તાજેતરમાં જ AMES દ્વારા કરવામાં આવેલા એક સર્વેના તારણ પ્રમાણે, નજીકના ભૂતકાળમાં ઓસ્ટ્રેલિયા સ્થાયી થયા હોય અને ભવિષ્યમાં ઓસ્ટ્રેલિયન નાગરિકતા અપનાવવા જઇ રહેલા માઇગ્રન્ટ્સ અને રેફ્યુજીના મત પ્રમાણે ઓસ્ટ્રેલિયા ડેને ઉજવવો જરૂરી છે.
તેમના જણાવ્યા પ્રમાણે, ઓસ્ટ્રેલિયા ડે મનાવવાથી તેમને આ દેશમાં સકારાત્મક આવકાર મળ્યાની અનૂભુતિ થશે.
જોકે, મોટા ભાગના લોકોને 26મી જાન્યુઆરી અને તેની સાથે સંકળાયેલી ઘટનાઓ વિશે જ્ઞાન નથી.
77 ટકા લોકોનો હકારાત્મક જવાબ
સર્વેમાં પૂછવામાં આવ્યા પ્રમાણે, ઓસ્ટ્રેલિયા ડે ઓસ્ટ્રેલિયા માટે મહત્વપૂર્ણ છે?, જેના જવાબમાં 77 ટકા લોકોએ સહેમતિ દર્શાવી હતી જ્યારે 10 ટકા લોકોએ ના પાડી હતી.
68 ટકા લોકોએ આ દિવસને વિવિધ પ્રકારની પ્રવૃત્તિ કરીને મનાવવા અંગે જણાવ્યું હતું જ્યારે 32 ટકા લોકોએ કોઇ પણ પ્રકારનું આયોજન નહીં કર્યાનો જવાબ આપ્યો હતો.

Australians Celebrate Australia Day Source: Getty Images AsiaPac Cole Bennetts/Getty Images
જોકે, માત્ર 25 ટકા લોકોને જ 26મી જાન્યુઆરીના ઇતિહાસ અને તેની સાથે જોડાયેલી ઘટનાઓ તથા ઇન્ડીજીનસ સમાજની માંગ વિશે જાણ હતી.
બીજી તરફ, 55 ટકા લોકોએ માન્યું હતું કે ઓસ્ટ્રેલિયન્સને ઓસ્ટ્રેલિયા ડે અંગે ગર્વ હોવો જોઇએ.
ઓસ્ટ્રેલિયા ડે નહીં મનાવતી કાઉન્સિલ્સની યાદી
યારા સિટી
ઓગસ્ટ 2017માં, મેલ્બર્નની યારા સિટીએ 26મી જાન્યુઆરીએ ઓસ્ટ્રેલિયા ડે નહીં મનાવવાની જાહેરાત કરી હતી. અને સિટીઝનશિપ સેરેમની પણ આયોજિત કરી નહોતી.
ડારેબિન, વિક્ટોરીયા
મેલ્બર્નમાં આવેલી ડારેબિન કાઉન્સિલે પણ યારા સિટીની જેમ ઓસ્ટ્રેલિયા ડે નહીં મનાવવાની જાહેરાત કરી હતી. વોટિંગના આધારે નક્કી કરવામાં આવ્યું હતું કે 26મી જાન્યુઆરીને એલઓરિજીનલ એન્ડ ટોરેસ સ્ટ્રેટ આઇલેન્ડરની ભૂમિ પરના આક્રમણના દિવસ તરીકે યાદ કરાશે.
Image
મોરલેન્ડ, વિક્ટોરીયા
વર્ષ 2017ના સપ્ટેમ્બર મહિનામાં મેલ્બર્નની મોરલેન્ડ કાઉન્સિલે 26મી જાન્યુઆરીને ઓસ્ટ્રેલિયા ડે તરીકે યાદ નહીં કરવા અંગે નિર્ણય લીધો હતો. અને તારીખ બદલવા અંગેની ઝુંબેશને સમર્થન આપ્યું હતું.
ઇનરવેસ્ટ, ન્યૂ સાઉથ વેલ્સ
સિડનીની ઇનર વેસ્ટ કાઉન્સિલે નવેમ્બર 2019માં ઓસ્ટ્રેલિયા ડેની તારીખ બદલવાની ઝુંબેશને સમર્થન આપ્યું હતું. અને વર્ષ 2020ની 26મી જાન્યુઆરીનો દિવસે ઓસ્ટ્રેલિયા ડે તરીકે નહીં ઉજવવાનો નિર્ણય લીધો હતો.
આ ઉપરાંત, ફ્રીમેન્ટલ – વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા, ફ્લિન્ડર્સ આઇલેન્ડ, લોન્સેસ્ટન – તાસ્માનિયાએ પણ 26મી જાન્યુઆરીને ઓસ્ટ્રેલિયા ડે તરીકે નહીં ઉજવવાનો નિર્ણય લીધો છે.