૂરી થયા બાદ તેમને 14 દિવસ સુધી હોસ્પિટલમાં અથવા નક્કી કરવામાં આવેલા ક્વોરન્ટાઇન સેન્ટરમાં રાખવામાં આવશે. તેનો ચાર્જ જે-તે વ્યક્તિએ ચૂકવવો પડશે.
14 દિવસ બાદ તેમનો કોરોનાવાઇરસનો ટેસ્ટ કરાશે અને ત્યાર બાદ આરોગ્ય પ્રોટોકોલ અનુસાર આગળની કાર્યવાહી કરવામાં આવશે.
વિદેશમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા માટેની યોજના અંગે વિદેશ મંત્રાલય તથા નાગરિક ઉડ્ડયન મંત્રાલય આગામી સમયમાં માહિતી પૂરી પાડશે, તેમ સરકારે એક નિવેદનમાં જણાવ્યું હતું.
ભારતમાં 23 માર્ચથી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ બંધ છે
કોરોનાવાઇરસને ફેલાતો અટકાવવા માટે ભારત સરકારે 23 માર્ચથી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પર પ્રતિબંધ ફરમાવી દીધો હતો. ત્યાર બાદથી હજારો ભારતીયો વિવિધ દેશોમાં ફસાઇ ગયા છે. 24 માર્ચથી ભારતમાં લૉકડાઉનનો પ્રારંભ થયો હતો અને ત્યાર બાદથી બે વખત તેને વધારવામાં આવ્યું છે. ભારતમાં હવે 17 મે સુધી લૉકડાઉન છે.