ઓસ્ટ્રેલિયાના ન્યૂ સાઉથ વેલ્સ રાજ્યના સિડની અને તેની આસપાસના વિસ્તારોમાં સોમવારે વરસાદ, ભારે પવનના કારણે લગભગ 50 હજાર જેટલા ઘરોમાં વિજળી કપાઇ ગઇ હોવાના અહેવાલ મળ્યા હતા.
આ ઉપરાંત 24 કલાકમાં જ રાજ્યના આકાશમાં આશરે 8 લાખ વખત વિજળીનો ચમકારો જોવા મળ્યો હતો.
બીજી તરફ, ભારે પવનના કારણે સિડનીના શહેરી વિસ્તાર ચેસ્ટવૂડમાં રહેતા 37 વર્ષીય વ્યક્તિ પર એક 9 કિલોગ્રામની ગેસની બોટલ પડતા તેને હોસ્પિટલ લઇ જવામાં આવી હતી. જોકે ફરજ પરના ડોક્ટર્સે તેને મૃત જાહેર કરી હતી.
રાજ્યના દક્ષિણ-પૂર્વીય વિસ્તારમાં ભારે પવનના કારણે રસ્તા પર વૃક્ષ પડી જવાના બનાવો નોંધાયા હતા.
રાજ્યના પ્રીમિયર ગ્લેડિસ બેરેજીક્લિયાને બુધવારે જણાવ્યું હતું કે, રાજ્યના તમામ ઘરોમાં તાત્કાલિક વિજળી મળે તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.
વેધરઝોનના જણાવ્યા પ્રમાણે ગ્રેટર સિડની વિસ્તારમાં એક જ રાત્રીમાં લગભગ 60 હજાર વખત વિજળી ચમકી હોવાના બનાવો નોંધાયા છે જ્યારે રાજ્યમાં 24 કલાકમાં 8 લાખ વખત વિજળી ચમકી હતી.

A car got crushed by a tree in Bondi's Ocean Street during the wild storm. Source: Brett Clancy
ન્યૂ સાઉથ વેલ્સ સ્ટેટ ઇમરજન્સી સર્વિસે SBS News ને જણાવ્યું હતું કે તેમને મંગળવારે રાત્રીના 8 વાગ્યાથી મદદ માટેના લગભગ એક હજાર જેટલા ફોન આવ્યા છે. મોટાભાગના બનાવો વાવાઝોડાના કારણે બન્યા છે. જેમાં રસ્તા પર વૃક્ષો પડી જવા, છાપરાંને નુકસાન, વિજળી કપાઇ જવી જેવા બનાવો નોંધાયા છે.
બ્યૂરો ઓફ મેટેરોલોજીના જણાવ્યા પ્રમાણે, બુધવાર સુધીમાં રાજ્યમાં પરિસ્થિતીમાં સુધારો થશે.
Share

