વિક્ટોરીયા સહિત મેલ્બર્નમાં કોરોનાવાઇરસના કેસમાં સતત ઘટાડો નોંધાતા રવિવારે રાજ્યના પ્રીમિયર ડેનિયલ એન્ડ્રયુસે કેટલાક પ્રતિબંધોમાં છૂટછાટ આપવાની જાહેરાત કરી હતી.
જે અંતર્ગત, મેલ્બર્નમાં રાત્રી કર્ફ્યુ હટાવી લેવામાં આવ્યો છે. અને, શહેરના રહેવાસીઓ રાત્રીના સમય દરમિયાન ઘરની બહાર જઇ શકશે.
કોરોનાવાઇરસના પ્રતિબંધો હળવા કરવાના રોડમેપ પ્રમાણે, છેલ્લા 14 દિવસમાં મેલ્બર્નમાં દૈનિક કેસની સંખ્યા 30થી 50 રહે તેવું અનુમાન હતું પરંતુ, તે સરેરાશ 22.1 થઇ જતા નિયંત્રણો હળવા કરવામાં આવ્યા હતા.
સોમવાર 28મી સપ્ટેમ્બર 2020થી હળવા થયેલા નિયંત્રણો
રાજ્યના પ્રીમિયર ડેનિયલ એન્ડ્ર્યુસે રવિવારે વિક્ટોરીયા અને મેલ્બર્નમાં નિયંત્રણો હળવા કરવા અંગે જાહેરાત કરી હતી. આ તમામ બાબતો સોમવાર 28મી સપ્ટેમ્બર 2020થી લાગૂ થશે.
- વધુ 127,000 કર્મચારીઓ કાર્ય સ્થળે પરત ફરશે.
- ચાઇલ્ડકેર ફરીથી શરૂ થશે
- જાહેર સ્થળો પર ભેગા થઇ રહેલા લોકોની સંખ્યા વધારાઇ
- બે અલગ અલગ ઘરના મહત્તમ 5 સભ્યો બહાર મુલાકાત કરી શકશે
- સોમવાર સવારે 5 વાગ્યાથી રાજ્યમાં રાત્રી કર્ફ્યુ હટાવી લેવાયો છે
- પ્રતિ ઘર દિવસમાં એકથી વધુ વ્યક્તિ જરૂરિયાતની ચીજવસ્તુની ખરીદી કરવા જઇ શકશે
- માતા અને પિતા અથવા કેરર 18 વર્ષથી ઓછી વયની વ્યક્તિની એકસાથે હોસ્પિટલમાં મુલાકાત લઇ શકશે
- આઉટડોરમાં પૂજારી સહિત અન્ય 5 લોકો ધાર્મિક પ્રવૃત્તિ કરી શકશે
- આઉટડોર લગ્ન સમારંભમાં યુગલ સહિત મહત્તમ 5 લોકોની પરવાનગી
- 5મી ઓક્ટોબરથી, VCE અને VCAL વિદ્યાર્થીઓ શાળાએ આવીને અભ્યાસ કરી શકશે
નિયંત્રણનો ભંગ કરવા બદલ દંડની રકમ 5000 કરાઇ
પ્રીમિયર એન્ડ્રયુસે કોરોનાવાઇરસના નિયંત્રણોના ઉલ્લંઘન બદલ દંડની રકમ 1652 ડોલરથી વધારીને 5000 ડોલર જેટલી કરી દીધી છે.
તેમણે પોતાના નિવદેનમાં જણાવ્યું હતું કે, વિક્ટોરીયા રાજ્ય કોરોનાવાઇરસને હરાવવાની તદ્દન નજીક પહોંચી ગયું છે. તેથી જ, મિત્રોની મુલાકાત લેવી અથવા કાર પાર્કમાં મેળાવડા કરવા એ હાલના તબક્કે યોગ્ય નથી.
આ ઉપરાંત, રાજ્યમાં કોરોનાવાઇરસની પરિસ્થિતી કાબુમાં આવી રહી હોવાના કારણે નિયંત્રણો હટાવવાના રોડમેપ અંતર્ગત આગામી તબક્કો 19મી ઓક્ટોબરથી શરૂ કરવાની જાહેરાત કરાઇ છે. જોકે, આ તબક્કો છેલ્લા 14 દિવસમાં નોંધાયેલા કોરોનાવાઇરસના કેસની સંખ્યાને ધ્યાનમાં રાખીને અમલમાં મૂકાશે.