ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસન 4થી જૂને એકબીજા સાથે ઓનલાઇન માધ્યમ હેઠળ મુલાકાત કરશે.
જેમાં તેમની વચ્ચે કોરોનાવાઇરસ, સાયન્સ અને ટેક્નોલોજી તથા ઇન્ડો-પેસિફિક ભાગીદારી સહિતના વિવિધ મુદ્દા પર ચર્ચા થાય તેવી શક્યતા છે.
ભારત પ્રથમ વખત ઓનલાઇન માધ્યમથી મિટીંગ કરશે
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવી દિલ્હીથી તથા ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસન કેનબેરાથી આ મિટીંગમાં ભાગ લેશે. આ સૌ પ્રથમ બનાવ છે કે જેમાં ભારત કોઇ દેશના નેતા સાથે ઓનલાઇન બેઠક યોજવા જઇ રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે કોરોનાવાઇરસ સામે લડવા માટે નરેન્દ્ર મોદીની અપીલ પર વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જી20 દેશોની એક બેઠક યોજાઇ હતી જેમાં ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસને પણ ભાગ લીધો હતો.

Australia's Prime Minister Scott Morrison and India's Prime Minister Narendra Modi (file pic) Source: (AAP Image/Mick Tsikas)
જોકે, બંને દેશો વચ્ચે પ્રથમ વખત ઓનલાઇન માધ્યમથી દ્વીપક્ષિય મીટિંગ યોજાવા જઇ રહી છે.
કઇ બાબતો પર ચર્ચા થશે
ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસને એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેઓ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મિટીંગ કરવા માટે આતુર છે.
ભારત અને ઓસ્ટ્રેલિયા બંને દેશ વચ્ચેના મજબૂત સંબંધો ઇન્ડો-પેસિફિક વિસ્તારના વિકાસ અને વૃદ્ધી માટે મહત્વની કડી છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
4થી જૂને જ્યારે ભારત અને ઓસ્ટ્રેલિયા બંને દેશોના વડાપ્રધાન ઓનલાઇન મિટીંગ યોજશે ત્યારે બંને દેશ વચ્ચે રક્ષા, વિજ્ઞાન અને ટેક્નોલોજી, વેપાર, દરિયાઇ સલામતી અને સુરક્ષા તથા શિક્ષણના મુદ્દા પર ચર્ચા થશે.
જાન્યુઆરીમાં વડાપ્રધાન મોરિસનની ભારત મુલાકાત રદ થઇ હતી
ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસન અગાઉ જાન્યુઆરી 2020માં ભારતની મુલાકાતે જવાના હતા જ્યાં તેઓ વડાપ્રધાન મોદી સાથે મીટિંગ કરવાના હતા. પરંતુ, ઓસ્ટ્રેલિયામાં આવેલા ભયાનક બુશફાયરના કારણે તેમણે ભારત પ્રવાસ રદ કર્યો હતો.
વર્તમાન સમયમાં કોરોનાવાઇરસના કારણે બંને વડાપ્રધાને ઓનલાઇન માધ્યમથી મિટીંગ કરવાનું નક્કી કર્યું છે.
મોરિસને ટ્વિટર પર સમોસાનો ફોટો શેર કર્યો, કહ્યું, મોદી સાથેની મુલાકાત ચટપટી રહેશે
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે 4થી જૂને યોજાનારી મિટીંગ અગાઉ ઓસ્ટ્રેલિયન વડાપ્રધાન સ્કોટ મોરિસને રવિવારે તેમના ટ્વિટર એકાઉન્ટ પર સમોસાનો એક ફોટો શેર કર્યો હતો.
જેમાં તેમણે જણાવ્યું હતું કે, "આ રવિવારે ‘સ્કો-મોસા’ અને કેરીની ચટણી છે. મે તેને જાતે તૈયાર કર્યા છે. સમોસા વેજીટેરીયન છે. આ અઠવાડિયે વડાપ્રધાન મોદીની સાથે વીડિયો લિન્કના માધ્યમથી બેઠક કરીશ. જો તેમ ન થયું હોત તો હું તેમની સાથે વાસ્તવિક રીતે સમોસા વહેંચી રહ્યો હોત."
વડાપ્રધાન મોદીએ પણ તેમના પ્રત્યુત્તરમાં જણાવ્યું હતું કે, "ભારત અને ઓસ્ટ્રેલિયા હિન્દ મહાસાગરથી જોડાયેલા છે અને સમોસાના માધ્યમથી વધુ નજીક આવ્યા છે. સમોસા ખૂબ જ સ્વાદિષ્ટ દેખાઇ રહ્યા છે. એક વખત કોરોનાવાઇરસની મહામારી સમાપ્ત થાય ત્યાર બાદ આપણે એકસાથે સમોસા ખાઇશું."