ઓસ્ટ્રેલિયાના ઉપ વડાપ્રધાન માઇકલ મેકોર્મેકે નવા એગ્રીકલ્ચર વિસા શરૂ કરવાની જાહેરાત કરી છે.
આ વિસા આગામી 3 મહિનામાં ઉપલબ્ધ કરાવવામાં આવશે.
ઓસ્ટ્રેલિયન સરકારે યુનાઇટેડ કિંગડમ સાથે નવા વેપારી કરાર અંતર્ગત બ્રિટીશ બેકપેકર્સના વર્કિંગ હોલિડે વિસા લંબાવવા માટે કૃષિ ક્ષેત્રમાં કાર્ય કરવાના નિયમને હટાવી દેતા ઓસ્ટ્રેલિયા એગ્રીકલ્ચર વિસા ઉપલબ્ધ કરાવશે.
મેકોર્મેકે જણાવ્યું હતું કે આ નિયમ રદ કરાતા કર્મચારીઓની અછત સર્જાશે જેને પૂરી કરવા માટે સાઉથ ઇસ્ટ એશિયાના 10 દેશોનો સમાવેશ કરવાનો નિર્ણય લેવાયો છે.
આ વિસા સપ્ટેમ્બર મહિનાના અંત સુધીમાં ઉપલબ્ધ થશે તેમ જણાવ્યું હતું.

Workers harvesting grapes from vines in vineyard Source: Supplied
કૃષિમંત્રી ડેવિડ લીટલપ્રાઉડે જણાવ્યું હતું કે યુકેના નાગરિકો માટે વર્કિંગ હોલિડે વિસાની જરૂરીયાતનો નિયમ હટાવી લીધા બાદ કૃષિ ક્ષેત્રને 10,000 કર્મચારીઓની અછત સર્જાશે.
તેથી જ આ અછતને પૂરી કરવા માટે નવા એગ્રિકલ્ચર વિસા શરૂ કરવામાં આવશે.
જેમાં 10 ASEAN દેશોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ 10 દેશોમાં થાઇલેન્ડ, કમ્બોડિયા, બ્રુનેઇ, મ્યાનમાર, ફિલીપીન્સ, મલેશિયા, લાઓસ, વિયેતનામ, સિંગાપોર તથા ઇન્ડોનેશિયાને સમાવવામાં આવ્યા છે.
વડાપ્રધાન સ્કોટ મોરિસન તથા યુનાઇટેડ કિંગડમના વડાપ્રધાન બોરિસ જ્હોન્સને બંને દેશો વચ્ચે વેપાર અંગે ઘણી સમજૂતી કરી છે. જેમાં બ્રિટીશ હોલિડે વિસાધારકો માટેનો નિયમ કેન્દ્ર સ્થાને રહ્યો હતો.